Nov 28, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૮

સીતાજી અશોક-વાટિકામાં રામનું ધ્યાન કરતાં બેઠાં હતાં.ત્યાં રાવણ આવીને તેમની સામે ઉભો અને નફફટાઈથી ચાલ રમતો બોલ્યો “આ દશાનન રાવણ કોઈ સ્ત્રી આગળ કોમળ થયો નથી,તે દશે શીશ વડે તને પ્રણામ કરીને કહે છે કે-તુ મારો સ્વીકાર કર.
સીતાજીએ ત્યારે પોતાની અને રાવણની વચ્ચે એક તણખલું મુક્યું.તણખલું મૂકીને તેમણે એમ બતાવ્યું કે-તું મારે મન તણખલા બરાબર છે.હું તારાથી મુદ્દલે બીતી નથી.

પછી તેમણે કહ્યું કે-હે,બીકણ,ચોરની માફક તું મને હરી લાવ્યો છું,એમાં તેં શું બહાદુરી કરી? હું ખાતરીથી કહું છું કે તારો વિનાશ નક્કી જ છે.મારા આ જડ શરીરને તુ બાંધે કે મારી નાખે મને તેથી કોઈ નુકશાન થવાનું નથી.આ સાંભળી રાવણે ગુસ્સે થઇને કહ્યું કે-હું તને બાર મહિનાની મુદત આપું છું,
અને ત્યાં સુધી જો તુ મારે વશ નહિ થાય તો,તારા ટુકડે ટુકડા કરી નખાશે,એ નક્કી જાણજે.
સીતાજી કંઈ બોલ્યા નહી,અને રામજીની છબી હૃદયમાં રાખીને રામ-રામ રટતાં રહ્યાં.

બીજી બાજુ,મારીચને મારીને શ્રીરામ પાછા ફરે છે ત્યાં સામે લક્ષ્મણને દોડતા આવતા જોયા.
એ જોઈ રામજી ચિંતામાં પડી જાય છે,લક્ષ્મણનું મોઢું ઉદાસ છે,એ જોઈ શ્રીરામ તેમનો હાથ પકડીને પૂછે છે કે-હે,લક્ષ્મણ,સીતા કુશળ તો છે ને?તું એને એકલી મૂકી ને કેમ આવ્યો?તું બોલતો કેમ નથી?
છતાં લક્ષ્મણજી કંઈ બોલતા નથી ઉલ્ટા વધારે દીન બની ગયા.

શ્રીરામ વ્યાકુળ થઈને કહે છે કે-લક્ષ્મણ,તું મારી આજ્ઞા તોડી,સીતાને એકલી છોડીને અહીં કેમ આવ્યો?
ત્યારે લક્ષ્મણજીએ સીતાજીએ કહેલાં કટુ વચનો શ્રીરામને સંભળાવ્યા,ને દીનભાવે કહ્યું કે-
તેમના વચન મારાથી સહેવાયા નહી,એટલે તેમને પર્ણકુટીમાં એકલાં મુકીને હું અહીં આવ્યો.
રામજી કહે છે કે-મારી આજ્ઞા તોડીને તેં પાપ કર્યું છે,સીતાને એકલી મૂકી ને તું અહીં આવ્યો જ કેમ?

લક્ષ્મણ તો સેવક હતા.સંસારમાં જ્ઞાની થવું સહેલું છે,પણ સેવક થવું ઘણું કઠણ છે.કારણકે-
સેવકે માલિકની ઈચ્છા પ્રમાણે જ બધું કરવાનું હોય છે,પોતાની ઈચ્છાનું કશું મહત્વ જ હોતું નથી.
સેવક-ધર્મ બેધારી તલવાર જેવો છે.માલિક તો બંને બાજુ બોલી શકે છે.
સીતાજીની આજ્ઞા માનીને આવ્યો તો કહે છે કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કેમ આવ્યો,અને 
જો ના આવ્યો હોત,તો કદાચ કહેત કે સીતાજીએ તને આજ્ઞા કરી છતાં તેં કેમ માની નહિ?
શું હું ને સીતાજી જુદાં છીએ?

સીતાજીનાં વેણ સાંભળી લક્ષ્મણજી અપમાનિત તો થયા હતા,તે ઉપર હવે મોટાભાઈનાં વચનોથી 
તેઓ અન્યાયનો ભોગ બન્યા..તેમની સ્થિતિ અસહ્ય બની ગઈ.
પણ તેમનો રામ-સીતા પરનો પ્રેમ એવો છે કે-તે અપમાન અને અન્યાય બંને સહન કરી લે છે.
મનમાં તો તે ઘણા દુઃખી થયા પણ સેવકને ભાગે હંમેશા ઠપકો સાંભળવાનો હોય છે એમ સમજી શાંત રહ્યા.

રામાવતારમાં લક્ષ્મણે કરેલી સેવાનો બદલો આપવાની ઈચ્છાથી ભગવાને કૃષ્ણાવતારમાં,
મોટાભાઈ તરીકે લક્ષ્મણનો સ્વીકાર કરીને એમની સેવા કરી હતી.
ભગવાન કોઈનું ઋણ રાખતાં નથી એટલે તો તેમણે “રણછોડ” (ઋણ-છોડ) કહે છે.
શ્રીરામ તો આનંદ-સ્વરૂપ છે,દુઃખ કે શોકથી પર છે,છતાં અત્યારે સીતાજીની ચિંતામાં વિહ્વળ બની દુઃખ વ્યક્ત કરે છે.અને કહે છે કે-લક્ષ્મણ,સીતાને કંઈ થયું તો નહી હોય ને?એને એકલી જોઈને કોઈ રાક્ષસ તેને ઉપાડી તો નહી ગયો હોય ને? અરે રે હું સીતા વગર કેવી રીતે જીવી શકીશ?

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE