Jan 4, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૬૬

પછી જાંબવાને હનુમાનજી તરફ જોઈને કહ્યું કે-હે,વીર શ્રેષ્ઠ,હનુમાન તું કેમ કશું બોલતો નથી? 
હે કપિશ્રેષ્ઠ,બળમાં તો તું રામ લક્ષ્મણ જેવો છે,જન્મતાં જ તેં અદભૂત પરાક્રમ કર્યું હતું,તે બીજા ભલે ના જાણતા હોય પણ હું જાણું છું.એક વાર સૂરજને પાકેલું લાલ-ફળ સમજી ને તે ખાવા,
તું,મા ના ખોળામાંથી આકાશમાં ઉડ્યો હતો,ને છેક સૂરજની નજીક પહોંચી ગયો હતો ! 
તારું આ પરાક્રમ જોઈને ઇન્દ્રે તને હનુ (હડપચી) પર વજ્ર માર્યું ને જેથી તું પૃથ્વી પર મૂર્છિત થઈને પડ્યો હતો.હનુ (હડપચી) પર વાગ્યું તેથી તું હનુમાન કહેવાય છે.

તું સાક્ષાત પવનદેવનો પુત્ર છે. યુદ્ધમાં તને અસ્ત્ર કે શસ્ત્રથી કોઈ મારી શકે તેમ નથી,તું વજ્ર-દેહી છે.
ને ઈચ્છા-મૃત્યુ તને વરેલું છે.તું મહા-સમર્થ છે,છતાં અત્યારે કેમ ચૂપ બેસી રહ્યો છે? જેમ વિષ્ણુએ ત્રણ પગલાં ભરીને મહાપરાક્રમ કર્યું હતું તેમ,તું પણ આ સમુદ્રને કુદીને મહા-પરાક્રમ કર.જગતમાં એવું કોઈ કાર્ય નથી કે 
જે તું ના કરી શકે,શ્રીરામનું કામ કરવા માટે જ તારો અવતાર થયો છે.“રામકાજ લગી તબ અબતારા”

જાંબુવાને હનુમાનજીની છુપાઈ રહેલી આત્મ શક્તિને જગાડી, ને,જેથી હનુમાનજીને પોતાની શક્તિનું ભાન થયું.તે સિંહ-નાદ કરીને બોલી ઉઠયા કે-હા,શ્રીરામનું કામ કરવા જ મારો જન્મ થયો છે,
હું ઉગતા સૂરજને પકડનારો,સો જોજનનો દરિયો કૂદવો (ઓળંગવો) તે મારે મન રમત વાત છે.
આમ,બોલતાં બોલતાં હનુમાનજીમાં એવો વીર-ભાવ આવ્યો કે-તેમની કાયા વિશાળ બની ગઈ,

તેમણે પોતાનું મહાન –વિશાળ રૂપ. પ્રગટ કર્યું.તેમની આત્મ-શ્રદ્ધા વિશાળ રૂપ ધરી પ્રગટ થઇ.
બધા વાનરો “ધન્ય હો” કરી તેમની પ્રશંસા કરવા લાગ્યા.હનુમાનજી એ હર્ષથી પૂંછડું જમીન પર પછાડ્યું,
ને જાણે વધારે ને વધારે બળવાન બની ગર્જના કરવા લાગ્યા.જાંબવાન અને અંગદની સામે જોઈ તેમણે કહ્યું કે-બોલો હવે હું શું કરું? તમે કહો તો,રાવણને મારી ને આખી લંકાને મૂળમાંથી ઉખેડી અહીં લઇ આવું.

ત્યારે જાંબવાને ઉશ્કેરાઈ ના જતા,સ્વસ્થતા સાચવી કહ્યું કે-હે,વીર,તમે માત્ર સીતાજી ની ખબર કાઢી જલ્દી પાછા આવો,ત્યાં સુધી અમે તમારી વાત જોતાં અહીં બેઠા છીએ.અમારું જીવન-મરણ તમારા હાથમાં છે.
પછી હનુમાનજી મહેન્દ્ર પર્વત પર ચડ્યા,પગ ઠોકી ઠોકીને એમને તપાસ કરવા માંડી કે 
એમના કૂદવાનો ધક્કો ખમી શકે તેવું શિખર કયું છે? છેવટે તેમણે એક શિખર પસંદ કર્યું,
ત્યાં ઉભા રહી,એમને પિતા,વાયુદેવ નું સ્મરણ કરી ને દક્ષિણ દિશામાં છલાંગ મારી.

રામાયણની ભાષા પણ ભાગવતની જેમ સમાધિ-ભાષા છે.
માનવીના જીવનને ઉન્નત કરીને પ્રભુ-પરાયણ કરવાનું તેનામાં (રામાયણમાં) અપાર બળ છે.
જયારે જાંબવાન,હનુમાનજીને કહે છે કે-તમે કોણ છો તે તમે ભૂલી ગયા છો,તમે સામાન્ય નથી,
પણ શ્રીરામનું કામ કરવા જન્મેલા છો.અને આ શબ્દોથી હનુમાનજીની આત્મ-શક્તિ જાગૃત થાય છે.

મનુષ્યે પણ પોતાની આત્મ-શક્તિ આ પ્રમાણે જ જગાડવાની છે.દરેક જીવ,કંઈ સામાન્ય નથી,
“આત્મ-સ્વરૂપ જીવ” નો જીવન ધારણ કરવાનો હેતુ,પોતાને પરમાત્મ-સ્વરૂપ બનાવવાનો છે.
આ હેતુનું ભાન થવાની જરૂર છે. “આ તો બહુ મોટું કામ છે.મારાથી થાય નહિ”એમ કહી નિરાશ થવાની 
જરૂર નથી.કારણકે પ્રભુએ જે કામ આપણ ને સોંપ્યું છે,તે ના થઇ શકે તેવું કદી હોઈ શકે જ નહિ.

આ દુનિયામાં જો કોઈ એક માણસ તે કામ કરી શકે તો દુનિયાનો દરેક જીવ તે કરી શકે તેમ જ છે.
માર્ગ પણ ઘણો સ્પષ્ટ છે,અને અનંતને પહોંચવાના અનેક સાધનો પણ આપણા શાસ્ત્રોમાં,તથા
અનેક સંતોએ બતાવેલા છે.સ્વામી વિવેકાનંદે પણ કહ્યું છે કે-“ઉઠ,ઉભો થા,ને ધ્યેય-પ્રાપ્તિ માટે મંડી પડ”
જરૂર છે,માત્ર જાગવાની....મનુષ્ય જાગી જાય તો બેડો પાર છે.

કિષ્કિંધા કાંડ સમાપ્ત

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE