Oct 5, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-302



ચળકતા અસ્ત્રો વાળા તે ત્રણે દૈત્યો,આકાશમાંના વાદળાં ની પેઠે ગર્જના કરવા લાગ્યા,
અને દેવો ની સામે ઘણા વર્ષો સુધી લડ્યા.પણ વિવેક ને લીધે,કદી પણ તેમણે અહંકાર કર્યો નહિ.
તે ત્રણે દૈત્યોના મનમાં કદીક "આ મારું છે" એવી વાસના ઉદય પામતી
તો "આ દેહ છે તે કોણ છે? અને અમે કોણ છીએ?" એવા વિચાર કરતાં તે વાસના તો તરત જ અસ્ત પામતી."આ શરીર ખોટું છે અને દેવતાઓ પણ ખોટા છે,પણ એક બ્રહ્મ સત્ય છે"
એવા વિચારના પ્રભાવથી તે ત્રણે દૈત્યોમાં કદી ભય -વગેરે નો ઉદય થયો જ નહિ.

"આ યુદ્ધ વગેરે કંઈ છે જ નહિ,અમારામાં શુદ્ધ ચૈતન્ય વિના બીજું કંઈ છે જ નહિ.અને આ જે અહંકાર છે
તે પણ અમારા સ્વ-રૂપ થી જુદો નથી" એવો નિશ્ચય રાખીને તે દૈત્યો પ્રવૃત્તિ કરતા હતા.
આમ,ભીમ-ભાસ -દૃઢ નામના તે ત્રણ દૈત્યો અહંકારથી રહિત હતા,વૃદ્ધાવસ્થા અને મરણ ના ભય વગરના હતા,આવી પડેલા કામ ને જ કરનારા હતા,ધીર હતા,વર્તમાન કાળને અનુસરનારા હતા,સર્વદા આસક્તિ વગરની બુદ્ધિ-વાળા હતા,બીજાઓને મારવા છતાં પણ મારનાર-પણાનું અભિમાન ધરાવતા નહોતા,વાસના-રહિત હતા,અને કાર્યો (કર્મો-કે ક્રિયાઓ) કરવા છતાં પણ કર્તા-પણાનું અભિમાન કરતા નહોતા.

તેઓ (ત્રણ દૈત્યો) ફળની ઇચ્છાથી નહિ પણ,"સ્વામીનું કાર્ય અવશ્ય કરવું જોઈએ"એવા નિયમને અનુસરીને,
યુદ્ધમાં તત્પર રહેતા હતા.તેઓ રાગ-દ્વેષ થી રહિત હતા અને સર્વદા સમ-દૃષ્ટિ-વાળા હતા.
તેમણે દેવતાઓની મોટી સેનાનો નાશ કરવા માંડ્યો,.અને દેવતાઓની સેનાને અત્યંત ત્રાસ પમાડ્યો.એટલે
દેવતાઓની સેના ત્યાંથી નાઠી,અને "નારાયણ" (વિષ્ણુ) ને શરણે ગઈ.ત્યારે નારાયણે તેમને ધીરજ આપી.

પછી તો,નારાયણ અને શંબરાસુરનું દારુણ યુદ્ધ થયું અને તે યુદ્ધમાં શંબરાસુર નારાયણ ના હાથથી મૃત્યુ પામ્યો અને વૈકુંઠ ને પ્રાપ્ત થયો.જેમ પવન દીવાઓને હોલવી નાખે છે તેમ,વિષ્ણુ એ જ તે સંગ્રામમાં,
ભીમ-ભાસ-દૃઢ એ ત્રણે દૈત્યોને શાંત કરી દીધા.વાસનાઓથી રહિત જ રહેલા એ ત્રણે દૈત્યો જયારે શાંત થયા,(મરણ પામ્યા) ત્યારે જેમ,હોલવાઈ ગયેલા દીવાઓની ગતિ કોઈના જાણવામાં આવતી નથી,
તેમ તેમની ગતિ પણ કોઈના જાણવામાં આવી નહિ.
(નોંધ-બ્રહ્મ-વેત્તાઓને મરણ પામ્યા પછી-પણ "સ્વ-રૂપ" માં જ રહેવાનું થાય છે,માટે તેમની ગતિ કોઈના જાણવામાં આવતી નથી,જયારે કામના વાળા કર્મો કરનાર ને કર્મો-અનુસાર તે તે લોકમાં જવું પડે છે,
માટે તેમની ગતિ બીજાઓના જાણવામાં આવે છે)

હે,રામ,મન જો વાસના-વાળું હોય તો તે બંધાયેલું છે,પણ વાસના વગરનું મન મુક્ત જ છે.એટલા માટે તમે પણ વિવેકથી વાસના-રહિત-પણું સંપાદન કરો.સાચા "સ્વ-રૂપ કે ચૈતન્ય" નું સારી પેઠે અવલોકન કરવાથી વાસના ક્ષય પામે છે.અને વાસનાનો નાશ થતાં ચિત્ત દીવાની પેઠે નાશ પામે છે.
"પરિપૂર્ણ અને વાસ્તવિક સત્ય એવો ચૈતન્ય-આત્મા જે દ્રશ્યની ભાવના કરે છે તે દૃશ્ય અને તે ભાવના સાચી નથી" એમ વિચાર કરીને "ચૈતન્ય-માત્ર' નું દર્શન કરવું,એ જ યોગ્ય (સાચું) અવલોકન છે.
"આ સઘળું જગત છે તે આત્મા જ છે,માટે કોણ,ક્યાં અને કોની ભાવના કરે? જે ભાવના કરે છે તે મુદ્દલે છે જ નહિ"એમ જે વિચારવું તે જ યોગ્ય અવલોકન છે.

વાસનાઓ,વાસનાઓનો અર્થ,ચિત્ત અને ચિત્ત નો અર્થ-એ સઘળું સત્ય વિચારથી જેમાં લીન થાય છે,
તે "પરમ-પદ" છે.વાસનાઓથી ઘેરાયેલું ચિત્ત સંસારમાં રહેલું છે,અને તે જ ચિત્ત જો વાસના-રહિત થાય છે,
તો તે "જીવન-મુક્ત" કહેવાય છે.ચિત્ત ખોટા ભૂત ની પેઠે ઉદય પામીને જુદા જુદા આકારોને ગ્રહણ કર્યા કરે છે.માટે તેને તરત જ શાંત કરવું જોઈએ,


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE