Feb 2, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૯

રાવણ કહે છે કે-વાનરોની મદદથી પુલ બાંધ્યો એ જ તારા રામની તાકાત ને?સમુદ્ર તો ચકલાં યે ઓળંગે છે.એમાં એણે શું ધાડ મારી? બીજાની મદદ લેવી પડે,અને સમુદ્રને પાર કરવા પુલની જરૂર પડે તે મનુષ્ય નહિ તો બીજું શું છે? જયારે મારા ભુજબળમાં તો દેવો યે ડૂબી ગયા છે તો તારો રામ શી વિસાતમાં છે? એ લડાઈમાં બીએ છે,એટલે તો તને દૂત બનાવી મોકલે છે.શત્રુને કરગરવા દૂત મોકલતાં એણે લાજ પણ નથી.

અંગદ કહે છે-કે-તું એવો મોટો શૂરવીર તારી જાતને સમજતો હોય,છાનોમાનો ચોરની પેઠે,સીતાજીને 
શું કામ હરી લાવ્યો? તે વખતે રામ સામે લડવામાં તારી શૂરવીરતા ક્યાં ગઈ હતી?
હે,દુષ્ટ,શ્રીરામને તો વળી કોની બીક?અરે, મને પણ તારી કોઈ બીક નથી,મને શ્રીરામનો હુકમ નથી,
નહીં તો,હમણાંજ તને જમીન પર પટકીને આખી લંકાને ઉજ્જડ કરીને સીતાજી ને લઇ જાઉં!! 
પણ તું તો મરેલો જ છે,મરેલાને મારવામાં મોટાઈ નથી.કહેવાય છે કે-કામી,ક્રોધી,કંજૂસ,વેદ-વિરોધી,
સંત-વિરોધી,નિંદાખોર,દુબળો,માંદલો,ને ઘરડો-આ બધા જીવતે મૂઆ જેવાજ છે.અને તું એમાંનો એક છે.

રાવણ કહે છે-કે “નાના મોઢે મોટી વાત ના કર.તારામાં કે તારા રામમાં શું બળ્યું છે તે હું જાણું છું,
તમને કોઈને પણ હું કોઈ વિસાતમાં ગણતો નથી.તારો રામ તો માનવ-દેહ ધારી મગતરું છે.” 
અંગદથી હવે શ્રીરામની નિંદા સહન ના થઇ અને તેણે ગુસ્સામાં આવી જોરથી પોતાના બે હાથ પૃથ્વી પર પછાડ્યા.ધરતી ધ્રુજી ઉઠી,રાક્ષસો આસનો પરથી ગબડી પડ્યા,ખુદ રાવણ પણ આસન પરથી પડતાં પડતાં,
માંડમાંડ બચ્યો,પણ એના માથા પરથી દશે મુગટ જમીન પર પડી ગયા.

રાવણે ગુસ્સે થઇને હુકમ કર્યો –કે પકડો આ બંદરને. અને મારા સર્વ યોદ્ધાઓ,તમે, દોડો,
અને વાનર કે રીંછ જે પણ મળે તેને મારો,તથા રામ-લક્ષ્મણને જીવતા પકડીને મારી સામે લાવો.
પણ કોઈ રાક્ષસ હાલતો નથી,બધા ફાળ ખાઈ ગયા હતા,(ડરી ગયા હતા) 

અંગદ કહે છે કે-અરે,દુષ્ટ રાવણ,તારે શું હજી મારું બળ જોવું છે ?
આમ કહી અંગદે થાંભલાની પેઠે પોતાનો પગ જમીન પર રોપ્યો.ને હાકલ કરી કે-
“વાનરને પકડવાની કે મારવાની વાત પછી કરજે,પણ પહેલાં મારો પગ અહીંથી હટાવ,
જો તું હટાવી શકે તો તું જીત્યો ને રામ હાર્યા !!!” 
પછી મનમાં શ્રીરામને પ્રાર્થના કરી કે-પ્રભુ તું બોલાવે તેમ હું બોલું છું,મારી લાજ તમારે હાથ છે.

ભક્તનો ભગવાન પર કેટલો અધિકાર છે !! કે-ભક્ત ભગવાનને પણ હોડમાં મૂકી શકે છે.
અને ત્યારે ભક્તની લાજ એ ભગવાનની લાજ બની જાય છે,ને ભગવાને ભક્તની લાજ સાચવવી પડે છે.
અહીં,ભક્ત અંગદે ભગવાન શ્રીરામની હાર-જીત હોડમાં મૂકી દીધી છે.

રાવણે પોતાના યોદ્ધાઓને હુકમ કર્યો કે-આ ઠીક લાગ છે,હટાવો ને ખેસવી નાખો આ વાંદરાના પગને,
પછી છો ને એ લંગડો થતો!!
પણ અંગદનો પગ હટાવવા રાક્ષસોએ એવું જોર કર્યું કે તે જોરમાં પોતે જ ઉછાળીને હેઠે પડ્યા ને 
લૂલા-લંગડા થયા.સભામાં સૂનકાર થઇ રહ્યો.ત્યારે ઇન્દ્રજીત ઉઠયો પણ અંગદનો પગ એક તસુભાર પણ 
ખસેડી શક્યો નહિ.બધા થાકીને નીચું મોં કરીને બેઠા. ત્યારે છેવટે રાવણ ઉભો થયો.

અને અંગદનો પગ હટાવવા જેવો નીચો નમ્યો,કે તરત અંગદ ખડખડાટ હસીને બોલ્યો,કે-
અરે,દશાનન,મને શું કામ પગે પડે છે,રામજીને પગે પડ,તો તારો ઉદ્ધાર થઇ જશે.
રાવણ શરમાઈને ત્યાંથી જ પાછો ફર્યો,તેને ખાતરી થઇ ગઈ કે-આ રામનો સેવક જેવો બળવાન છે,
તેવો બુદ્ધિમાન પણ છે.તેના મોં પરથી નુર ઉડી ગયું ને નીચું મોં કરી સિંહાસન પર બેસી રહ્યો.

PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE