Feb 19, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૩

સવારમાં જ રાવણને યુદ્ધ કરવા આવેલો જોઈને શ્રીરામ જરા ચિંતાતુર થયા,હજુ ગઈકાલનો થાક પણ ઉતર્યો નહોતો.એ વખતે અગસ્ત્યમુનિ પણ ત્યાં યુદ્ધ જોવા આવેલા હતા તેમણે રામજીને ચિંતાતુર થયેલા જોઈને કહ્યું કે-હે રામ,તમે “આદિત્ય હૃદય” સ્તોત્ર (સૂર્યનું સ્તોત્ર)નો ત્રણ વાર પાઠ કરો તો સર્વ શત્રુઓને જીતી શકશો.સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને રાવણ કાળનું સ્વરૂપ છે.સૂર્યદેવની સ્તુતિ વગર કાળ મરતો નથી.
યજુર્વેદમાં કહ્યું છે કે-સૂર્ય,એ સ્થાવર-જંગમ-તમામ પદાર્થોનો આત્મા છે.ને જગતને પ્રકાશિત કરે છે.

તે પછી,શ્રીરામે સૂર્યની સામે જોઈને ત્રણવાર “આદિત્ય હૃદય” સ્તોત્રનો જપ કર્યો,અને રાવણની સામે યુદ્ધ કરવા ચાલ્યા.છેવટનું રામ-રાવણનું ભયાનક યુદ્ધ શરુ થયું.રાક્ષસો અને વાનરોનું સૈન્ય સજ્જ થઈને સામસામે ઉભું છે,
પણ આજે તે સામસામે યુદ્ધ કરવાને બદલે રામ-રાવણના યુદ્ધને જોવામાં સ્થિર થઇને ઉભા છે.એવું આ યુદ્ધ છે.આજનું યુદ્ધ જગતમાં કદી કોઈ દેવો,ગાંધર્વો,ઋષિઓએ –કે કોઈએ પણ તે પહેલાં કદી જોયું નહોતું.વાલ્મિકીજી આ યુદ્ધની કોઈ ઉપમા આપી શકતા નથી (કે યુદ્ધ કયા યુદ્ધ જેવું છે?કેવું છે?) 

બીજા કશાને ઉપમા આપી શકાય,જેમ કે-સમુદ્ર એ આકાશ જેવો છે કે આકાશ સમુદ્ર જેવો છે.
પણ રામ-રાવણના યુદ્ધ માટે તેમને કોઈ ઉપમા ના જડી એટલે,
વાલ્મિકીજી કહે છે કે-રામ-રાવણનું યુદ્ધ તો રામ-રાવણના યુદ્ધ જેવું જ છે.
તુલસીદાસજી કહે છે કે-રામ-રાવણના યુદ્ધનું વર્ણન,સેંકડો શેષનાગ,સરસ્વતી,વેદો અને કવિઓ-
અનેક કલ્પ સુધી,ગાય તો પણ,તેનો પાર ના આવે,તો,હું તો તે બધાની આગળ,એક માખી જેવો છું,
માખી ઉડી-ઉડીને આકાશમાં કેટલી ઊંચે ઉડે? (જિમિ નિજબલ અનુરૂપ તે,માછી ઉડઈ આકાશ)

મસ્તકો અને ભુજાઓ અનેકવાર કપાયા છતાં,રાવણ મરતો નહોતો,અને કાળો કેર મચાવતો હતો,
ત્યારે શ્રીરામે “રાવણ કેમ કરીને મરે?” તે વિશે -વિભીષણની સલાહ પૂછી.
શિવજી કહે છે કે-શ્રીરામ તો કાળના યે કાળ છે,એમને તો બધી ખબર છે,
પણ શરણાગતને જશ આપવા માટે એ વિભીષણને પૂછે છે-રાવણનું મૃત્યુ ક્યાં છે?
વિભીષણ કહે છે કે-હે,પ્રભુ,રાવણના નાભિ-કુંડમાં અમૃતનો વાસ છે!!,એના જોર પર રાવણ જીવે છે.
એ અમૃત કુંડને શોષી લો તો પછી એણે નવાં મસ્તકો ફૂટશે નહિ.(Ref-નાભિ-કંદ-નાડી –LINK

ત્યારે શ્રીરામે,કાન સુધીને ધનુષ્ય ખેંચીને એકત્રીસ બાણ છોડ્યાં.કાલસર્પ જેવાં એ બાણ છુટ્યાં, કે એમાંના પહેલા બાણે,રાવણના નાભિમાંના અમૃત-કુંડને શોષી લીધો,ને બીજાં ત્રીસ બાણે તેનાં દસ મસ્તકો ને વીસ ભુજાઓને છેદી નાખ્યાં.અમૃત-કુંડ શોષાઈ જતાં,અતિ વિહવળ અને દુઃખી થયેલ રાવણના હૃદય પર તરત જ એક બીજું બાણ છોડી તેને વીંધી નાખ્યું.(અતિ દુઃખમાં રાવણનું હૃદય સીતાજીને ભૂલી ગયેલ હતું.(સંદર્ભ=ત્રિજટા)

રાવણના મસ્તક અને ભુજાઓને મંદોદરી સુધી પહોંચાડી,શ્રીરામનાં બાણ ભાથામાં પાછા આવી ગયાં.
પણ હજુ,લડાઈના મેદાનમાં રાવણનું માથા વગરનું ધડ વેગથી દોડીને વાનરોનો કચ્ચરઘાણ કરતુ હતું,
ત્યારે છેવટે રામે છેલ્લું બાણ મારીને તેને પોઢાડી દીધું.રાવણ પડ્યો,એના શરીરમાંથી તેજ નીકળી 
શ્રીરામના શરીરમાં સમાઈ ગયું.વેરભાવે પણ રાવણ,પ્રભુપદને પામ્યો.
દેવોએ અને મુનિઓએ પુષ્પ-વૃષ્ટિ કરીને શ્રીરામની પ્રાર્થના ને સ્તુતિ કરી.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE