Feb 7, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-73


રામ બોલ્યા-હે,ઉત્તમ શાસ્ત્ર-વેતા,આત્મ-જ્ઞાનની પ્રાપ્તિ માટે સારું કયું શાસ્ત્ર મુખ્ય છે? તે કહો.

વશિષ્ઠ બોલ્યા-હે,મહા-બુદ્ધિમાન,મુખ્યત્વે કરી આત્મ-જ્ઞાનનું નિરૂપણ કરનારાં શાસ્ત્રોમાં
આ સુંદર મહારામાયણ (યોગ-વાશિષ્ઠ) જ સર્વોત્તમ શાસ્ત્ર છે.
આ ઉત્તમ,સર્વ ઇતિહાસ ના સાર-રૂપ -ઇતિહાસ સાંભળવાથી જ્ઞાન ની પ્રવૃત્તિ થાય છે.
વાણી ની રચના રૂપ આ ગ્રંથ સાંભળવાથી પોતાની મેળે જ અક્ષય જીવન-મુક્તતા ઉદય  થાય છે.

જેમ, "આ તો સ્વપ્ન છે" એમ જાણવામાં આવે તો,સ્વપ્ન ના સત્ય-પણા ની ભાવના ટળી જાય છે,
તેમ આ દૃશ્ય-જગત હોવા છતાં -"આ બ્રહ્મ-રૂપ જ છે" એમ જાણવામાં આવે તો-
જગત ના સત્ય-પણા ની ભાવના ટળી જાય છે.

આ ગ્રંથ જ અતિ પવિત્ર છે અને જે આ ગ્રંથ માં છે તે જ બીજા ગ્રંથ માં છે અને જે આ ગ્રંથમાં નથી તે  બીજા
કોઈ ગ્રંથ માં નથી.વિદ્વાનો આ ગ્રંથ ને સઘળા જ્ઞાન-ગ્રંથો ના કોશ-રૂપ સમજે છે.
જે પુરુષ આ ગ્રંથ ને નિત્ય સાંભળે છે,તે પુરુષની બુદ્ધિ ,બીજા ગ્રંથો થી થયેલા પ્રૌઢ ચમત્કાર વાળા બોધ કરતાં
પણ ઉત્કૃષ્ઠ એવા બોધ (જ્ઞાન) ને મેળવે છે.એ વિષે સંદેહ નથી જ.

જે પુરુષ ને કોઈ પાપ ના ઉદય ને લીધે,આ શાસ્ત્ર પર રુચિ નાં થાય,તે પુરુષ  ભલે જ્ઞાન ના વિષય-વાળા
કોઈ બીજા ઉત્તમ શાસ્ત્ર નો વિચાર કરે,

જેમ ઉત્તમ ઔષધ (દવા) પીવામાં આવતાં પોતાની મેળે જ આરોગ્ય નો અનુભવ થાય છે,
તેમ આ ગ્રંથ સાંભળવામાં આવતાં પોતાની મેળે જ જીવનમુક્ત-પણા નો અનુભવ થાય છે.
આ શાસ્ત્ર સાંભળવાથી શ્રોતાને પોતાની મેળે જ નિશ્ચય થશે કે અમે જે કહ્યું છે તે યથાર્થ જ છે.
અને વરદાન કે શાપ ની વાતની પેઠે-કશું જ ઠોકી બેસાડતા નથી.

આ આત્મ-વિચાર-મય ગ્રંથ ની કથાથી જ તમારું સંસાર-સંબંધી દુઃખ ટળી જશે.
કે જે દુઃખ -ધનથી,દાનથી,તાપથી,વેદ સાંભળવાથી,બીજાં શાસ્ત્ર સાંભળવાથી કે 
તે ગ્રંથોમાં કહેલા સેંકડો યત્નો કરવાથી પણ ટળતું નથી.

(૯) જીવનમુક્ત ના લક્ષણ અને આત્મા નું સ્વરૂપ
વશિષ્ઠ કહે છે-હે,રામ,જેમનું ચિત્ત (મન) આત્મા માં લાગી ગયું છે,જેઓ આત્મા ની પ્રાપ્તિ માટે જ
જીવન જીવે છે અને આત્મા ના સ્વરૂપ નો ઉપદેશ -પરસ્પર કર્યા કરીને નિત્ય જ્ઞાન ની વાતો
કરીને -તેમાં આનંદ માની ને આત્મ-જ્ઞાનમાં જ નિષ્ઠા રાખી,તેમાં મસ્ત રહે છે,
તેવા "એક જ્ઞાન ની સ્થિતિ" કરનારા પુરુષો ને જીવન-મુક્ત-પણું મળે છે.કે જે વિદેહ-મુક્તિ જ છે.

રામ બોલ્યા-હે ભગવન, વિદેહ-મુક્ત અને જીવન્મુક્ત ના લક્ષણો મને કહો.એટલે હું શાસ્ત્ર પ્રમાણે વિચાર કરીને તે મેળવવા માટે પ્રયત્ન કરું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE