Oct 11, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૫૫

હે રામ,જીવન માં શાંતિ જ પરમ કલ્યાણરૂપ છે.માટે તેને સિદ્ધ કરવામાં યત્ન રાખો.
માત્ર,દૃષ્ટાંતો (અને સિદ્ધાંતો) વિષે વિચારવાનું કોઈ પ્રયોજન નથી,
સઘળી રીતે મળતાં ના આવે,પણ કોઈ એક રીત (અંશ) થી પણ મળતાં આવીને,ધારેલું કામ પાર પડે,
એવાં દૃષ્ટાંતો થી (ઉપમાનોથી અને ઉપમેયથી) માત્ર “બોધ” ની સગવડતા માટે કરવામાં આવે છે.

જ્યાં સુધી,ચિત્તમાં “પુનરાવૃત્તિ થી રહિત” એવી “સાતમી-ભૂમિકા” નામની શાંતિ-રૂપ વિશ્રાંતિ સારી રીતે મળે,ત્યાં સુધી,સમજુ પુરુષે પોતાને મળતા સમયમાં સત્સંગ,સમાગમ,શાસ્ત્ર શ્રવણ-વગેરે સાધનોથી,
બુદ્ધિ થી વિચાર કર્યા કરવો,અને આમ, વિશ્રાંતિ પામેલા અને સંસાર-રૂપી સમુદ્રમાંથી પાર ઉતરેલા,ગૃહસ્થ કે સન્યાસી ને આ લોકમાં કે પરલોકમાં કરેલાં કર્મો નું ફળ થતું નથી,તેવી જ રીતે ,કર્મો નહિ કરવાથી દોષ પણ લાગતો નથી.તે વિક્ષેપ-રહિત રહે છે, અને તેને પછી,શ્રુતિઓ કે સ્મૃતિઓનો પરિચય રાખવાનું કશું કામ નથી.

આ રીતે,જ્ઞાનના વિષયને યથાર્થ રીતે મનમાં ઉતારવા સારું,દૃષ્ટાંતો નું,(ઉપમાનો અને ઉપમેય નું)
એક અંશ થી સાદૃશ્ય (સરખા-પણું) લેવું,પણ સઘળાં અંશો મેળવવાનું દોઢ-ડહાપણ ડહોળવું નહિ.
દોઢ-ડહાપણ માં વ્યાકુળ થયેલા એવા,દોઢ-ડાહ્યાને,યોગ્ય કે અયોગ્ય નું ભાન રહેતું નથી,
માટે હે,રામ, તમારે દોઢ-ડહાપણ કરવું નહિ,અને જે સમજવાનું છે તે-
ગમે તે યુક્તિથી સમજી લેવાનો આગ્રહ જ રાખવો.

હૃદયમાં “વ્યાપક-ચૈતન્ય” (બ્રહ્મ) નો અનુભવ આવવા છતાં,જે પુરુષ તેમાં કુતર્કો કર્યા કરે છે તેને
દોઢ-ડાહ્યો કહેવાય છે.અને આવો મૂર્ખ મનુષ્ય અભિમાનમાં ઉડીને કલ્પનાના અંશોથી,જ્ઞાન માં ખોટા વાંધા નાખ્યા કરે છે,અને તે મનુષ્ય પોતાના મનના નિર્મળ બોધને મલિન (ગંદો) કરી નાખે છે.

હે,રામ, હવે હું તમને એક મુખ્ય “પ્રમાણ-રૂપ-પ્રત્યક્ષ-તત્વ” કહું છું તે તમે સાંભળો.
જેમ સઘળાં જળો સમુદ્રમાં વિશ્રાંતિ પામે છે (સમુદ્ર માં મળી જાય છે)
તેમ,સઘળાં પ્રમાણો એ મુખ્ય પ્રમાણ (સત્ય-જ્ઞાન-આત્મા-પરમાત્મા-બ્રહ્મ) માં વિશ્રાંતિ પામે છે.
સઘળી ઇન્દ્રિયોને સત્તા તથા સ્ફુરણ આપનાર જે “મુખ્ય અખંડિત-સત્ય- જ્ઞાન” વિદ્વાનોમાં પ્રસિદ્ધ છે,
તે જ અનુભવ થી સિદ્ધ એવું “પ્રત્યક્ષ તત્વ” કહેવાય છે.
વ્યવહાર ની દશામાં એ જ આપણો “જીવ” (આત્મા) કહેવાય છે.
અને “હું”  એવી પ્રતીતિ ને લઇ ને તે “પ્રમાતા” (પ્રમાણ થી જાણનાર) કહેવાય છે.

વળી,તે જ “પ્રત્યક્ષ તત્વ” જયારે બહારનાં આવરણોનો લઈને “વિષય-રૂપે” પ્રગટ થાય છે-
ત્યારે તે ઘટાદિક (ઘડો-વગેરે) પદાર્થ કહેવાય છે.
જેમ,વાયુ થી જળ માં તરંગ ઉત્પન્ન થાય છે,તેમ અનેક પ્રકારના ભ્રમો ને ઉત્પન્ન કરનારા
“સંકલ્પ-વિકલ્પ” ને લીધે તે જ (પ્રત્યક્ષ-તત્વ) “જગત-રૂપે” (સંસાર-રૂપે) સ્ફૂરે છે.(ઉત્પન્ન થાય છે)

એ બ્રહ્મ-તત્વ (પ્રત્યક્ષ-તત્વ) એ-કોઈનું કે કશાનું-પણ “કારણ” નથી, છતાં સૃષ્ટિ ના આરંભમાં,
સૃષ્ટિ-રૂપે સ્ફૂરીને,સૃષ્ટિના કારણ-રૂપ થયેલ છે.એટલે કે પોતે જ પોતાના કારણ-રૂપ થયેલ છે.

એ “બ્રહ્મ” કોઈનું પણ “કારણ” નથી,છતાં પણ જીવનું કારણ છે,એમ માનવામાં આવે છે,પણ,
એ જીવ તો-અજ્ઞાનથી (અવિદ્યાથી) બનેલો છે,એટલે વાસ્તવિક રીતે,બ્રહ્મ એ જીવ નું કારણ નથી.
જેમ,બ્રહ્મ,એ અવિદ્યા (માયા) ને લીધે “જીવ-રૂપ” થયો છે,
તેમ,પ્રકૃતિથી (માયાથી) તે “જગત-રૂપે” (સંસાર-રૂપે) પ્રગટ થયેલો છે.

“જ્ઞાન-દશા”માં (જયારે જ્ઞાન થાય છે ત્યારે) તે “બ્રહ્મ” જ સાક્ષાત્કાર-રૂપ થાય છે.
ને પોતાથી ઉતપન્ન થયેલા પોતાના શરીર (જગત-સંસાર) નો નાશ કરીને,તુરત જ
પોતા (જીવ-આત્મા) ને પરમ-વ્યાપક-પ્રત્યક્ષ-રૂપ (પરમાત્મા-રૂપ) કરે છે.
આમ,જીવ જયારે (પરમાત્માના) સાક્ષાત્કાર થી (સંસાર નો નાશ કરી) “આત્માકાર” થાય છે,
ત્યારે કોઈ શબ્દ થી કહી શકાય નહિ તેવા “પરમ-સ્વ-રૂપ” થી રહે છે.