Nov 21, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-349

કેવળ પ્રાણ ની ગતિ (શ્વાસોશ્વાસ) ને જ રાખતાં,
કલ્પના,કાળ,પ્રકાશ,અંધકાર,વાસના તથા વિષય-વગેરે અને 
મૂળ સહિત અહંકાર ને પણ ઉખેડી નાખીને- 
"આકાશ ના જેવી નિર્મળ બ્રહ્માકાર બુદ્ધિ-વાળા" થઈને,
જેવા (જે મૂળ બ્રહ્મ-સ્વરૂપ-રૂપ) છો તેવા જ પરબ્રહ્મમય થજો,
એટલે તમે પૂજ્ય-પણાને પ્રાપ્ત થશો.
કારણકે-જે પુરુષ હૃદયમાંથી સઘળી વાસનાઓને ત્યજીને અભિમાન થી રહિત થઈને રહે છે,તે જ મુક્ત છે.
અને તે જ પરમેશ્વર છે.તે પુરુષ સમાધિ ના કરે અને કર્મો કર્યા કરે તો પણ મુક્ત જ છે.

જેનું મન વાસનાઓથી નિર્મૂળ થઇ ગયું હોય તેવા પુરુષ ને કર્મો છોડી દેવાનું કોઈ પ્રયોજન નથી,
સમાધિ કરવાનું કોઈ પ્રયોજન નથી,અને જપ કરવાનું પણ કોઈ પ્રયોજન નથી.
મેં શાસ્ત્રોનો અત્યંત વિચાર કરીને તથા તે વિચારને બીજા મહાત્માઓના વિચાર સાથે મેળવીને -
એ જ નિશ્ચય કર્યો છે-કે-"બુદ્ધિ-પૂર્વક સઘળી વાસનાઓને છોડી દેવા-રૂપ-મુનિ-પદ"  એ ઉત્તમ છે.

દશે દિશાઓમાં ભમી-ભમીને સઘળું જોવાનું જોઈ લીધું છે પણ છેવટે એમ જાણવામાં આવ્યું છે-કે-
ખરા તત્વને જાણનારા લોકો બહુ થોડા જ છે.
જે જે કંઈ આ જગતમાં જોવામાં આવે છે તે સર્વ-ત્યાજ્ય અને ગ્રાહ્ય-ની પંક્તિ થી જુદું નથી,અને
જે (ત્યાજ્ય-ગ્રાહ્ય થી) જુદું છે-(બ્રહ્મ) તેને પામવાનો કોઈ પણ પુરુષ બહુ પ્રયત્ન કરતો નથી.

જે જે લૌકિક કે વેદિક (યજ્ઞો-વગેરે) ક્રિયાઓ કરવામાં આવે છે-તે સર્વ દેહને માટે જ કરવામાં આવે છે.
પણ આત્મા ને માટે તેઓમાં (તે ક્રિયાઓમાં) કશું છે જ નહિ.
ત્રણે લોકમાં- બ્રહ્મ નો યથાર્થ અનુભવ કર્યો હોય તેવા કોઈક-થોડાક જ પુરુષો જોવામાં આવે છે.
આત્મા ના અજ્ઞાનથી ઉઠેલા "આ ત્યાજ્ય છે અને આ ગ્રાહ્ય છે" એવા બે નિશ્ચયો જેના ગળી ગયા છે,
એવો જ્ઞાની પુરુષ અત્યંત દુર્લભ છે.

ત્રણે લોક (પાતાળ-પૃથ્વી-સ્વર્ગ) માં સર્વત્ર પંચમહાભૂત જે છે અને તે પંચમહાભૂતો પણ વાસ્તવિક રીતે
જોતાં તો મિથ્યા જ છે,માટે આત્મવેત્તા પુરુષને આત્મા સિવાય બીજા કયા પદાર્થમાં રુચિ થાય?
આવા આત્મા નું અનુસંધાન રાખીને વ્યવહાર કરનારા જ્ઞાની પુરુષને સંસાર-એ "ગાય ના પગલામાં થયેલા
ખાબોચિયા"જેવો લાગે છે (કે જેમાં ડૂબી ના શકાય) પણ જે આત્મા નું અનુસંધાન કર્યા વગર વ્યવહાર કરે છે-
તેમને સંસાર તોફાની સમુદ્ર જેવો લાગે છે (જેમાં તે ડૂબી જાય છે)

ઉદાર ચિત્ત-વાળા જ્ઞાની પુરુષને આખું બ્રહ્માંડ અલ્પ અને તુચ્છ લાગે છે,
માટે જો તે જ્ઞાનીને ભલે તે બ્રહ્માંડ નું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ-
તેમાં દાન-ભોગ-વગેરે ની વાસના રાખતો જ નથી.
હે,રામ,મૂઢ બુદ્ધિ-વાળા પુરુષો તો નાના રાજ્ય ને માટે જ મોટાંમોટાં યુદ્ધો કરે છે
કે જેમાં,લાખો યોદ્ધાઓ કપાઈ જાય છે-તેવું રાજ્ય ધિક્કારવાને યોગ્ય જ છે-એમ હું માનું છું.

કારણ કે-જો બ્રહ્માનું પદ (અને રાજ્યકે સહુ થી મોટું  છે તે) પણ જે એક કલ્પ-માત્ર ના સમયમાં  જતું રહે છે
તો તેવું નાનું રાજ્ય તો ક્યાં સુધી રહેવાનું છે? તેને પામવાની કે તેના વિનાશ ની ચિંતા શી?
માટે જ તત્વવેત્તાઓ તો બ્રહ્માંડના પદ ની પણ ઈચ્છા રાખતા નથી.
જો કે-તે તત્વવેત્તાની દ્રષ્ટિમાં તો-સઘળા બ્રહ્માંડનો કોઈ પણ પદાર્થ જરા પણ ઉત્પન્ન થયો જ નથી
તો-તેવો તુચ્છ પદાર્થ (બ્રહ્માંડ) મળતાં તેને આનંદ શો? કે તે ઘુમાવતાં -તેને શોક શો?

જેમ,ઝાંઝવાનું જળ,સૂર્ય ના પ્રકાશ ની અપેક્ષા કરીને સિદ્ધ થાય છે (બને છે) પણ સૂર્ય ને ઝાંઝવાના જળની
કોઈ અપેક્ષા હોતી નથી,તેમ,તત્વવેત્તાના પ્રકાશ ની અપેક્ષા રાખીને સિદ્ધ થતું જગત જ તત્વવેત્તાની અપેક્ષા કરે છે પણ તત્વવેત્તા તો પૂર્ણાનંદ માં મગ્ન હોવાને લીધે-જગતને જોતો નથી (તેને જગત થી કોઈ અપેક્ષા નથી) તેને તો જગત શૂન્ય જ પ્રતીત થાય છે.અને ભોગો થી તે ચલાયમાન થતો નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE