May 4, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-150


જેમ જેમ સંસારમાંથી વૈરાગ્ય ઉપજતો જાય છે,તેમતેમ બંધન કપાતાં જાય છે,અને
જયારે અહં-ભાવ નો નાશ થાય છે-ત્યારે જન્મ-મરણ મટી જાય છે.

ચિતિ (ચિત્ત-સ્થિતિ) બે પ્રકારની છે."ઈશ્વર-ચિતિ" એ "પર" એ અને "જીવ-ચિતિ" એ "અપર" છે.
પર-ચિતિ (ઈશ્વર-ચિતિ) તે નામ-રૂપથી રહિત છે અને અપર-ચિતિ (જીવ-ચિતિ) ચરાચર-જગત-રૂપ છે.
અને આવું જે મનુષ્ય ગુરૂ,શાસ્ત્ર કે પોતાના અનુભવથી જાણે છે,એ સંસારથી તરીને મોક્ષ પામે છે.

"પર-ચિતિ" (બ્રહ્મ) તે સ્વયં પ્રકાશ છે,અને ભેદ (સજાતીય-વિજાતીય-સ્વગત) થી વર્જિત છે.
જેમ જળમાં લહરી ભાસે છે તેમ તે "પર-ચિતિ" (બ્રહ્મ) માં જગત ભાસે છે.અને
એ જગતને જો તે પર-ચિતિ (બ્રહ્મ) થી ભિન્ન માણીએ તો તે અસત્ છે અને અભિન્ન માણીએ તો તે સત્ છે.

બ્રહ્મ-દેવ (બ્રહ્મા) ની અસમ-ભાવના એ પોતાના "સંકલ્પ" ના ભેદ થી આ જુદુજુદું જગત ઉત્પન્ન કરે છે.
તે બ્રહ્મા (બ્રહ્મ-દેવ) પોતાના અંતર્મુખ-પણા થી- વિષ્ણુ ના નિમેષ (પલકારા) ના એક કરોડમા ભાગમાં,
પણ ઘણા યુગો નો અનુભવ કરે છે.

(૬૨) નિયતિ (પ્રારબ્ધ) ની શક્તિ નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે-પરમાણુના લાખમા ભાગમાં પણ હજારો જગત સાચાં હોય તેમ જણાય છે. તથા,
એક નિમેષ (પલકારા) ના લાખ માં ભાગમાં -હજારો કલ્પ સત્ય હોય એમ જણાય છે.
તે પરમાણુમાં ના જગતમાં રહેલા પરમાણુ માં પણ ભ્રાંતિથી હજારો જગત રચાય છે.
જેમ જળ ની દ્ર્વતા પોતાના વિષે ઘૂમરી ધારણ કરે છે ,તેમ  સર્ગ (જગત)ની શોભા પણ મિથ્યા છે.

રામ કહે છે કે-હે,ઋષિ.જે મનુષ્યને સારી રીતે વિચાર કરવાથી જ્ઞાન થયા પછી નિર્વિકલ્પ આત્મ-પદ ની
પ્રાપ્તિ થાય છે,તે જ્ઞાની નો દેહ રહે છે તેનું કારણ શું?
અને કદાપિ પ્રારબ્ધ થી દેહ રહેતો હોય તો જ્ઞાન થયા પછી પ્રારબ્ધ કેમ રહે છે? તે કહો.

વશિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મની "સ્ફુરણ-રૂપી જે ચિત્ત-શક્તિ" છે-કે જેને "નિયતિ" કહેવામાં  છે,તે
સર્વ પ્રત્યે અવશ્ય રહેલી છે,અને તેની સત્તા પ્રત્યેક "કલ્પ"માં છે.
તે નિયતિ ને લીધે સૃષ્ટિના આદિ થી "અમુક પદાર્થમાં અમુક ગુણ અમુક કાળ સુધી આ પ્રમાણે રહેશે"
વગેરે જે નિર્માણ થયું છે તે તેમ ને તેમ રહે છે.
નિયતિ ને કોઈ મહાસત્તા,મહાચિતિ,મહાશક્તિ,મહાદૃષ્ટિ,મહાક્રિયા,મહોદભવ કે મહાસ્પંદ-પણ  કહે છે.

વાયુમાં જેવી રીતે તૃણ (તરણું) ભમ્યા કરે છે,તેવી રીતે,નિયતિ ને લીધે -કલ્પ-પર્યંત -
દૈત્ય,દેવતાઓ,મનુષ્યો-પ્રાણીઓ -વગેરેની સ્થિતિ રહેલી છે.
જેમાં વ્યભિચાર  નથી તે-બ્રહ્મમાં-કદાચ વ્યભિચાર નું અનુમાન થાય અને
જેમાં ચિત્ર નથી એ આકાશમાં કદાચ ચિત્રનું અનુમાન થાય પણ-
નિયતિ ની બીજી કોઈ સ્થિતિ નું અનુમાન થઇ શકે નહિ.

બ્રહ્મા (બ્રહ્મ-દેવ) વગેરે તત્વ-જ્ઞાનીઓ અજ્ઞાની મનુષ્ય ને સમજાવવા માટે -
"બ્રહ્મ-નિયતિ અને સર્ગ" એ  "એક જ"  છે એમ કહે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE