Oct 1, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-298



ઉદ્યોગથી સૈન્ય અને ધનથી સંપન્ન થયેલા બલિરાજાએ સઘળા ઉત્કર્ષ-વાળા દેવોને પણ કચરી નાખ્યા હતા.
જેમ બ્રહ્મા સૃષ્ટિ ઉત્પન્ન કરે છે તેમ,મરુત-રાજાના યજ્ઞમાં ઇન્દ્રે વિઘ્ન કરવાથી,મહર્ષિ સંવર્તે,પોતાના તપના પ્રભાવથી દેવ અને દાનવો સહિત ની નવી સૃષ્ટિ ઉત્પન્ન કરી હતી,ને યજ્ઞ પુરો કર્યો હતો.
વિશ્વામિત્રે વારંવાર બીજાઓથી અધિક તપ કરીને "બ્રહ્મર્ષિ-પણું" મેળવ્યું હતું.જે ક્ષત્રિયો માટે દુર્લભ છે.
ત્રૈલોક્ય માં પ્રખ્યાતિ પામેલ,વિષ્ણુ-બ્રહ્મા આદિને પણ કાળ તણખલાની જેમ ચાવી જાય છે,
છતાં,"શ્વેત" નામના મુનિએ તે કાળને ભક્તિથી અને અત્યંત દૃઢતા થી જીતી લીધો હતો.
સાવિત્રી એ રાજકુમાર સત્યવાનની સ્ત્રી હતી અને યમરાજ જયારે તેના પતિને લઇ જતા હતા ત્યારે તે પતિની પાછળ ગઈ અને સ્તુતિ-વગેરે થી અને યુક્તિ-ભરેલાં વચનો થી યમરાજને વશ કરીને,તેણે પોતાના પતિને,યમ ના હાથમાંથી છોડાવી અને જીવતો કર્યો હતો.

શાસ્ત્રમાં કહેલા શુભ ઉદ્યોગ માં એક પણ ઉદ્યોગ એવો નથી કે-જેનું ફળ મળે નહિ.
એટલા માટે તમારે અંતઃકરણમાં વિચાર કરીને,ઉદ્યોગ થી સર્વોત્તમ મુક્તિ-પદ મેળવવું જોઈએ.
સુખ-દુઃખ-જન્મ-મરણ-વગેરે દશાઓ-રૂપ સઘળી ભ્રાન્તિઓ નું મૂળ કાપી નાખે એવું તો એક આત્મ-જ્ઞાન જ છે.માટે તે માટે,તમે પ્રબળ પ્રયત્ન કરો.વિપત્તિઓમાં નાખવા માગતી,ભોગની લાલચો નો નાશ કરવા માટે,
વિષયો માં "દોષ-દૃષ્ટિ" કરવા નો પ્રયત્ન કરવો જોઈએ.વિષયોના ત્યાગ કરવાથી દુઃખ નો અનુભવ થાય છે,તેમ છતાં,તેવું સામાન્ય દુઃખ ભોગવ્યા વિના -પરમાનંદ-તત્વ નું સુખ મળે તેમ નથી.

જો કે બ્રહ્મ તો નિત્ય-પ્રાપ્ત જ છે,તેથી તેના માટે શમ-દમ-વગેરે સાધનો કરવાની કોઈ જરૂરત નથી,
તો પણ,બ્રહ્મ નું આવું નિત્ય-પણું જાણવામાં કે અનુભવવામાં આવ્યું ના હોય ત્યાં સુધી,
એ શમ-દમ-વગેરે સાધનો પરમ-અર્થ (પરમાર્થ) રૂપ છે અને બહુ કામના (અગત્યના) છે.
અને તે બ્રહ્મ-જ્ઞાન ના સુખ ને પ્રગટ કરનારાં છે તેમ સમજો.

દેહાભિમાન નો ત્યાગ કરી,સર્વદા શાંતિનો આશ્રય કરી તથા બુદ્ધિ થી પોતાનું આર્ય-પણું (પોતા-પણું) વિચારીને સજ્જનો નો સત્સંગ કરવો જોઈએ.સત્સંગ વિના,ખાલી તપ-તીર્થ કે શાસ્ત્ર થી સંસાર-સમુદ્રમાંથી પાર ઉતારવાના કામમાં જય મેળવી શકાય તેમ નથી.
જેને દિવસે દિવસે લોભ,મોહ તથા ક્રોધ ઓછા થતા જતા હોય છે,અને જે શાસ્ત્ર પ્રમાણે પોતાના કર્મો (કાર્યો) કરતો હોય,તેને સજ્જન જાણવો,અને એવા સજ્જનો ના સત્સંગ થી કોઈ દિવસે બ્રહ્મ-વેત્તા પુરુષનો સંગ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે.અને ત્યારે આ દૃશ્ય (જગત)રૂપ ખટપટ નો અત્યંત અભાવ થઇ જાય છે.
અને દૃશ્ય નો અભાવ થઇ જાય -તો પછી પર-બ્રહ્મ જ અવશેષ (બાકી) રહે છે.કારણકે દૃશ્ય નો અભાવ થતાં,
જીવ પણ (દૃશ્ય ની જેમ જ) બ્રહ્મ માં જ લય પામે છે.

આ દૃશ્ય (દેખવામાં આવતું જગત) ભૂતકાળમાં ઉત્પન્ન જ થયું નથી,ભવિષ્યમાં ઉત્પન્ન થશે પણ નહિ અને
વર્તમાન કાળમાં પણ તે (જગત કે દૃશ્ય) નથી.અને જે છે તે "નિરુપાધિક બ્રહ્મ" જ છે.
આ  વસ્તુ (વાત) હજારો યુક્તિઓથી,મેં તમને ઉત્પત્તિ પ્રકરણમાં સમજાવી છે,આ પ્રકરણમાં પણ  સમજાવતો આવું છું,અને હવે (હજુ) પણ જે સર્વ વિદ્વાનો ના અનુભવમાં આવેલું છે,તે (ફરી) સમજાવીશ.

"બ્રહ્માંડ" ના સર્વ "અનુભવો"નું "અધિષ્ઠાન" એ "પરબ્રહ્મ" નામનું "ચૈતન્ય" (પરમાત્મા) છે.
તે નિર્મળ અને શાંત છે,માટે તેમાં,આકાશ-વગેરે સત્ -અસત્ કે માયા- ઉત્પન્ન થઇ શકે નહિ.
કારણકે જો તેને માયાથી ઉત્પન્ન થયેલું માનીએ,તો માયાથી જે ઉત્પન્ન થાય તે મિથ્યા જ હોય છે,
માટે તે (આકાશ-વગેરે) ની ઉત્પત્તિ,તેમાં (ચૈતન્યમાં) થઇ જ નથી એ સિદ્ધ થાય છે.
(બ્રહ્મમાં આકાશ-વગેરેનું ઉત્પન્ન થવું જ સંભવતું નથી.)


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE