Nov 1, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૧૫-અરણ્ય-કાંડ

અરણ્યકાંડ
શ્રી રામચંદ્ર,સીતાજી ને લક્ષ્મણજી ચિત્રકૂટમાં નિવાસ કરી રહ્યા છે.તેમનાં દર્શન કરવા,અને તેમની સાથે જ્ઞાન-ચર્ચા કરવા,દૂરદૂરથી ઋષિ-મુનિઓ તેમની પર્ણકુટીમાં આવે છે.જેમનું મન પ્રભુ-ભાવથી ભીનું છે,તેને તેને રામજીના ચરણમાં અને રામજીનાં દર્શનમાં સુખનો અનુભવ થાય છે, દેવો વિચારે છે કે હવે પોતાનું કામ થશે,રાવણનો સંહાર થશે,અને ભયમુક્ત થવાશે –એ વિચારથી પ્રસન્ન છે અને એશ-આરામમાં મસ્ત રહે છે.

ઇન્દ્રને જયંત નામનો દીકરો હતો,અતિ ભોગ વિલાસ અને સાહ્યબીના જોરે તે જ્યાં-ત્યાં ભમતો રહેતો,
એ વિચારે છે કે-“શા સારું દેવો રામની આટલી ખુશામત કરે છે? મને તો એ સામાન્ય માનવી લાગે છે,
અને સીતા,પણ એક સામાન્ય બાઈ લાગે છે,મને તો એમનામાં કોઈ પ્રભુત્વ જેવું દેખાતું નથી.”
આવો વિચાર કરી એને રામ-સીતાના પ્રભુત્વની પરીક્ષા કરવાની ઈચ્છા થઇ,અને તે ચિત્રકૂટમાં પરીક્ષા
કરવા આવ્યો.સ્વભાવ અને સંસ્કાર,જન્મથી જ માણસમાં આવે છે.ભોગ-વિલાસમાં ઉછરેલાની બુદ્ધિ,
વ્યાપક તત્વનો વિચાર કરી શકતી નથી,એ એના જ કુંડાળામાં રમે છે.
જયંત અહમથી વિચારે છે કે-રામ-સીતા વળી શું છે?સમર્થ તો હું છું.
તુલસીદાસજી કહે છે કે-કીડી,સમુદ્રનો તાગ લેવા દોડી.

સીતાજી સ્નાન કરતાં હતાં ત્યાં જયંત કાગડો થઈને પહોંચી ગયો,અને સીતાજીના પગમાં ચાંચ મારી દીધી.
સીતાજી તો દયાની મૂર્તિ છે,તેમણે તો જયંતને ક્ષમા આપી દીધી,પણ રામચંદ્રજી,જયંતને ઓળખી ગયા,
અને જયંતની આ દુષ્ટતા જોઈને અપ્રસન્ન થયા.મોટા કુળનો છોકરો અને લાડ-કોડ માં ઉછરેલો,એ આવા અલગારી-વેડા કરે તે સીતાજી સહી લે પણ,રામજીથી આ સહન થયું નહિ,એટલે તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.તેમણે એક તણખલું ઉપાડી તેનું બાણ કરીને જયંત પર છોડ્યું,અને એકદમ એ બાણ અગ્નિરૂપ થઇને જયંતની સામે ધસ્યું.જયંત ત્યાંથી ભાગ્યો,પણ ભાગીને જાય ક્યાં?

હવે,જયંતે પોતાનું મૂળ-રૂપ ધારણ કર્યું હતું ને વિચારે છે કે-મારો બાપ તો દેવોનો દેવ છે એટલે મારું રક્ષણ કરશે,એમ સમજી ને “બચાવો-બચાવો” ની બૂમો પડતો તે ઇન્દ્રની પાસે પહોંચ્યો.ઇન્દ્રને ખબર પડી કે તેની પાછળ રામજીનું બાણ પડ્યું છે.અને રામના બાણની મહત્તા ઇન્દ્ર જાણતો હતો,
બાપ હંમેશાં લાડમાં ઉછરેલા પુત્રનો બચાવ કરતો હોય છે,પણ કજીયો,પોતાને માથે આવી પડે,
તો બાપ પણ આઘો ખસી જાય છે.અત્યારના જમાનામાં પણ બાપ છાપામાં જાહેર-ખબર આપી દે છે કે-
છોકરો અમારા કહ્યામાં નથી,માટે તેની સાથે કોઈએ લેવડ દેવડ કરવી નહિ,અમે જવાબદાર નથી.

ઇન્દ્રે જોયું કે-જગદંબા જાનકીજીની આમન્યાનો જયંતે ભંગ કર્યો છે,અને રામજીનો અપરાધ કર્યો છે,
એટલે તેણે દીકરાને કહી દીધું કે-મારા ઘરમાં તું નહિ,તું તારું ફોડી લે,તારી ખાતર રામજીની સાથે
કજીયો વહોરી લેવા હું તૈયાર નથી.જેના પર રામજી કોપ્યા હોય,તેની માતા મૃત્યુ સમાન,પિતા યમરાજ સમાન,અને અમૃત ઝેર સમાન થાય છે,રામજીથી વિમુખ થાય તેને કોઈ સંઘરે નહિ.મારાથી તો શું બીજા કોઈનાથી પણ તને હવે રક્ષણ નહિ મળે.તારું ભલું જ ચાહતો હો,તો રામજીના જ શરણે જા,એમની માફી માગ,રામજી પરમ દયાળુ છે,તે દયા કરશે.

જયંત ને હવે સાન આવી,ને રામજી ના સામર્થ્યનો હવે તેંને ખ્યાલ આવ્યો.જેની શક્તિ પર પોતે મુસ્તાક હતો 
તેવા તેના પિતા પણ તેનો બચાવ કરવા અસમર્થ હતા.પાછળ ધસી આવતા બાણને,શ્રી રામની આણ દઈ 
એણે કહ્યું કે-હું રામજીના ચરણ માં જઈ ને,તેમનું શરણું લઉં ત્યાં સુધી તુ થોભી જા.
જયંત ત્યાંથી દોડતો રામજીની પાસે પાછો ફર્યો ને રામજીના ચરણમાં ઢગલો થઇ ને પડ્યો.અને
રડીને કરગરવા લાગ્યો કે-પ્રભુ,મારી ભૂલ થઇ છે મને ક્ષમા કરો,હું માતાજીને ઓળખી શક્યો નહિ,
મેં સમતા ગુમાવી હતી,ને વિવેક ગુમાવી, હું ભાન ભૂલ્યો હતો,હું તમારા શરણે આવ્યો છું,ક્ષમા કરો.

રામજી તો મહા-કૃપાળુ છે,એમનું શરણું લેનાર મહા-પાપી હોય તો પણ તરી જાય છે.
તેમણે જયંતને કહ્યું કે-“મારું બાણ ખાલી પાછું નહિ ફરે,પણ તારો જીવ લેવાને બદલે તેરી એક આંખ લઇ લેશે.” અને જયંત એક-ચક્ષુ થઇ ગયો.જીવ ના ગયો,આંધળો ન થયો,એ માટે પ્રભુનો પાડ માન્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE