Feb 5, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-411

બલિરાજાના રાજ્ય ની આણ સઘળા લોકો પર ચાલતી હતી,અને એ રાજ્યમાં બલિરાજા દિવસે દિવસે ચડતી દશાને પામતો ગયો.અને કોઈ દિવસે તેને યજ્ઞ કરવાની બુદ્ધિ થઇ,એટલે તેણે શુક્રાચાર્ય આદિ મુખ્ય બ્રાહ્મણોને સાથે રાખી અને અશ્વમેઘ નામનો મોટો યજ્ઞ કર્યો.
એ યજ્ઞમાં સઘળા લોકો ને તૃપ્ત કરવામાં આવ્યા,તેથી, દેવતાઓએ તથા ઋષિઓએ તેની ઘણી પ્રશંસા કરી.

"બલિરાજા ભોગોના સમૂહની ઈચ્છા-વાળો નથી" એમ નિશ્ચય કરીને-
સિદ્ધિ-દાતા વિષ્ણુ,બલિરાજાને ધાર્યા પુરુષાર્થ ની સિદ્ધી આપવા માટે,
વામન-રૂપ ધારણ કરીને તેના યજ્ઞમાં પધાર્યા.
માગવાની ચાતુરીને જાણનારા,એ વિષ્ણુએ,
ભોગોમાં જ આસક્ત થઈને રહેતા,એવા ઇન્દ્રને જગત-રૂપી જંગલનો એક ટુકડો(સ્વર્ગ) દેવા સારું,
માયાના બળથી બલિરાજા ને છેતર્યો.
ત્રણ પગલામાં ત્રણ લોકો ને ભરી લઈને,જેમ,વાંદરાંને ભોયરા માં બાંધે,તેમ બલિરાજાને પાતાળમાં ચાંપ્યો.

હે,રામ,જીવનમુક્ત થયેલો એ બલિરાજા,"પાછી ઇન્દ્રની પદવી ભોગવવાનું પોતાનું પ્રારબ્ધ" હોવાને લીધે,
સ્વસ્થ-પણાથી પાતાળમાં રહ્યો છે,અને તેની બુદ્ધિ નિત્ય સમાધિમાં ગલિત થયા કરે છે.
સંપત્તિ અને વિપત્તિને તે સમ-દૃષ્ટિ થી જોયા કરે છે.
સમતા પામેલી તેની બુદ્ધિ,,દુઃખમાં અસ્ત પામતી નથી કે-સુખમાં ઉદય પામતી નથી.
આ જગતમાં પ્રાણીઓના-અહી- વૈભવોના હજારો આવિર્ભાવ અને હજારો તિરોભાવ-થયા કરે છે,
તેમને લાંબા કાળ સુધી જોઈને,બલિરાજાનું મન ભોગોમાં વૈરાગ્ય પામેલું છે.
દશ કરોડ વર્ષો સુધી ત્રૈલોક્ય નું રાજ્ય કરીને,અંતે વિરક્ત થઈને તેનું મન શાંત થયું છે.

બલિરાજાએ સુખ-દુઃખોનાં આવવાં- જવાં હજારો વાર જોયેલાં છે.અને હજારો સંપત્તિઓ અને વિપત્તિઓ જોયેલી છે.માટે,હવે તે બલિરાજા કયા પદાર્થ ને સ્થિર ગણીને તેની સ્પૃહા રાખે?
બ્રહ્માકારપણાથી ભરપૂર થયેલા મનવાળો એ બલિરાજા ભોગોની અભિલાષાને ત્યજી દઈને સર્વદા,
આત્મા-રામ-પણાથી પાતાળના પ્રદેશમાં રહ્યો છે.

હે,રામ,હજુ,ફરી,એ બલિરાજા,ઇન્દ્રપણું પામીને ઘણાં ઘણાં વર્ષો સુધી આ ત્રૈલોક્યનું રાજ્ય કરનાર છે.
પણ,એ બલિરાજાને ફરીથી ઇન્દ્રના પદની પ્રાપ્તિ થી મનમાં કોઈ હર્ષ થતો નથી,
અને હમણાં તે (ઇન્દ્ર)પદમાંથી ભ્રષ્ટ થઈને બેઠો છે,તેથી તેના મનમાં કોઈ શોક થતો નથી.
તે સઘળા પદાર્થોમાં "સમાન દૃષ્ટિ" (સમતા) રાખે છે,સર્વદા સંતુષ્ટ ચિત્ત-વાળો છે,
તે,પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવે છે,અને પ્રાપ્ત નહિ થયેલા ભોગોની ઈચ્છા કરતો નથી.
અને આકાશની જેમ "નિર્લેપ-પણા" થી રહે છે.

હે,રામ,બલિરાજાને જે પ્રકારથી (વિચારથી) જ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી,તે પ્રકાર મેં તમને કહી સંભળાવ્યો.
તમે પણ એવા જ વિચારો રાખીને જીવનમુક્તિની ચડતી દશાને પામો.
હે,રામ, તમે પણ બલિરાજાની જેમ,વિવેક થી "હું અવિનાશી પરમાત્મા છું"એવો નિશ્ચય રાખીને,
પુરુષ-પ્રયત્નથી જ અદ્વૈત-પણાને પ્રાપ્ત થાઓ.
બલિરાજાને દશ કરોડ વર્ષો સુધી ત્રૈલોક્ય નું રાજ્ય ભોગવ્યા પછી અંતે તો ભોગોમાં અરુચિ પ્રાપ્ત થઇ હતી.
આથી તમે પણ અંતે અવશ્ય દુઃખ દેનારા ભોગો ના સમુહને (મનથી) ત્યજી દો.
અને જેમાં દુઃખનો સંભવ જ નથી,તેવા પરમ-આનંદ-રૂપ-સત્ય-પદ-ને પ્રાપ્ત થાઓ.

હે,રામ,અનેક પ્રકારના રાગ-દ્વૈષાદિક વિકારો આપનારા દૃશ્ય-પદાર્થો ને રમણીય સમજવા નહિ.
જેમ ડુંગરા દુરથી રળિયામણા લાગે છે,પણ પાસે જતાં બિહામણા લાગે છે,
તેમ,સઘળા ભોગ્ય પદાર્થો પણ,પ્રાપ્તિના સમયમાં જ સુખદાયક  લાગે છે,પણ અંતે બહુ દુઃખ આપનારા છે.
આ મન,જ આ લોકના અને પરલોકના ભોગોમાં દોડ્યા કરે છે,અને પામર ચેષ્ટાઓમાં લોટ્યા કરે છે,
માટે,તમે તેને બાંધી લઈને હૃદય-રૂપી ગુફામાં જ રાખી (પૂરી) મૂકો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE