Nov 9, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-337

(૫૦) કદંબ પર બેઠેલા દાશૂરે દશે દિશાઓ ને દીઠી
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,પછી પૃથ્વીનાં સર્વ સ્થળોમાં જેને અપવિત્ર-પણા ની શંકા હતી,તેવો એ દાશૂર,ફળો અને પલ્લવો થી શોભી રહેલા અને જાણે પુષ્પોનો પહાડ હોય એવા એ કદંબ ને જોઈને મનમાં બહુ આનંદ પામ્યો.અને તેના પર ચડ્યો.

વનમાં જાણે આકાશને અને પૃથ્વીને સ્થિર રાખવા નો થાંભલો ઉભો કર્યો હોય એવો એ કદંબ ઉંચો હતો.એ કદંબ ની આકાશ સુધી પહોંચતી એક શાખા ના છેલ્લા પાંદડા પર જઈને દાશૂર બેઠો,અને ત્યાં હવે કોઈ પણ જાતની અપવિત્ર-પણાની ચિંતા નહિ રાખતાં એકાગ્ર-પણાથી તપ આરંભ્યું.


એક દિવસ દાશૂર નવાં પલ્લવો ના બનેલા કોમળ આસન પર બેઠો હતો,ત્યારે તેણે કૌતુક થી ચપળ થયેલાં
નેત્રો વડે જરા-વાર સઘળી (દશે) દિશાઓને જોઈ.(અહીં દશે દિશાઓ નું અલંકારિક લાંબુ વર્ણન કર્યું છે)

(૫૧) દાશૂરે વન-દેવી ને પુત્ર આપ્યો અને તે પુત્ર ને જ્ઞાન આપ્યું

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,કદંબ ની ઉપર રહેલો અને દારુણ તપ કરવામાં શૂરતા ધરાવનારો તે દાશૂર,
ત્યારથી તપસ્વીઓના આશ્રમોમાં 'કદંબાસુર' નામથી ઓળખાવા લાગ્યો.
એ કદંબ ની ઉંચી શાખા પર બેસીને,જરા વાર દિશાઓને જોઈને,
તેણે અંતઃકરણને તરત જ તેમાંથી પાછું વાળી લીધું,અને પદ્માસન વાળીને બેઠો.
પછી-"પરમ અર્થ (પરમાર્થ) થી અજાણ,માત્ર ક્રિયાઓ (વૈદિક કર્મો) માં જ તત્પર રહેલા અને
સંસાર-સંબંધી ફળો ના સંકલ્પ-રૂપી કંગાળ-પણા થી ભરેલા "મન" થી " (સકામ) યજ્ઞો કરવા લાગ્યો.

એકાગ્ર ચિત્ત-વાળા તે દાશૂરે,સામાન્ય યજ્ઞ થી માંડીને અશ્વમેઘ (મોટામાં મોટા) યજ્ઞ ની સઘળી ક્રિયાઓ (કર્મો) પોતાના "મન" થી જ કરી,અને આવા માનસિક યજ્ઞો થી દશ વર્ષ સુધી દેવતાઓનું યજન (પૂજન) કર્યું.  એટલા કાળ (સમય) સુધી "વેદોક્ત કર્મો" (ક્રિયાઓ) કરવાને લીધે,તેનું મન રાગ-દ્વેષ વગેરે મળો થી મુક્ત થયું.આમ મળો (ગંદકી) ટળી જવાને લીધે,એનું મન અવકાશ-વાળું (શૂન્ય) થયું,એટલે,
"આત્મ-પ્રસાદ-રૂપ-જ્ઞાન" તે મન ની અંદર તેને પ્રાપ્ત થયું.અને તેથી તેનું અજ્ઞાન-રૂપી આવરણ વીંખાઈ ગયું.

એક દિવસ તેણે આંખો ખોલી-તો-પોતાના મુખ આગળ એક શાખા પર બેઠેલી એક "વન-દેવી" ને જોઈ.
તે વિશાળ અને મદ થી ઘૂમતાં નેત્રોવાળી હતી,સુશોભિત મુખવાળી હતી,અત્યંત શોભાયમાન વસ્ત્રોથી શોભતી હતી,નીલકમળ ના જેવી સુગંધવાળી હતી,અને તે મન નું અત્યંત આકર્ષણ કરનારી હતી.

તેને જોઈને દાશૂરે તેને પૂછ્યું કે-હે,સુંદર નેત્રોવાળી,તું કોણ છે? અને અહીં શા માટે બેઠી છે?
ત્યારે વનદેવીએ કહ્યું કે-હું વનદેવી છું,ગયા ચૈત્ર માસની શુક્લપક્ષની તેરસના દિવસે,કામદેવના આરાધના
સંબંધી ગાયન-તથા ભોજન -વગેરે કરવાનો ઉત્સવ હતો,તે પ્રસંગ માં આ વનની અંદર વનદેવીઓનો
સમાજ એકઠો થયો હતો,એ વખતે હું પણ ગઈ હતી.એ ઉત્સવ માં આવેલી સર્વે ને મેં હમણાં પુત્રોવાળી દીઠી,
અને હું જ એક વાંઝણી (પુત્ર વગરની) રહી ગઈ એ જાણી મને બહુ જ ખેદ થયો.

સઘળા મનોરથો ને પૂર્ણ કરવામાં મોટા કલ્પ-વૃક્ષ સમાન આપ વિદ્યમાન (હાજર) હોવા છતાં,
હું વાંઝણી રહીને,અનાથ થી માફક,શોક કરું તે શું યોગ્ય કહેવાય?
હે,ભગવન,મને પુત્ર આપો અને જો તમે મને પુત્ર નહિ આપો તો-
હું મારા દુઃખ ની બળતરાને શાંત કરવા,મારા દેહને અગ્નિમાં આહુતિ-રૂપ કરી દઉં છું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE