Nov 10, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-338

તે સુંદરીએ આ પ્રમાણે કહ્યું-ત્યારે ધૈર્ય થી ભ્રષ્ટ નહિ થયેલા પણ દયાથી ઘેરાયેલા,એ દાશૂર-મુનિ જરા હસ્યા,
પછી પોતાના હાથમાં રહેલું ફૂલ તેને આપીને તેમણે કહ્યું કે-હે,સુંદરી,આ ફૂલ તું લઇ જા,એથી તને પુત્ર થશે,તેં કષ્ટ પામીને આત્મઘાત ના સંકલ્પ પર આવીને મારી પાસે પુત્ર માગ્યો છે,એટલા માટે એ પુત્ર બીજી વનદેવીઓના પુત્રો ની જેમ વિષયોમાં લંપટ  નહિ થાય અને તત્વ ને જાણનારો થશે.અને આમ કહીને દાશૂર મુનિએ તેને ત્યાંથી વિદાય કરી.

પછી એ સુંદરી પોતાના સ્થાન માં ગઈ અને સમય થતાં,તેને પુત્ર ની પ્રાપ્તિ થઇ.
ઋતુઓ અને વર્ષો થી અનુક્રમે થનારો સમય વીત્યો,અને તે વનદેવી પોતાના બાર વર્ષના પુત્ર ને લઈને,
મુનિ ની પાસે આવી.અને મુનિ ને કહેવા લાગી કે-હે,ભગવન,આ સ્વરૂપવાન કુમાર આપણા બંનેનો પુત્ર છે,
અને તેને મેં સઘળી વિદ્યાઓમાં પારંગત કર્યો છે,કેવળ આને બ્રહ્મ-વિદ્યા મળી નથી,જેથી તે વિદ્યાનો
તમે,તેને ઉપદેશ કરો.કારણકે સારા કુળમાં જન્મેલા પુત્ર ને મૂર્ખ રાખવાનું કોણ ઈચ્છે?

ત્યારે દાશૂર-મુનિએ કહ્યું કે-આ પુત્ર-રૂપ ઉત્તમ શિષ્ય ને તું અહીં જ રાખી જા.
એમ કહી અને તેમણે વનદેવી ને ત્યાંથી વિદાય કરી.
વનદેવી ના ગયા પછી,તે પુત્ર પિતાની પાસે શિષ્ય થઈને -સેવામાં પરાયણ થઈને રહ્યો.
દાશૂર મુનિએ તેને લાંબા કાળ સુધી વિચિત્ર અને જુદીજુદી ઉક્તિઓ થી બ્રહ્મ-વિદ્યા નો ઉપદેશ કર્યો.
સર્વોત્તમ રસવાળાં વાક્યો ના સમૂહથી પોતાની પાસે રહેલા પોતાના પુત્રને આત્મ-વિચારમાં જાગ્રત કર્યો.

(૫૨) 'જગત મન કલ્પિત છે' એ સમજાવવા ખોત્થ-રાજા નું ચરિત્ર

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,હું,આકાશમાં જ્યોતિશ્ચક્ર (જ્યોતિ-રૂપ-ચક્ર) ની અંદર સપ્તર્ષિઓના મંડળમાં રહું છું.
એક દિવસ એ મંડળમાંથી અદૃશ્યરૂપે બહાર નીકળ્યો,આકાશમાંથી નીચે ઉતર્યો ને જે માર્ગે એ દાશૂરમુનિનો
કદંબ હતો,તે માર્ગે થઈને કૈલાસ પર્વતમાંથી વહેતી 'મંદાકિની' નામની નદીમાં નાહવાને માટે ગયો.
સ્નાન કરીને પછી,ત્યાંથી રાત્રિ ના સમયે તે ઉત્તમ કદંબ ની પાસે પહોંચ્યો,ત્યારે દાશૂર મુનિના ભાષણનો
શબ્દ મારે કાને આવ્યો.દાશૂર મુનિ નું ભાષણ તેમના પુત્ર ને બોધ આપવા માટે ચાલતું હતું.

દાશૂર પોતાના પુત્ર ને કહેતા હતા કે-.હે,પુત્ર,વાસ્તવિક રીતે આ સંસારના જેવી (એટલે કે કલ્પિત)
મહાન આશ્ચર્ય આપનારી,એક આખ્યાયિકા તને હું કહું છું તે તું સાંભળ.
બહુ બળવાન,ત્રૈલોક્ય માં વિખ્યાત,સંપત્તિ-વાળો એક "ખોત્થ" નામનો રાજા છે.
(નોંધ-અહીં મન ને ખોત્થ રાજા જોડે સરખાવવામાં આવ્યું છે!!)
સઘળા ભુવનોના અધિપતિ રાજાઓ પણ એ રાજાની આજ્ઞાને મસ્તક ઉપર ધારણ કરે છે.
સાહસો કરવામાં જ રુચિ ધરાવનારો અને અનેક આશ્ચર્યો ઉપજાવનારા વિહારો કરનારો એ મહાત્મા-રાજા
ત્રણે લોકમાં કોઈથી પણ વશ કરી શકાયો નથી.બહુ જ સુખ અને દુઃખ આપનારી એ રાજાની હજારો ક્રિયાઓ સમુદ્રના અસંખ્ય તરંગોની જેમ કોઈથી ગણી શકાય તેમ નથી.

જેમ,આકાશ મુઠ્ઠીથી દબાવી શકાતું નથી,તેમ એ પ્રબળ રાજાનું બળ જગતમાં શસ્ત્રોથી,અગ્નિ થી કે કોઈથી પણ દબાવી શકાતું નથી.રચનાથી શોભતી અને મોટા આરંભો-વાળી એ રાજાની લીલાની થોડીઘણી નકલ કરવાને ઇન્દ્ર,વિષ્ણુ કે મહાદેવ પણ સમર્થ નથી.
એ રાજાના ઉત્તમ-મધ્યમ અને અધમ એવા ત્રણ દેહો છે.અને તે દેહો સઘળા વ્યવહાર કરવાને સમર્થ છે.,

તથા સઘળા જગતમાં વ્યાપીને રહ્યા છે.આ ત્રણ દેહો વાળો ખોત્થ રાજા ઘણા વિસ્તારવાળા આકાશમાં ઉત્પન્ન થયો છે,આકાશમાં જ રહ્યો છે અને પંખીઓ ની માફક આકાશમાં જ ફર્યા કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE