Jan 21, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-396

આ સંસારમાં અવતરતા માણસોને જંગલી ઝાડનાં પાંદડાંની જેમ,(અનેક જન્મો ને લીધે) પિતાઓ-માતાઓ-અનંત થઇ જાય છે.
જો- આમ છે તો સંસારમાં દુઃખનું અને સુખનું શું પ્રમાણ છે?
માટે જ-હવે આપણે સઘળા શોકને છોડી દઈને સ્વસ્થ-પણા થી રહીએ.
મનમાં "હું" એવા આકારથી રહેલી સંસારની ભાવના છોડી દઈને,આત્મવેત્તા પુરુષો જે ગતિને પ્રાપ્ત થાય છે,તે ગતિને તું પણ પ્રાપ્ત થા.તારું ભલું થાઓ.

બુદ્ધિમાન પુરુષો,આ સંસારમાં "ચડતી-ઉતરતી-સ્થિતિઓ-રૂપી-અવિચ્છીન-ભ્રમણ" ને મિથ્યા સમજે છે.અને મનમાં તેની કોઈ ખટપટ રાખતા નથી.તેઓ તો કેવળ નિરાભિમાન-પણાથી જ વ્યવહાર કરે છે.
તારો આત્મા સુખ-દુઃખથી રહિત છે,અને જરા-મરણ થી રહિત છે,
માટે,તું એકાગ્ર થઈને તેનું (આત્માનું) જ સ્મરણ કર,અને મૂઢ મનવાળો થા નહિ.
હે,સારી બુદ્ધિવાળા,તને દુઃખ પણ નથી અને જન્મ પણ નથી,માતા પણ નથી અને પિતા પણ નથી.
તું દેહાદિક-રૂપ તુચ્છ પદાર્થ નથી,તું તો "આત્મા" જ છે.

આ સંસાર-રૂપી નાટકમાં અનેક પ્રકારની ચેષ્ટાઓ કરનારા "મૂર્ખ-લોકો-રૂપી-પાત્રો" જ
"દેહાદિક-રૂપી-વેશ"ના રસથી સંયુક્ત (ઓત-પ્રોત) થઇ જાય છે.
પણ મધ્યસ્થ દૃષ્ટિવાળા,આત્મસ્વરૂપ ના અનુસંધાન થી રહેનારા,
અને આવી પડેલાં કાર્યો ને જ કરનારા (મહાત્માઓ-રૂપી-જોનારાઓ) તો સાક્ષી-પણાની પદ્ધતિથી જ રહે છે.

જેમ,સાયંકાળના દીવાઓ-માત્ર સામીપ્ય ને લીધે જ પ્રકાશના કર્તા હોવા છતાં
પણ વ્યાપારથી રહિત (પ્રકાશ ફેલાવવો તે તેમનો વ્યાપાર નથી) હોવાને લીધે,અકર્તા જ છે,
તેમ, આત્મવેત્તા લોકો શરીરના વ્યવહારથી કરતા હોવા છતાં પણ
મનમાં અભિનિવેશથી રહિત (મનથી તે કાર્ય કરતા ના હોવાને લીધે) હોવાને લીધે અકર્તા જ છે.

જેમ,દર્પણ અને રત્ન આદિ પદાર્થોમાં પ્રતિબિંબોનું ગ્રહણ કરવા છતાં,પોતે પોતામાં પ્રતિબિંબિત થતા નથી,
તેમ,આત્મવેત્તા પુરુષો શરીરથી સઘળાં કાર્યો કરવા છતાં પણ શરીરમાં આસક્તિ રાખતા નથી.
હે,ભાઈ,તું મન ને સઘળી તૃષ્ણાઓ-રૂપી-કલંક થી રહિત કરી દે.તેને આત્મ-મનન કરવાની બહુ ટેવ પાડ,અને,એને (એ મન ને) હૃદય-કમળમાં આત્માથી જુદી સત્તાવાળું ધાર.
આમ સઘળા સંભ્રમને સંપૂર્ણ રીતે ત્યજી દઈને તું પોતામાં જ સંતોષ ધારણ કર.

(૨૧) તૃષ્ણા-આશાનો ક્ષય થાય એજ મોક્ષ છે

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,તે સમયે પુણ્યે,પાવનને આમ સમજાવ્યો,એટલે તે જ્ઞાન-યુક્ત થયો.
પછી કોઈ નિંદાને પાત્ર-રૂપ નહિ થયેલા,એ બંને ભાઈઓ જ્ઞાન અને અનુભવના પાર ને પહોંચ્યા,
શરીરના પ્રારબ્ધ નો ક્ષય થવા સુધી,તેઓ જીવનમુક્ત-પણાથી વનમાં ફર્યા,
પછી કેટલાક કાળે પ્રારબ્ધ નો સંપૂર્ણ ક્ષય થયો,ત્યારે -
જેમ,તેલથી રહિત થયેલા દીવાઓ શાંત થઇ જાય તેમ,એ બંને ભાઈઓ નિર્વાણ પદને પ્રાપ્ત થયા.

હે,રામ,આ પ્રમાણે પૂર્વે ભોગવેલા દેહોના સંબંધીઓ-આદિ-અસંખ્ય હોય છે,તો તેમાંથી કોનો શોક કરવો?
માટે આ અનંત તૃષ્ણાઓ નો ત્યાગ કરવો એ જ સુખ નો ઉપાય છે.
તૃષ્ણાઓને વિષયોના સંપાદનથી વધારવી એ સુખ નો ઉપાય નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE