Dec 13, 2017

પતંજલિના યોગસૂત્રો-25-Yogsutra of Patanjali-Gujarati- સાધન-પાદ

(૨)  સાધન-પાદ (સમાધિ અને તેની સાધના)-૫૫ સૂત્રો

  • तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः (૧)
તપ,સ્વાધ્યાય (શાસ્ત્રાભ્યાસ) અને "સર્વ કર્મોનું ફળ ઈશ્વરને સમર્પણ"-એ "ક્રિયા-યોગ" કહેવાય છે. (૧)

જે સમાધિઓ વિશે આગળના "સમાધિ-પાદ" પ્રકરણમાં ચર્ચા કરવામાં આવી છે,તે પ્રાપ્ત કરવી
ઘણી મુશ્કેલ છે.(સહેલી નથી) -કે એક દિવસમાં થઇ શકતી નથી,માટે તે સમાધિની સાધનાનો અભ્યાસ
ધીમે ધીમે કરવો જોઈએ,અને તે માટેનું પહેલું પગથિયું તે "ક્રિયા-યોગ" છે.
"ક્રિયા-યોગ" નો અક્ષરશઃ અર્થ કરીએ તો-"યોગની સિદ્ધિ માટેની ક્રિયા" એવો થઇ શકે.

ઉપનિષદમાં-મનુષ્યના શરીરને રથની,ઇન્દ્રિયોને તે રથને જોડેલા ઘોડાઓની,મનને લગામ ની,
બુદ્ધિને સારથીની,ઉપમા આપવામાં આવી છે.
રથનો માલિક (રાજા) એટલે કે મનુષ્યના શરીરનો "આત્મા" આ રથમાં (પાછળ આરામથી) બેઠો છે.

ઘોડાઓ (ઇન્દ્રિયો) તોફાની હોય અને લગામ (મન) ને ગાંઠતા ના હોય,અને સારથી (બુદ્ધિ) જો તે
ઘોડાઓને કેમ કાબૂમાં રાખવા તે જાણતો ના હોય, તો રથનું આવી બન્યું જ સમજવું.
પરંતુ,જો મન-રૂપી લગામ,બુદ્ધિ-રૂપી સારથીના હાથમાં બરોબર પકડાયેલી હોય -તો-
રથ અવશ્ય લક્ષ્ય-સ્થાને પહોંચે છે.

અહીં આ સૂત્રમાં બતાવેલા પહેલા શબ્દ "તપ" દ્વારા જે કહેવા માગે છે તે એ છે કે-
શરીર (રથ) અને ઇન્દ્રિયો (ઘોડા) ને દોરવા છતાં લગામ (મન) ને (પોતાની બુદ્ધિથી) બરોબર
પકડી રાખવી,તેમને મનફાવે તેમ વર્તવા ના દેતાં,યોગ્ય રીતે કાબૂમાં રાખવા.

સૂત્રમાં આવેલા બીજા શબ્દ "સ્વાધ્યાય" દ્વારા કહેવા માગે છે કે-
નવલ-કથાઓ કે વાર્તાઓની ચોપડીઓનું નહિ પણ આત્માની મુક્તિનો ઉપાય બતાવનારાં
પુસ્તકો (શાસ્ત્રોનો) નો અભ્યાસ.(અને સત્સંગ) એ સ્વાધ્યાય.
તેમાંય પાછું,આ અભ્યાસ એ વિવાદાસ્પદ વિષયોનાં પુસ્તકોનો તો કદી ના હોવો જોઈએ,
કારણકે તે "વાદ-વિવાદ" જગાવે છે.

સાચા યોગીએ આ "વાદ-વિવાદ" ની ભૂમિકા વટાવી (ઓળંગી) લીધેલી મનાય છે.એ વાદ-વિવાદનો એને
પૂરતો અનુભવ લઇ લીધો હોય છે,તેને સંતોષ થઇ  ચૂક્યો હોય છે, અને એક "સિદ્ધાંત" નો નિશ્ચય મત બનાવી,અને તે નિશ્ચય મત ને વધુને વધુ -મજબૂત કરવા માટે અભ્યાસ કરતો હોય છે.

શાસ્ત્ર-જ્ઞાનના બે પ્રકાર છે."વાદ-અને સિદ્ધાંત" --
વાદ -એટલે તર્ક અને સિદ્ધાંત- એટલે નિશ્ચયાત્મક નિર્ણય.
જયારે મનુષ્ય અજ્ઞાની હોય છે-ત્યારે તે આમાંથી પહેલાનો એટલે કે-તર્કનો આશરો લે છે,અને,
અનુકૂળ તેમ જ પ્રતિકૂળ એવી દલીલો (વાદ-વિવાદ) નો આશરો લે છે.
પણ જયારે તે "અજ્ઞાન" ની ભૂમિકા વટાવી જાય છે (અને જ્ઞાનની ભૂમિકા પર પગ માંડે છે)
ત્યારે,તે એક "નિશ્ચયાત્મક-નિર્ણય" પર (સિદ્ધાંત પર) પહોંચે છે.
હજુ આગળ એક કામ હજુ બાકી છે-અને તે એ છે કે-આ "નિશ્ચય"  અત્યંત "દૃઢ" થવો જોઈએ.

મુક્તિનો ઉપાય બતાવનારાં પુસ્તકો (શાસ્ત્રો) અસંખ્ય છે અને સમય બહુ ટૂંકો છે.
તેથી જ્ઞાન મેળવવાનું રહસ્ય છે કે-"સાર ગ્રહણ કરવો" અને તેને આચરણમાં મુકવાનો પ્રયત્ન કરવો.
  PREVIOUS PAGE           
        NEXT PAGE       
     INDEX PAGE