Oct 4, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-301



વસિષ્ઠ કહે છે કે-
લૌકિક અહંકાર નો ત્યાગ કરીને શુભ સાધનો માં તત્પર રહેનાર પુરુષને માટે પરમ-પદ નજીક આવતું જાય છે,જો પુરુષ પહેલા કે બીજા પ્રકારના અહંકારની ભાવના કરીને રહે છે તો તે ઉંચા પદને પ્રાપ્ત થાય છે.
પણ જો બધીજ જાતના (પહેલા-બીજા-ત્રીજા) અહંકારો રહિત થઈને રહે તો તે "પરમ-પદ" ને પામે છે.

હે,રામ,આવા વિચાર રાખી,પરમાનંદ ના બોધ માટે સર્વદા સઘળા પ્રયત્નો કરીને છેલ્લા (ત્રીજા) દુષ્ટ
લૌકિક હંકાર નો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.એ પાપી દુષ્ટ અહંકાર તો શરીરમાં રહેલો એક જાતનો રોગ છે.
તેનો ત્યાગ કરવો એ જ મોટું કલ્યાણ છે.અને એ જ પરમ-પદ ને પામવાનું (પહેલું) સાધન છે.
"વિચારના બળ" થી એ લૌકિક સ્થૂળ અહંકારનો ત્યાગ કરીને મનુષ્ય બેસી રહે કે વ્યવહાર કરે,
તો પણ તેનું અધઃપતન (નીચી સ્થિતિ માં પડવું તે) થતું નથી,

જેમ,સારી પેઠે તૃપ્ત પામેલા પુરુષને ઝેર થી સંયુક્ત થયેલા રસો પ્રિય લાગતા નથી,
તેમ,જેનો અહંકાર ક્ષીણ થઇ ગયો છે તેને -"રોગ જેવા દુઃખદાયી ભોગો" પ્રિય લાગતા નથી.
ભોગો પર પ્રેમ ના રહે,ત્યારે પુરુષને મોક્ષ-રૂપ કલ્યાણ સમીપમાં જ આવે છે,કારણકે,મન ના અંધકાર-રૂપ
અહંકાર ક્ષીણ થાય પછી કલ્યાણ ના માર્ગ ને રોકે તેવું કશું પ્રતિબંધક બાકી રહેતું નથી.

હે,રામ,અહંકાર ના અનુસંધાન નો ત્યાગ કરવાથી,ધીરજ થી અને (શાસ્ત્રના) શ્રવણ-વગેરે ના પ્રયત્ન થી
સંસાર-સમુદ્ર તરાય છે.જે પુરુષ "જે સઘળું છે તે હું જ છું અને એમ હોવાથી સઘળું મારું જ છે" એવા વિચારથી
અને,"હું દેહ નથી અને દેહના સંબંધમાં જે કંઈ છે તે મારું નથી" એવો નિશ્ચય રાખે છે,
તથા,ઉપર કહેલા આત્માના બોધને મનમાં દૃઢ રીતે ઠસાવે છે,તે મહાત્મા પુરુષ અનુક્રમથી,
સાતમી ભૂમિકામાં સ્થિતિ પામે છે,અને અંતે વિદેહ-કૈવલ્ય ને પામે છે.

(૩૪) વિષ્ણુએ શંબરાસુરને માર્યો અને વાસના-રહિત ત્રણ દૈત્યોનો મોક્ષ

વસિષ્ઠ કહે છે કે- શંબરાસુરનું સૈન્ય નષ્ટ થયું અને દામ-વગેરે દૈત્યો શંબરાસુર પાસેથી જતા રહ્યા,ત્યારે.
મેરુ પર્વતના જેવી સંપત્તિ-વાળા શંબરાસુરના નગરમાં જે વૃત્તાંત બન્યું તે હું તમને કહું છું,તે તમે સાંભળો.

જેના સૈન્ય ને દેવતાઓએ જીતી લીધું હતું,તેવા શંબરાસુરે થોડાં વર્ષો પછી ફરીથી દેવતાઓનો વધ કરવાનો નિશ્ચય કરી ને  વિચાર કર્યો કે-મેં માયાથી દામ-વગેરે જે અસુરો બનાવ્યા હતા,તેમણે તો મૂર્ખતા ને લીધે,યુદ્ધમાં ખોટા અહંકાર ની જ ભાવના કરી,એટલે તેઓ હારી ગયા.હવે મારે ફરીથી બીજા દાનવોને સર્જવા અને તેમને વિવેકી અને વેદાંત શાસ્ત્ર ને જાણનારા કરવા.તત્વ ના જ્ઞાન ને લીધે,તેઓ મિથ્યા-ભાવના વગરના હશે,એટલે તેઓ અહંકારને ધારણ કરશે નહિ.અને તેથી તેઓ દેવતાઓને જીતી લેશે.

આ પ્રમાણે શંબરાસુરે વિચાર કર્યો અને પછી જેમ સમુદ્ર પરપોટા ઉત્પન્ન કરે છે તેમ તેણે માયાથી,
પોતાના ધર્યા પ્રમાણે જ-ભીમ-ભાસ-અને દૃઢ નામના ત્રણ દાનવોને પેદા કર્યા.

તે ત્રણ દાનવો,આત્મ-તત્વ ને જાણનારા હોવાને લીધે -સઘળું જાણનારા,રાગ-રહિત,દોષ વગરના અને જે કામ આવી પડે તે જ કામને કરનારા,આત્મા નું અનુસંધાન કરનારા,ઉત્તમતાવાળા,નિસ્પૃહ.અને પવિત્ર મનવાળા હોવાને લીધે,તેમણે જમીન પરથી ઉંચે (આકાશમાં) આવીને  આકાશને ઘેરી લીધું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE