Feb 6, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-72



આ પ્રમાણે,જયારે -એક-પણું,બે-પણું,દૃશ્ય-પણું,અને દ્રષ્ટા-પણું--એ ચાર નો યે અભાવ થશે-
ત્યારે એક-પરમાર્થ વસ્તુ (સત્ય-બ્રહ્મ) જ બાકી રહે છે.

વશિષ્ઠ કહે છે કે-તમારા મન-રૂપી દર્પણ માં અહંપણા -વગેરે દૃશ્ય-જગત-રૂપ જે મેલ છે,તેનો,
અત્યંત અભાવ સમજાવીને તે મેલ ને હું લુછી નાખીશ.
જે પદાર્થ પોતાની સત્તા વિનાનો હોય તેનો ભાવ હોતો નથી અને જે પદાર્થ પોતાની સત્તાવાળો હોય ,
તેનો અભાવ હોતો નથી.આથી જગત પોતાની સત્તા વિનાનું હોવાથી તે ભાવ વિનાનું જ છે,
તેથી તેને ટાળી દેવામાં તે શી મહેનત પડવાની?

જગત મૂળે ઉતપન્ન થયું જ નથી,છતાં તેની આ જે વિશાળતા દેખાય છે તે નિર્મળ પરમાત્મા માં જ દેખાય છે,
અને પરમાત્મા ની સત્તા થી તે સત્તા વાળું છે.
જેમ,સુવર્ણ નો હાર વગેરે આભુષણ -સુવર્ણથી જુદાં ઉત્પન્ન થયાં નથી,સુવર્ણ થી જુદાં નથી,
અને સુવર્ણ થી જુદાં જોવામાં આવતાં નથી,તેમ આ જગત -પણ,
બ્રહ્મ થી જુદું ઉત્પન્ન થયું નથી,બ્રહ્મ થી જુદું નથી અને બ્રહ્મ થી જુદું જોવામાં આવતું નથી.
એ જગત ને ટાળવામાં શું મહેનત પડવાની?

આ વિષય હું તમને ઘણી ઘણી યુક્તિઓ થી કહીશ -એટલે અબાધિત એવું શુદ્ધ "તત્વ" (બ્રહ્મ-સત્ય)
પોતાની મેળે જ તમારા અનુભવ માં આવશે.

જેમ,રણ માં નદી જ ના હોય તો જળ કેવી રીતે હોય?
તેમ જગત મૂળ માં ઉત્પન્ન થયું જ ના હોય તો -તેનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય?
જેમ વાંઝણી નો પુત્ર હોતો નથી,ને જેમ આકાશમાં વૃક્ષ હોતું નથી,તેમ ભ્રાંતિ-રૂપ જગત મૂળમાં છે જ નહિ.

હે,રામ,જે આ જોવામાં આવે છે તે અખંડિત "બ્રહ્મ" જ છે.અને આ વિષય ને હું આગળ જતાં કેવળ વચનો થી જ નહિ પણ યુક્તિ થી કહીશ.હે,રામ,વિદ્વાન લોકો આ વિષયમાં યુક્તિઓથી જે કહે છે,તેનો અનાદર કરવો યોગ્ય નથી,જે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય,યુક્તિઓથી ભરેલા આ વિષય નો અનાદર કરીને,
મહા-દુઃખ-દાયી -(ઉલ્ટી વાતનો) આગ્રહ લઇ બેસે છે,તેને વિદ્વાન લોકો મૂર્ખ જ સમજે છે.

(૮) ઉત્તમ શાસ્ત્રો ના શ્રવણ થી તત્વ-જ્ઞાન થાય છે.

રામ બોલ્યા-જે કાંઇ આ દેખાય છે તે સઘળું બ્રહ્મ-રૂપ જ છે-એ વાત કઈ યુક્તિથી જાણવામાં આવે?
અને તે કેવી રીતે સિદ્ધ થાય? અને તે  વાતને ન્યાય થી અનુભવવામાં આવે તો પછી,
બીજું કશું જાણવાનું બાકી રહે નહિ.

વશિષ્ઠ બોલ્યા-ઘણા કાળ થી જામેલી અને અવિચાર થી થયેલી, "જગત" નામની વિશુચિકા (કોલેરા)
જ્ઞાન વિના શાંત થતી નથી.હે,રામ,હું તમને સદ-બોધ થવા માટે,આ જે આખ્યાયિકાઓ (કથાઓ)
કહેવા ધરું છું તે તમે સાંભળો,તેથી તમે ઉત્તમ બુદ્ધિમાન થઇ ને તરત જ  મુક્તિને પામશો.
પણ તમે જો અકળાઈ જશો ને સાંભળવાનું મૂકી અધવચ ઉઠી જશો -
તો તમે પશુ સમાન થશો અનેતમારું કશું કાર્ય સિદ્ધ થશે નહિ.

મનુષ્ય જો થાકી જઈને પાછો ના ફરે -તો તે જે વસ્તુ માગે છે તથા જે વસ્તુ માટે યત્ન કરે છે-તે વસ્તુ અવશ્ય
મેળવે છે.હે,રામ, જો તમે મહાત્માઓના અને ઉત્તમ શાસ્ત્રો ના સમાગમમાં તત્પર રહેશો,તો,
થોડા મહિનાઓમાં નહિ પણ થોડા દિવસોમાં જ તમે પરમ-પદ ને પ્રાપ્ત થશો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE