Feb 2, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-408

ચૈતન્ય-રૂપ,દૃશ્યોથી રહિત,સઘળી કલ્પનાઓને અનુસરતા સ્વરૂપવાળું,
અને દીવાની પેઠે સર્વને પ્રકાશ આપનારું,જે પરબ્રહ્મ (ચૈતન્ય) છે -તે હું પોતે જ છું,હું તેને પ્રણામ કરું છું.
દૃશ્યો (જગત)થી રહિત-કેવળ ચૈતન્ય-રૂપ,એકી વખતે સર્વમાં ભરપૂર થઈને રહેલું,અને જેમાં મનની વૃત્તિઓથી જાણી શકાય એવા પદાર્થો મુદ્દલે છે જ નહિ,એવું જે સર્વથી મોટું સદા આનંદ-સ્વ-રૂપ છે,તે હું છું,હું તેને પ્રણામ કરું છું.

હું આકાશની પેઠે,અંતથી રહિત છું,વ્યાપક છતાં પણ સૂક્ષ્મથી સુક્ષ્મ છું,
અને સુખદુઃખોની દશાઓના કોઈ પણ દેખાવો મને પ્રાપ્ત થતા નથી.
હું અનુભવ-રૂપ છું,સર્વ જ્ઞેય-પદાર્થોથી ભિન્ન છું,દૃશ્યો-રહિત છું,વ્યાપક છું,અને સર્વને પ્રકાશિત કરનાર છું.
મારામાં કેવળ કલ્પનાથી પ્રતિત થયેલા,
જગત-સંબંધી સાચા-કે-ખોટા કોઈ પણ પદાર્થો વિભાગ પાડી દેવાને સમર્થ નથી.
કદાચ, જગત સંબંધી પદાર્થો થી મારામાં વિભાગ પડી જતા હોય,
તો પણ એ પદાર્થો મારાથી જુદી સત્તા-વાળા નથી,માટે તેમણે પડેલા વિભાગો હું સ્વીકારી લઉં છું.

(જો કે) એવા કલ્પિત વિભાગો પડવાથી મને કશી હાનિ નથી.
પોતાના સ્વ-ભાવ-રૂપ એવી કોઈ વસ્તુ,જો એવી જ બીજી કોઈ વસ્તુને લઇ જાય,હરી જાય કે આપી દે-
તો તેમાં કોઈનું શું કશું જાય છે?
જેમ,એક મનુષ્યના ડાબા હાથમાં રહેલા ધન ને તે જ મનુષ્ય નો જમાનો હાથ લઇ લે,હરી લે કે ફરીને પાછું આપે-તો પણ તે મનુષ્યને કોઈ હાનિ નથી,
તેમ મારામાં કલ્પાયેલા પદાર્થોમાં પરસ્પર ગમે તેવી ગરબડ થાય તો પણ -તેથી મને કશી હાનિ થતી નથી.

હું તો સર્વકાળમાં અખંડિત રહેનાર છું,સર્વરૂપ છું,સર્વ નો કરનાર છું,અને સર્વમાં રહેલો છું.
જે કંઈ આ દ્રશ્ય (જગત) છે તે હું જ છું એટલે મારામાં બીજું કંઈ નવું થયું જ નથી.
હું, એક અખંડ ચૈતન્ય છું,માટે સંકલ્પ-વિકલ્પોથી મારામાં કંઈ વધી જાય તેમ નથી કે ઘટી જાય તેમ પણ નથી.હું જ અજ્ઞાનથી જગત-રૂપે ક્ષોભ પામું છું અને હું જ તત્વ-બોધ થી શાંત થઇ જાઉં છું.

મહાવિદ્વાન બલિરાજાએ આ પ્રમાણે વિચાર કર્યો અને
"ॐ-કાર ની છેલ્લી અર્ધ-માત્રાના અર્થ-રૂપ તુરીય-પદનો"
પોતાના આત્મા-રૂપે અનુભવ કરતાં કરતાં તે સમાધિસ્થ થઇ ગયો.
તેના સર્વ સંકલ્પો શાંત પડી ગયા,દ્વૈતના અનેક વિભાગો નો દેખાવ બંધ પડી ગયો.
નિઃશંક રીતે ધ્યાતા-ધ્યેય અને ધ્યાન-આદિની સર્વ ત્રિપુટીઓ દૂર ફેંકાઈ ગઈ,તેની વાસનાઓ શાંત થઇ ગઈ,અને તે નિર્મળ થઇ ગયો.આમ,એ બલિરાજાને પરમ-પદ નો સાક્ષાત્કાર થયો.
વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની જેમ તે નિશ્ચલ થયો.તેનું મન સારી રીતે શાંત થઇ ગયું,
અને,પથ્થરના કોતરાયેલા પુરુષની જેમ,તે ઘણા કાળ સુધી સ્થિર રહ્યો.

જેમ,વાદળાંઓથી રહિત થયેલું શરદ-ઋતુ નું આકાશ સ્વચ્છતાથી શોભે,
તેમ,દ્વૈત ના વિભાગોથી રહિત થયેલો,બલિરાજા "સઘળી તૃષ્ણા શાંત થવાને લીધે-પરિપૂર્ણતાવાળી"
અને "વિષયોના મનન-રૂપી દોષોથી રહિત થયેલી"  એવી નિર્મળ બ્રહ્મ-સત્તાથી શોભવા લાગ્યો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE