Nov 2, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-330

હે,રામ,જળમાં પ્રતિબિંબ રૂપે જે ચંદ્ર જોવામાં આવે છે-તેને મૂઢ-પણા વાળા બાળકો જ લેવાની ઈચ્છા કરે છે,પણ પુખ્ત મનુષ્યો -તે પ્રતિબિંબ છે તેમ સમજે છે એટલે -તેને લેવાની કદી ઈચ્છા કરતાં નથી.
તે રીતે-બ્રહ્મ માં જે આ મિથ્યા જગત જોવામાં આવે છે -
તે જગતનું ગ્રહણ કરવાની માત્ર અજ્ઞાનીઓ જ ઈચ્છા કરે છે,પણ જ્ઞાનીઓ કદી તેવી ઈચ્છા કરતા નથી.
માટે,તમે મિથ્યા-ભૂત જગતના પદાર્થો થી સંતોષ પામવામાં બાળક સમાન થાઓ નહિ,
પણ અવિનાશી પદને જોઈને -તેના નિત્ય તથા સ્થિર સુખ નો જ આશ્રય કરો.


"મારા દેહ સહિત આ સઘળું જગત વાસ્તવિક રીતે છે જ નહિ"
એવો નિશ્ચય રાખીને તમે દેહાદિનો વિનાશ થાય તો તેને માટે કશો શોક રાખો નહિ,તેમજ
"મારા દેહ સહિત આ સઘળું જગત વાસ્તવિક રીતે બ્રહ્મની સત્તા થી જુદી સત્તા-વાળું નથી,
અને જે બ્રહ્મ છે તે જ હું છું"  એવો નિશ્ચય રાખીને તમે ફરીવાર જન્મ-મરણ ની ચિંતા રાખો નહિ.

(૪૬) જીવન-મુક્ત ના ગુણો નું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,પ્રિય ધન કે પ્રિય સ્ત્રી-પુત્ર વગેરે પ્રાપ્ત થાય તો હર્ષ શા માટે કરવો?
અને જો તે (સ્ત્રી-પુત્ર) નાશ પામે તો તેનો શોક શા માટે કરવો?
ઇન્દ્રજાળ ક્ષણમાં જોવામાં આવે અને નષ્ટ થઇ જાય તો તેને માટે હર્ષ કે શોક શા માટે કરવો?
પ્રિય (ધન-સ્ત્રી-પુત્ર-વગેરે) ની વૃદ્ધિ થાય તો તેમાં પણ- હર્ષ નો શો પ્રસંગ છે?
ઉપરથી આમ થાય (સ્ત્રી-પુત્ર ની પ્રાપ્તિ કે વૃદ્ધિ થાય) તો તેને દુઃખ જ માનવું યોગ્ય છે.સુખ માનવું યોગ્ય નથી.(ઝાંઝવા ના પાણીની વૃદ્ધિ થવાથી જળની ઈચ્છાવાળાઓ ને શો આનંદ થાય?)

મોહ-રૂપી માયાની વૃદ્ધિ થતાં કોણ પ્રસન્ન થાય?
જે ભોગો વધવાથી મૂર્ખ ને રાગ (આસક્તિ) ઉત્પન્ન થાય છે,તે જ ભોગો વધવાથી સમજુ ને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.ધન-સ્ત્રી-પુત્ર વગેરે નો નાશ થાય તો-જેમ તેનો શોક કરવો યોગ્ય નથી તેમ હર્ષ કરવો પણ યોગ્ય નથી,કારણકે-એમના નાશ થી કલ્યાણ થતું નથી.પણ તેમનામાં "આસક્તિ" નહિ રાખવાથી કલ્યાણ થાય છે.
ભોગો (ધન-સ્ત્રી-વગેરે) હાજર (વિદ્યમાન) હોવા છતાં,તેને વિનાશી જાણવાવાળા વિવેકી સાધુ-પુરુષો તો તે
પદાર્થો વડે વૈરાગ્ય પામે છે.

આથી હે,રામ,આ તત્વ સમજીને -તમે વ્યવહારમાં જે જે નાશ પામે છે તેની "ઉપેક્ષા" કરો (ત્યાગ નહિ)
અને જે જે પ્રાપ્ત થાય છે તેમાં "આસક્તિ" નહિ રાખતાં ઉપયોગ કરો.અને આ રીતે
નહિ પ્રાપ્ત થયેલા ભોગો ની અંતઃકરણમાં ઈચ્છા રાખવી જ નહિ.અને પ્રાપ્ત માં આસક્તિ રાખવી નહિ તે જ
પંડિતો નું લક્ષણ છે.કામ-દેવ-રૂપી શત્રુ,પુરુષને મારી નાખવાની ઇચ્છાથી સજ્જ થઈને ગુપ્ત રીતે ઉભો જ છે,એટલે જો તમે ચેતીને (વિવેકથી) વ્યવહાર કે વિહાર  કરો તો -તો તમે કોઈ જાતની મૂર્ખતા કરી કહેવાય નહિ.

"પરમ-પદ ને જાણવા છતાં પણ સમજણ ની ભૂલ ને લીધે-આ સંસારના આડંબરમાં-એક જાતની ઠગાઈ
ચાલી રહી છે" એમ જેઓ જાણતા નથી તેઓ માર્યા જ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE