More Labels

Jul 22, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૨૦૨

પોતે ખાલી બોલે છે ને કશું કરતો નથી,એવી-રામની વાત સાંભળી રાવણે તરત જ બાણો નો મારો ચલાવ્યો.રાવણને જોઈ ને શ્રીરામના ભાથામાં તેમના બાણો,જાણે ક્યારનાં યે ઊંચાં-નીચાં થઇ રહ્યાં હતાં,
પણ ધૈર્ય-શીલ શ્રીરામ,પોતે ધીરજ ધરીને જાણે, તેમને પણ ધીરજ રાખવાનું કહેતા હતા,પરંતુ,હવે જ્યાં રાવણ નાં બાણ છૂટ્યા,એટલે શ્રીરામે પણ પોતાનાં બાણો સામે છોડીને તે રાવણના બાણો નો કચ્ચરઘાણ કરી દીધો.


જાણે પાંખો-વાળા સર્પો હોય તેવા શ્રીરામના બાણ ચાલ્યા ને  રાવણ ના દશેદશ મસ્તક ને વીંધીને
પેલી પાર નીકળી ગયાં.તેમ છતાં રાવણનાં મસ્તક જમીન પર પડ્યા નહિ,પણ હતા તેમને તેમ જ રહ્યાં.
શ્રીરામે ફરીથી બાણો છોડ્યાં, અને આ વખતે,રાવણ નાં દશે માથાં અને વીસ હાથ કપાઈને જમીન પર પડ્યાં.વાનરો આ જોઈ ને તાળીઓ પાડવા લાગ્યા.પણ તેમની તાળીઓ અધ્ધર જ રહી!!આશ્ચર્ય વચ્ચે બધા,જુએ છે તો,રાવણને નવાં દશ મસ્તક અને નવા વીસ હાથ ઉગી નીકળ્યા.
શ્રીરામે ફરીથી તે માથાં અને હાથ કાપ્યા તો તે ફરીથી ઉગ્યા.

વિષય-લાલસા નિત નિત વધે અને લોભ થી જેમ લોભ વધે,તેમ,રાવણનાં માથાં વધતાં જ જતાં હતાં.
એનાં કપાયેલાં માથાં પણ રાહુની પેઠે આકાશમાં દોડતા હતાં,અને “રામ ક્યાં છે ?લક્ષ્મણ ક્યાં છે?”
એવી બૂમો પાડીને વાનરોમાં ત્રાસ ફેલાવતાં હતાં.

એવામાં રાવણે વિભીષણને જોયો,એને જોઈ તેણે પ્રચંડ શક્તિ છોડી,શ્રીરામે જોયું કે વિભીષણ એની સામે ટકી નહિ શકે,એટલે એ શરણાગત (શરણે આવેલા) નું રક્ષણ કરવા,વચ્ચે કુદી પડ્યા ને શક્તિને પોતાની છાતી પર ઝીલી લીધી, કે જેનાથી રામ ક્ષણભર મૂર્છિત થયા.એટલે વિભીષણ રાવણ ની સામે ધસી ગયો,
અને એની છાતીમાં અત્યંત શક્તિથી પ્રહાર કર્યો,રાવણ જમીન પર પડી ગયો ને તેના મુખમાંથી લોહી
વહેવા લાગ્યું,પણ પાછો તરત જ તે ખડો થઇ ગયો,ત્યારે હનુમાનજી દોડી આવ્યા અને શ્રીરામનું સ્મરણ કરીને રાવણ પર પ્રહાર પર પ્રહાર કરવા લાગ્યા.

માર ખાતા રાવણે હવે પોતાની રાક્ષસી માયા કરી અને જેટલા વાનરો અને રીંછો હતા તેટલા રાવણ તેણે પ્રગટ કર્યા ને એક એક રાવણ એક-એક વાનર કે રીંછ સાથે લડવા માંડ્યો.
વાનરો ભયભીત થઈને -“બચાવો-બચાવો” ની બૂમો પાડવા લાગ્યા.
ત્યારે શ્રીરામે એક બાણ છોડીને રાવણ ની માયા ભેદી નાખી.હવે માત્ર એક જ રાવણ રહ્યો,
એટલે વાનરો ને પાછા હોશ આવ્યા.

હવે અંગદ,નલ,નીલ,સુગ્રીવ-વગેરેએ એક સાથે રાવણ પર હુમલો કર્યો.જાંબવાને રાવણ ની છાતીમાં
પોતાનાથી બને તેટલા જોરથી લાત મારી,જેનાથી રાવણ રથ પરથી ઉથલી પડ્યો ને
મૂર્છા પામીને જમીન પર પડ્યો.
હવે રાત પડવા આવી હતી એટલે રાવણનો સારથી તેને રથમાં નાખી ને લંકામાં લઇ ગયો.

આ તરફ સીતાજી ને ખબર પડી કે-માથાં કપાવા છતાં રાવણ મારતો નથી,ત્યારે તે વ્યાકુળ બની ગયાં,અને ત્રિજટાને કહે છે કે-આ મારું દુર્ભાગ્ય જ તેને જીવાડે છે,મારા દુર્ભાગ્યે જ મને મૃગ જોઈને લલચાવી,મારા દુર્ભાગ્યે જ મેં લક્ષ્મણજી ને કડવા વેણ કહ્યાં અને મારું દુર્ભાગ્ય જ હજી મારા પ્રાણને ટકાવી રહ્યું છે.કોણ જાણે મારું દુર્ભાગ્ય હજી મને શું શું દેખાડશે?

સીતાજી નો આવો વલોપાત સાંભળી ને ત્રિજટા કહે છે કે-રાવણ ને હૃદયમાં બાણ વાગશે તો જ તે મરશે,
પણ રામજી એના હૃદયમાં બાણ એટલે માટે નથી મારતા કે –તેના હૃદયમાં હજુ તમે છો,અને તમારા હૃદયમાં રામજી વસે છે.તો રામજી ના હૃદયમાં આખું બ્રહ્માંડ વસે છે.તેથી રાવણના હૃદયમાં જો રામજી બાણ મારે તો –આખા બ્રહ્માંડનો નાશ થઇ જાય.
પણ વારંવાર મસ્તક કપાતાં-એ વ્યાકુળ થશે અને તેના હૃદયમાંથી તમારું ધ્યાન હટી જશે ત્યારે રામજી તેને મારશે. આમ અનેક રીતે સમજાવી ત્રિજટા ,સીતાજી ને આશ્વાસન આપી રહી.

બીજી બાજુ અડધી રાતે રાવણ જાગ્યો ને સારથી ને ગાળો દેવા લાગ્યો કે-તુ મને રણ-મેદાનમાંથી કેમ પાછો લાવ્યો? સારથીએ કરગરીને સમજાવ્યો ત્યારે રાવણ ઢીલો પડ્યો પણ બીજી સવારે તે રથમાં ચડી ને યુદ્ધભૂમિ પર હાજર થઇ ગયો.PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE