Feb 1, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૮

અંગદે સીધા જ રાવણને કહ્યું કે-હે,રાવણ,હું રઘુવીરનો દૂત છું,મારા પિતાને ને તમારે મિત્રતા હતી તે સંબંધે હું તને સલાહ આપવા આવ્યો છું કે-દાંતમાં તરણું લઇ તું શ્રીરામને શરણે આવ,અને સીતાજીને પાછા સોંપી દે,તેમાં જ તારું કલ્યાણ છે.
રાવણે કહ્યું કે-અરે,મૂઢ,કયા સંબંધે તું મને તારા બાપનો મિત્ર કહે છે?કોણ છે તું?
અંગદે કહ્યું કે-મારું નામ અંગદ,હું કિષ્કિંધા-પતિ વાલીનો પુત્ર છું.

વાલીનું નામ સાંભળતા જ રાવણના મોં પરથી નુર ઉડી ગયું,તેમ છતાં હિંમત ધરી બોલ્યો.કે-ઓહ,તું વાલીનો પુત્ર! તું, બાપે કાઢી મુકેલા,પેલા વનવાસી ભિખારી રામનો દૂત બનીને આવ્યો છે?!પછી મશ્કરીમાં કહે છે કે-કુલાંગાર,તારો બાપ તો કુશળ છે ને? (રાવણ જાણે છે કે-રામે વાલીને માર્યો હતો.એટલે રામની સામે ઉશ્કેરવા અને તેને પોતાના પક્ષે લેવા આમ કહે છે.)

પણ અંગદ પણ ક્યાં કાચો હતો?એણે સામો એવો જ ઘા કર્યો.
“મારા બાપના કુશળ તું મને શું કામ પૂછે છે?દશ દિવસ પછી તું એમની પાસે જ જવાનો છે,ત્યારે તેમને જ પૂછી લેજે ને ! તું મને કુલાંગાર કહે છે પણ તું પોતે કેવો કુલદીપક છે તે હું જાણું છું.
રાવણે કહ્યું કે-હું નીતિ અને ધર્મ જાણું છું,તેથી તને બોલવા દઉં છું,નહિ તો હમણાં તારી જીભ ખેંચી નાખું.
અંગદ કહે છે કે-તારી અધર્મ-શીલતા તો જગ જાહેર છે,તેં પારકી સ્ત્રીને ચોરી આણી છે.

રાવણ હવે ગુસ્સે થઈને બોલ્યો-અરે,તુચ્છ,તું મારું પરાક્રમ જાણતો નથી,મારી આ ભુજાઓએ શંકર-સહિત કૈલાસને ઉઠાવ્યો હતો.મારી સામે લડે તેવો,તારા સૈન્યમાંથી એક તો મને દેખાડ.
રામ તો બૈરીના વિરહમાં બળી લાકડું થઇ ગયો છે,લક્ષ્મણ સાવ રાંક છે,જાંબવાન ડોસલો છે,વિભીષણ બીકણ છે,સુગ્રીવમાં કંઈ દમ નથી,હા,એક વાંદરો જોરાવર ખરો,જે લંકા બાળી ગયો હતો.

અંગદ કહે છે કે-તું હનુમાનજીને જો જોરાવર કહેતો હોય તો,તે તો સુગ્રીવનો,નાનો હલકારો છે.
અંગદ હવે કટાક્ષ થી કહે છે કે-તું સાચું કહે છે કે-તારી સાથે લડવામાં શોભે તેવો કોઈ યોદ્ધો અમારી પાસે નથી! લડાઈ તો સરખે સરખાની શોભે ને? તને નિર્બળને મારવામાં રામની મોટાઈ નથી.
અંગદના કટાક્ષ-વચનોથી રાવણના ગુસ્સાને આગ ચંપાઈ,છતાં તેને હસીને સામો કટાક્ષ કરતાં કહ્યું કે-
વાનરોનો એક મોટો ગુણ છે કે જે એને પાળે છે,તેને એ નાચીને નાચ બતાવી ખુશ કરે છે,
તારી તો ભારે સ્વામીભક્તિ!! હું તારા એ ગુણની કદર કરું છું.

અંગદે કહ્યું-હે,દશાનન,ખરેખર તું તો ભારે કદરદાન! -અને પછી વ્યંગમાં આગળ બોલીને કહે છે કે-
હનુમાન લંકા બાળી ગયો તો યે તું કંઈ બોલ્યો નહિ.તારામાં નથી રોષ કે નથી ચીડ!! ધન્ય છે તને.
પણ હું જાણવા માગું છું કે-જગતમાં મે ઘણા જુદીજુદી જાતના ઘણા રાવણ વિષે સાંભળ્યું છે-
તેમાં તું કયો રાવણ છે? એક રાવણને બલિરાજાએ ઘોડારમાં બાંધ્યો હતો,બીજા રાવણને સહસ્ત્રાર્જુને દોડીને જીવડાની જેમ પકડ્યો હતો.તો ત્રીજા રાવણને બગલમાં ઘાલીને મારા પિતા વળી સંધ્યા કરતા હતા.
આ સર્વમાં તું કયો રાવણ છે?

રાવણ કહે છે કે-હું કયો રાવણ છું તે શંકરને જઈને પુછ.મેં કમળ-ફુલની પેઠે મારા દશે મસ્તક ચડાવી તેમની પૂજા કરી હતી.અરે,જેના ચાલવાથી પૃથ્વી નાવડાની જેમ ડોલે છે,તે હું રાવણ છું.
આવા મને તું તુચ્છ કહે છે અને તુચ્છ મનુષ્ય (રામ) ની બડાઈ કરે છે,શું આટલી જ છે તારી અક્કલ?
હવે અંગદનો પ્રકોપ હાથ ના રહ્યો-તેણે કહ્યું-અરે,મૂર્ખ,પૃથ્વીને એકવીશ વાર નક્ષત્રિય કરનાર,
પરશુરામનો ગર્વ ઉતારનાર શ્રીરામને તું મનુષ્ય કહે છે?
હે,મૂઢ તું ભાન ભૂલ્યો છે,યુદ્ધ થશે તો વાનરો અને રીંછો તારા માથાનાં દડા બનાવીને ખેલશે.


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE