Sep 12, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨૭

(૨) રામને ઉપદેશ આપવાનો વશિષ્ઠજી ને આદેશ.

વિશ્વામિત્ર બોલ્યા-હે,રામ,જેમ એ શુકદેવજી ને,માત્ર પોતાના “અવિશ્વાસ-રૂપી-મળ”ને દૂર કરવાની જ
જેટલી જરૂર હતી,તેમ તમારે પણ માત્ર તેટલી જ જરૂર છે.
હે,(સભામાં બેઠેલા) મુનિશ્વરો,જે જાણવાનું છે તેને શ્રીરામ,પરિપૂર્ણ રીતે જાણી ચૂક્યા છે,કારણકે,
આ ઉત્તમ બુદ્ધિ વાળા રામને રોગો ની પેઠે ભોગો ને ભોગવવા ગમતા નથી.
અને કોઈ પણ ભોગ ગમે નહિ,એ જ “જ્ઞેય” (જે જાણવાનું છે તે) વસ્તુ જણાયાનું ચિહ્ન છે.

જગતમાં “અજ્ઞાન” થી થયેલું બંધન ભોગો ની ભાવનાથી દૃઢ થાય છે અને
ભોગો ની ભાવના શાંત થવાથી તે (બંધન) શિથિલ (નબળું) થઇ જાય છે.

હે,રામ,વાસનાઓના નિર્બળપણાને પંડિતો મોક્ષ કહે છે.અને વાસનાઓ ના દૃઢપણા ને બંધન.મનુષ્યને પોતાના સ્વ-રૂપ નું ઉપર-છલ્લું જ્ઞાન- તો થોડા પરિશ્રમ થી જ થાય છે,પણ,વૈરાગ્ય તો ઘણા પરિશ્રમ થી જ થાય છે.
અને જેણે પોતાના સ્વ-રૂપ ને યથાર્થ-રીતે જાણ્યું છે,તે જ પંડિત કહેવાય છે.
અને તે જ જાણવા-યોગ્ય વસ્તુ ને જાણી ચુકેલો કહેવાય છે.

વિષય-ભોગો એ મહાત્મા-પુરુષોને બળાત્કારે પણ તેમનામાં (વિષય-ભોગોમાં) રુચિ કરાવી શકતા નથી.આ જગતમાં યશ કે માન મળે-એવી અને એવી બીજી કોઈ પણ ઈચ્છા ના કારણ વગર જ જેને,ભોગો પર અરુચિ થાય છે,તે જ “જીવન-મુક્ત” કહેવાય છે.

પરમ તત્વ ને જાણવાની જેટલી પ્રબળતા ઓછી હોય,તેટલો જ વૈરાગ્ય ઓછો પ્રબળ કહેવાય,
એટલે,જેને પરમતત્વ જાણવું જ ના હોય તો,જેવી રીતે રણમાં વેલો ઉગતો નથી,તેમ,
તે મનુષ્યના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થતો જ નથી.
શ્રીરામને રમણીય વિષયો માં (ભોગોમાં) આસક્તિ થતી નથી –એટલે
એમને પરમતત્વ-ને જાણી ચુકેલા સમજવા જોઈએ.

હે,મુનિશ્વરો,શ્રીરામ,પોતે જે વસ્તુ પોતાના મનમાં જાણે છે,તે સદ-વસ્તુ (પરમ-તત્વ) જ છે,
એમ જો એ મહાત્મા ના મુખ થી સાંભળશે તો તેમના ચિત્ત ને અવશ્ય શાંતિ મળશે જ.
શ્રીરામની “બુદ્ધિ” દ્વૈત નો નાશ કરીને કેવળ અદ્વૈત –ચૈતન્ય-રૂપે જ રહેવાની અપેક્ષા કરે છે.

શ્રીરામ ની અશાંતિ નું મૂળ કારણ આમ આવું છે,માટે તેમના ચિત્ત ને વિશ્રાંતિ આપવા સારું,
હે મુનિ,વશિષ્ઠ,આપ રઘુવંશીઓ ના કુલગુરુ છો,સર્વજ્ઞ છો,તો,તેમને આ વિષયમાં યુક્તિઓ વાળા
જ્ઞાન નો ઉપદેશ કરો,શ્રીરામ નિર્દોષ છે,એટલે તેમણે સમજાવવામાં ઘણો પરિશ્રમ પડશે નહિ.

ત્યારે વશિષ્ઠ બોલ્યા-આપ,મને જે કામની આજ્ઞા કરો છો તે હું નિર્વિઘ્ને પૂર્ણ કરીશ.અને
શ્રીરામના “મન ના અજ્ઞાન”ને પૂર્વે બ્રહ્માએ મને, સંસાર-રૂપી ભ્રાંતિ ટાળવા માટે,
જે જ્ઞાન કહ્યું હતું તે જ્ઞાનથી દૂર કરીશ. તે અખંડ-જ્ઞાન નું મને સંપૂર્ણ સ્મરણ છે.

વાલ્મીકિ કહે છે કે-એ પ્રમાણે મહાત્મા વશિષ્ઠે –મન નું અજ્ઞાન ટાળવા સારું અને મુખ્યત્વે
પરમ-પદ ને જણાવનારું શાસ્ત્ર નીચે પ્રમાણે કહ્યું.



     INDEX PAGE
      NEXT PAGE