Nov 29, 2021

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૩૯

લક્ષ્મણજી શ્રીરામને આશ્વાસન આપે છે અને બંને પર્ણકુટી પાછા ફરે છે.જુએ છે તો પર્ણકુટીમાં સીતાજી નથી.શ્રીરામ બહાવરા બની જાય છે ,અને લક્ષ્મણજીને ધ્રાસકો પડ્યો.તેમને પારાવાર પસ્તાવો થાય છે કે-સીતાજીના કઠોર વચનો સહી લઈને પણ હું અહીં જ રહ્યો હોત તો સારું થાત.મેં ખોટું કર્યું.પણ હવે શું થાય? કદાચ સીતાજી નદીએ પાણી ભરવા કે ફુલ વીણવા ગયા હોય,એમ સમજી બંનેએ ચારે તરફ તપાસ કરી પણ સીતાજીનો ક્યાંય પત્તો મળ્યો નહિ.

શ્રીરામ એક સામાન્ય માનવીની જેમ આંસુ વહાવે છે,તેમની આંખો લાલ થઇ છે,ઉન્મત્ત સરખા બની ગયા છે.વનનાં વૃક્ષોને પૂછે છે કે- તમે મારી સીતાને જોઈ?જોઈ હો તો કહો,તેની કુશળતાના સમાચાર કહી મને શોકરહિત કરો.શ્રીરામ વળી,વાયુદેવને ,સૂર્યદેવને,પણ પૂછે છે કે-મારી સીતા ક્યાં છે?
બહાવરાની પેઠે તે અહીં તહીં દોડે છે,શરીરનું એમને ભાન નથી,”હે સીતે,હે,સીતે “કરીને આંસુ વહાવે છે.

શ્રીરામ લક્ષ્મણને કહે છે-કે-લક્ષ્મણ તું વનવાસની અવધિ પુરી થાય ત્યારે તું એકલો પાછો અયોધ્યા જજે,અને મારી વતીથી બધાને સંભાળજે. હે,લક્ષ્મણ આજ લગી બધાં દુઃખો શાંત હતાં,કારણકે સીતા મારી સાથે હતી,
પણ સૂકાંલાકડામાં જેમ આગ લાગી જાય તેમ સીતાના વિયોગથી મારાં દુઃખ ફરી જાગી ગયાં છે.

હે,લક્ષ્મણ,હવે હું કોઈને મોં દેખાડવા લાયક રહ્યો નથી.સૂર્યદેવ તો આપણા વંશના આદ્ય-પિતા છે,પણ હું 
ઉપર તેમની સામે જોઉં છું તો મને તે લાખ લાખ કિરણોના ચાબખા મારી ઠપકો આપી રહ્યા છે,કે-
“તેં મારા કુળની આબરૂ પર પાણી ફેરવ્યું,મારી પુત્રવધુનું રક્ષણ કરવાની તારામાં તાકાત નથી?
હું નીચે જોઉં છું તો ધરતી કે જે મારી સાસુ છે તે મને ઠપકો આપીને કહે છે કે-મારી સીતાનું રક્ષણ કરી ના શક્યો? પત્નીનું રક્ષણ કરવાની તાકાત નહોતી તો તું પરણ્યો શું કામ? 

આમ શ્રીરામ એક સામાન્ય માનવીની જેમ રડે છે.
શ્રીરામ તો પરમાત્મા છે,તે તો આનંદ-સ્વ-રૂપ છે,સુખ-દુઃખથી પર છે,એ કદી રડતા હશે???
રાજયાભિષેકની વાતથી તેમને નહોતો હર્ષ થયો કે વનવાસની વાત સાંભળી તેમણે શોક થયો નહોતો.
તો એ શું કામ રડતા હશે?

પરમાત્માની આ લીલા છે,પ્રભુ લીલા કરે છે.લીલાની કથા સાંભળી એટલો સમય જીવ જગતને ભૂલી જાય છે, 
અને પ્રભુનું સ્મરણ કરે છે.પ્રભુની લીલા મનુષ્યના ઉદ્ધાર માટે છે,
પરમાત્મા શ્રીરામ સગુણ સાકાર છે ને નિર્ગુણ નિરાકાર પણ છે,
નિર્ગુણ નિરાકાર સાથે પ્રેમ થતો નથી,નિરાકાર ઈશ્વરનો સંબંધ 'બુદ્ધિ' સાથે થાય છે.

ભગવાન સર્વમાં અને અને સર્વકાળે સર્વ જગ્યાએ છે,એવું જે સમજે તેના હાથે પાપ થતું નથી,પણ,
જે એમ માને છે કે-ભગવાન ક્યાંક વૈકુંઠ-લોકમાં બેઠા છે,તેના હાથે પાપ થાય છે.
જેમ રાજા એક જગ્યાએ રહે પણ તેની સત્તા રાજ્ય-વ્યાપી છે તેમ પરમાત્માની સતા સર્વવ્યાપી છે.
એક સામાન્ય સિપાઈ રસ્તામાં ઉભો રહી હાથ ઉંચો કરે તો મોટર ઉભી રાખવી પડે છે,એમાં સિપાઈનું 
મહત્વ નથી,રાજ-સત્તાનું મહત્વ છે.સત્તાનો કોઈ રંગ કે આકાર નથી,છતાં સત્તા છે.
તેમ નિર્ગુણ નિરાકાર પરમાત્મા પણ સર્વ-કાળે,સર્વમાં રહેલો છે.

વેદાંતમાં ઈશ્વરના સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે કે-પરમાત્મા નિરાકાર છે,તેજ-સ્વરૂપ છે.
એનો અર્થ એ –કે-ઈશ્વરનું કોઈ એક સ્વરૂપ નક્કી થયેલું નથી.એટલે જગતમાં જેટલાં રૂપ દેખાય છે તે બધાં ઈશ્વરનાં ભિન્ન-ભિન્ન રૂપો છે.સોનાના દાગીના અનેક બને છે પણ સોનું બધામાં એક જ છે.
કિંમત આકારની બહુ અંકાતી નથી,સાચી કિંમત સોનાની છે.
ભગવાન ધનુષ્ય-બાણ ધારણ કરે છે-ત્યારે આપણે તેમણે રામચંદ્ર કહીએ છીએ,અને 
એ જ પરમાત્મા જયારે હાથમાં વાંસળી ધારણ કરે છે ત્યારે શ્રીકૃષ્ણ તરીકે ઓળખાય છે.
નામ જુદાં છે પણ પરમાત્મા એક જ છે.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE