More Labels

Jul 7, 2014

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૮૭

વિભીષણ ની વાત સાંભળીને રામે ધીરેથી એક બાણ છોડ્યું,કે જે રાવણના દશે મુગટ પાડી,અને માથાના છત્રને કાપીને –જમીનદોસ્ત કરીને -એમની પાસે પાછું આવી ગયું.
રાવણના રંગમાં ભંગ પડ્યો,નથી વાવાઝોડું,નથી ભૂકંપ,તો આ દશ મુગટ ને છત્ર શાથી પડી ગયાં?
બધા કહે કે “અપશુકન-અપશુકન”
રાવણ પણ મનમાં તો અપશુકન સમજીને ડર્યો,પણ તરત જ બહારથી હિંમત દેખાડી એણે કહ્યું કે-
“મારા જયારે મસ્તક પડ્યા હતા ત્યારે તે મારા માટે શુભ સાબિત થયું હતું (શિવજીએ સંપત્તિ આપી હતી)
તો પછી,મુગુટ નું પડવું તેને અપશુકન કેમ કહેવાય?માટે કોઈએ મનમાં વહેમ લાવવો નહિ,
જાઓ સર્વ ઘેર જાઓ ને આરામ કરો” આમ કહી તેણે જલસો બંધ કરી દીધો.

રાવણ ઘેર આવ્યો ત્યારે મંદોદરી તેણે ફરીફરી સમજાવે છે કે-શ્રીરામ એ માનવી નથી,વિશ્વરૂપ વિશ્વાત્મા છે.અને મનુષ્ય-રૂપે પધાર્યા છે.માટે વેરભાવ છોડી તેમને શરણે જાઓ.
આ સાંભળી રાવણ જોરથી હસ્યો તેણે વાત ફેરવી નાખી અને કહ્યું કે-તારી ચતુરાઈ હું સમજી ગયો છું,તુ
આ બહાને મારી પ્રભુતા જ ગાઈ રહી છે.કારણકે ચરાચર વિશ્વ તો,મને જ વશ છે.હું જ વિશ્વેશ્વર વિશ્વાત્મા છું, આખું બ્રહ્માંડ મારા કહ્યામાં છે,પતિનું નામ ના લેવાય એટલે તેં મને રામ કહ્યો,તો એનો કોઈ વાંધો નહિ,પણ તારી આ સમજ માટે હું તને ધન્યવાદ આપું છું.
ત્યારે મંદોદરી મનમાં નિશ્વાસ નાખી બોલી કે-હાય,દુર્દૈવ(ખરાબ નસીબ) ,વિનાશકાળે વિપરીત બુદ્ધિ.

બીજા દિવસની સવારે પોતાના સર્વ મંત્રીઓને બોલાવી રામે પૂછ્યું કે-હવે આગળ શું કરવું?
જાંબવાન બધામાં વૃદ્ધ અને ઠરેલ પ્રકૃતિનો હતો,વાનરોમાં એનું ઘણું માન હતું.બધાએ તેની સામે જોયું.
જાંબવાને વિનયપૂર્વક કહ્યું કે-પ્રભુ,યુદ્ધે ચડતાં પહેલાં યુદ્ધ કરવું જ ના પડે,તેવો એક પ્રયત્ન તો કરવો જોઈએ,વિષ્ટિ માટે દૂત મોકલવો જોઈએ.

ત્યારે રામે કહ્યું કે-કોને મોકલીશું? જાંબવાન કહે છે કે-અંગદ એ માટે બધી રીતે યોગ્ય છે,એ રાજકુમાર છે,
વળી ગુણવાન,બળવાન અને બુદ્ધિમાન પણ છે.
શ્રીરામે પણ દૂત તરીકે મોકલવા માટે-અંગદ પર વિશ્વાસ પ્રગટ કર્યો,ને કહ્યું કે-વિષ્ટિ માટે અંગદ લાયક છે.
રામજીના આમ કહેવાથી અંગદ ખુશ ખુશ થઇ ગયો,ઘણા વખતથી તેણે મનમાં એવી હોંશ હતી કે-
શ્રીરામ મને કંઈક મોટું કામ સોંપે.હનુમાનજી ની પેઠે હું પણ કંઈ કરી દેખાડું.

શ્રીરામે અંગદ ને કહ્યું કે-અંગદ,તમે લંકામાં જાઓ,રાવણ ને મળો,એની સાથે એવી વાત કરજો કે,
જેથી આપનું કામ થાય અને શત્રુનું ભલું પણ થાય.

શ્રીરામ શત્રુના પણ હિતેષી છે.તેઓ રાવણનું પણ અહિત ઇચ્છતા નથી.તેઓ પોતાને રાવણ ના શત્રુ માનતા નથી,તેમની શત્રુતા “રાવણત્વ” સાથે છે. રાવણ કે જે દુષ્ટ વિચારધારા રાખે છે,તે વિચારધારા સામે છે.એટલે શત્રુનું પણ કલ્યાણ કરવાની કામના તેમના મનમાં છે.

જે,વાલી ને રામે હણ્યો હતો,અને તે જ વાલીના પુત્ર અંગદને પોતાનો વિષ્ટિદૂત બનાવીને મોકલે છે!!
કારણકે રામની નીતિ અવિશ્વાસની નહિ પણ વિશ્વાસની છે.
અંગદ માનભેર અને આનંદની સાથે રાવણને મળવા ચાલ્યો,તેના મનમાં જરાયે ક્ષોભ નથી,ભય નથી.
જેના મન ને રામનો આશ્રય છે તેણે વળી ભય કેવો?

પણ અંગદ ને જોતાં ભય થયો,રાક્ષસો ના મનમાં.બધા રાક્ષસો કહે છે કે-પેલો લંકા બાળીને ગયો હતો તે પાછો આવ્યો,હાય,હવે શું થશે? ભયભીત બની બધા અંગદને જોઈને નાસવા લાગ્યા કે સંતાવા લાગ્યા.
કોઈ એક ને અંગદે પકડ્યો તો તેણે વગર પૂછ્યે જ રાવણના દરબાર નો રસ્તો બતાવી દીધો.

અંગદ,રાવણના દરબારમાં આવ્યો,તેણે જોતાં જ સભાસદો ઉઠી ને ઉભા થયા.માન આપવું નહોતું,
છતાંયે બીક ના માર્યા બધા ઉભા થઇ ગયા.બધા એને હનુમાનજી સમજતા હતા.અને મનમાં
વિચારતાં હતા કે એકવાર આ લંકા બાળી ગયો,શી ખબર આ વખતે શું કરશે?PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE