Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૫

નાગપાશમાં બંધાયેલા હનુમાનજી એ,જેવી પૂંછડે આગ લાગી કે તરત જ,સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું, એટલે નાગપાશનું બંધન એકદમ સરી પડ્યું,ને હનુમાનજી મુક્ત થયા.તેમણે ફરી વિશાળ સ્વરૂપ ધારણ કર્યું,ને જોરથી અટ્ટહાસ્ય કરીને ગર્જના કરી.અને ગઢના દરવાજા પર ચડી ગયા.સળગતા પૂંછડા સાથે દરવાજા પર ઉભેલા હનુમાનજી મધ્યાહ્ન ના સૂરજ ની જેમ શોભતા હતા. 

પછી તો હનુમાનજી એ લંકા નગરીના મહાલયો ઉપર કુદાકુદ કરવા માંડી,ને મહાલયોમાં આગ લાગી ગઈ.જોતજોતામાં તો આખી લંકા નગરી ભડભડ બાળવા લાગી.
બધાના મહેલો સળગી ગયા,માત્ર એક વિભીષણ ના મહેલ સિવાય.
“વિભીષણ ધર્મ-અધર્મ નો ભેદ સમજીને ધર્મને માર્ગે ચાલનારો છે,અને રામજી નો ભક્ત છે.”
એમ સમજીને એનો મહેલ હનુમાનજી એ બાળ્યો નહિ.

રાવણના મહેલ ને પણ એવી આગ લાગી કે-સોનાની જાળીઓ વાળો અને રત્ન-જડિત મહેલ ધરાશાયી થયો.રાવણે,પોતાના દાસ,મેઘને હુકમ કર્યો કે –તમે વરસી પડો ને આ આગ હોલવી નાખો.
બારે મેઘ,રાવણ નો હુકમ થતાં તૂટી પડ્યા,પણ આગ હોલવાઈ નહિ પણ ઉલ્ટી વધી.
“રામ-દાસે”  લગાડેલી આગ ને હોલવવાનું “રાવણ-દાસ” નું ગજું શું?
આ બધું નજરે જોયાં છતાં, રાવણ નો મદ ઓછો થતો નથી.
આગના ભડકા જાણે આકાશને અડવા લાગ્યા,ને લંકા-નગરી તેજના ગોળા જેવી દેખાવા માંડી.

ભડભડ બળતી આ લંકાને હનુમાનજી સંતોષથી જોઈ રહ્યા,અને પછી પૂંછ ને સમુદ્રમાં ડૂબાડી ઠાર્યું.
ઉશ્કેરાટ જેવો ઓછો થયો કે હનુમાનજી ને સીતાજી યાદ આવ્યા,ને તે વિચારમાં પડી ગયા કે-
મારા પૂંછડા નું વેર લેવા જતાં ઉશ્કેરાટમાં મેં આ શું કર્યું?સીઅત્જી ને ભૂલી ગાયો? ધિક્કાર છે મને.
સીતાજી ને તો કશું થયું નહિ હોય ને? નહિતર હું રામજી ને કેવી રીતે મારું મોઢું બતાવીશ?
તેમને હું શું કહીશ ? આના કરતા તો આ આગમાં બળી મરવું સારું.

હનુમાનજી આમ શોકમાં ડૂબી ગયા.એટલામાં જ તેમને બીજો વિચાર આવતાં તે મનમાં જ બોલ્યા કે-
હું કેવો મૂર્ખ છું,હું સમજુ છું કે લંકા મેં બાળી,પણ આ બાળવાનું સામર્થ્ય મારામાં ક્યાંથી આવ્યું?
જેણે મારા પૂંછડા ને શીતલ કર્યું,ને મને બળવા ના દીધો,અરે અગ્નિ ને પણ શક્તિ આપનાર,
આદ્ય-શક્તિ જગદંબા એ સીતાજી પોતે જ છે,તેમણે જ તેમની શક્તિ પ્રદાન કરી ને લંકાને બાળી છે,
તો તેમને કોણ બાળી શકે?મારું અંતર કહે છે કે-સીતાજી સલામત છે.

હનુમાનજી,પાછું નાનું સ્વરૂપ કરીને અશોક વાડીમાં આવ્યા.અને ત્યાં જોયું તો,વાડીનું એક પણ ઝાડ બળ્યું નથી.એક પાંદડાને પણ આંચ આવી નથી ને સીતાજી ત્યાં સલામત બેઠાં હતાં.
હનુમાનજી એ બે હાથ જોડી ને કહ્યું કે-માતાજી,જેમ રામજી એ મને ચિહ્ન રૂપે વીંટી આપી હતી,
તેમ તમે પણ મને કંઈ આપો,તે હું શ્રીરામજી ને આપીશ.
મા,તું,મોહિ દીજે કુછ ચીન્હા,જૈસે રઘુનાયક મોહિ  દીન્હા,
સીતાજીએ પોતાનો ચૂડામણિ આપ્યો.અને હનુમાનજી એ ઘણા હર્ષથી તે લીધો.
ચૂડામણિ ઉતારિ તબ દયઉ,હરશ સમેત પવનસૂત લયઉ.

અને સીતાજીએ સંદેશ કહ્યો કે-શ્રીરામને મારા પ્રણામ જણાવી કહેજો કે,આપ તો પૂર્ણ કામ છો,આપને કોઈ કામના નથી,પણ દીન-દુઃખી પર દયા કરવી એ આપનું બિરુદ છે,અને હું દુઃખી છું,દીન છું,
તો આપનું એ બિરુદ યાદ કરી,હે,નાથ,મારું આ ભારે સંકટ હરો.
“દીન-દયાલ બિરિદુ સંભારી,હરહુ નાથ મમ સંકટ ભારિ”

આ દોહામાં તુલસીદાસે સીતાજી ની સમગ્ર વેદના જાણે ભરી દીધી છે.આ પદ મંત્ર નું સામર્થ્ય ધરાવે છે.
વિપત્તિ ના સમયમાં “હરહુ નાથ મમ સંકટ ભારિ” આ પદ નું રટણ કરી ને પ્રભુના ચરણમાં સમર્પણ કરવામાં આવે તો –વિપત્તિઓના ઘનઘોર વાદળ વિખરાઈ જાય છે તેવો સંતો નો અનુભવ છે.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE