Feb 11, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-417

ભગવાન (વિષ્ણુ) કહે છે કે-હે,દેવતાઓ,પ્રહલાદ ભક્તિવાળો થયો છે,એ વિષયમાં તમે ખેદ પામો નહિ.કેમ કે તે અરિદમન,પ્રહલાદ મોક્ષને જ યોગ્ય છે,તેનો આ છેલ્લો જ જન્મ છે.
જેમ બળી ગયેલું,બી ફરીવાર અંકુરને પામતું નથી,તેમ એ પ્રહલાદ હવે ગર્ભવાસમાં જવાનો જ નથી.
સદગુણો-વાળો પુરુષ સદગુણોથી રહિત થઇ જાય તો એ અનર્થ ની વાત કહેવાય છે,પણ દુર્ગુણોવાળો પુરુષ સદગુણોવાળો થાય તો એ વાત ઉત્તમ ગણવામાં આવે છે.હે,દેવો તમે પોતપોતાના સ્થાનમાં જાઓ,પ્રહલાદમાં જે ગુણવાન-પણું થયું છે તેનાથી તમને દુઃખ થવાનું નથી.(એટલે કે-તમારા સ્વર્ગના સ્થાનને કોઈ ખતરો નથી !!)

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,આવું વચન  કહીને વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરના તરંગો માં અંતર્ધાન થઇ ગયા.
અને દેવતાઓ પાછા સ્વર્ગ માં ગયા.ત્યાર પછી દેવતાઓ પ્રહલાદના સ્નેહી મિત્રો થઇ ગયા,
કેમકે-મોટા પુરુષને જેની પર વિશ્વાસ હોય,તેના પર બાળકોનું મન પણ વિશ્વાસ રાખે તે સ્વાભાવિક જ છે.

અત્યંત ભક્તિવાળો,પ્રહલાદ તો એ જ રીતે-મનથી ક્રિયાથી અને વચનથી,
દેવાધિદેવ શ્રીવિષ્ણુ નું જ પૂજન કરવામાં તત્પર રહેવા લાગ્યો.
પૂજનમાં તત્પર રહેનારા એ પ્રહલાદના વિવેક,સંતોષ,વૈરાગ્ય-આદિ સદગુણો કાળે કરીને વૃદ્ધિ પામ્યા.

જેમ,સુકાયેલા ઝાડને જોઈને કોઈ રાજી થાય નહિ તેમ,પ્રહલાદ ભોગોના સમુહને જોઇને રાજી થતો નહોતો.
વળી તે પ્રહલાદને મિત્ર,પુત્ર,સ્ત્રીમાં કે લોકચર્ચામાં પણ રુચિ ના રહેતાં,
કેવળ શાસ્ત્રાર્થના કથનમાં જ રુચિ ઉત્પન્ન થઇ.તેને ઉત્સવ-આદિ કૌતુકમાં (ક્રિયાઓમાં) પણ રુચિ રહી નહિ,
હવે,તેનું મન ભોગો-રૂપી રોગોના સંબંધ માં પરોવાયેલું નહોતું.

આમ,તેનું ચિત્ત,ભોગાદિની કલ્પનાથી રહિત થયેલું હોવા છતાં,પણ બ્રહ્મ-વિદ્યા-રૂપી વિશ્રાંતિમાં પહોંચ્યું નહોતું,
તેથી તે ચિત્ત,વચમાં રહેવાને લીધે,જાણે હિંડોળામાં હિચકતું હોય તેવી સ્થિતિમાં રહ્યું હતું.
ભગવાન વિષ્ણુએ  પોતાની સર્વ-વ્યાપક અને શુદ્ધ સત્વાત્મક જ્ઞાન-શક્તિથી પ્રહલાદની તે સ્થિતિને જાણી,
એટલે ભક્ત લોકોને આનંદ આપનારા,શ્રી વિષ્ણુ પ્રહલાદના પૂજન કરવાના દેવાલયમાં પ્રહલાદના આવ્યા પહેલાં જ પધાર્યા.દૈત્યોના મોટા રાજા,પ્રહલાદે કમળ-સમાન નેત્રોવાળા વિષ્ણુ ભગવાન ને પધારેલા જાણીને,બમણા ઉપચારોથી સમૃદ્ધ કરેલી પૂજા વડે પ્રેમ-પૂર્વક તેમનું પૂજન કર્યું,પ્રહલાદ અતિ પ્રસન્ન થયો અને ભક્તિભરી વાણીથી તેમની સ્તુતિ કરવા લાગ્યો.

વસિષ્ઠ કહે છે કે-આમ,હે રામ,પ્રહલાદે ઘણા ઘણા ગુણોવાળી સ્તુતિઓ કરીને પૂજન કર્યું-એટલે જેમ રાજી થઈને, મેઘ,મયુરને પ્રત્યુત્તર આપે છે,તેમ,રાજી થઈને વિષ્ણુએ,પ્રહલાદને, નીચે પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો.

(૩૪) પ્રહલાદે પોતાનું સચ્ચિદાનંદ સ્વરૂપ જોયું

ભગવાન કહે છે કે-હે ગુણો ના ભંડાર-રૂપ દૈત્ય-કુળના મોટા શિરોમણિ-રૂપ,
તું મારી પાસેથી જોઈતું વરદાન માગી લે,એટલે ફરી જન્મો થવાનું દુઃખ શાંત જ થઇ જાય.

પ્રહલાદ કહે છે કે-હે, સઘળા સંકલ્પોના ફળોને આપનારા,અંતર્યામી પ્રભુ,
આપના ધારવામાં જે વરદાન સઘળી દીનતાઓનું નિવારણ કરનારું હોય,તે જ વરદાન મને આપો.
ભગવાન કહે છે કે-હે,નિર્દોષ પ્રહલાદ,"બ્રહ્મ ના સાક્ષાત્કાર-રૂપ વિશ્રાંતિ મળવા સુધીનો વિચાર" કરવાથી જ અનર્થોની અત્યંત નિવૃત્તિ થાય છે,અને પરમાનંદની પ્રાપ્તિ થાય છે,માટે તેનો "વિચાર" તને પ્રાપ્ત થાઓ.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,પ્રહલાદ ને એટલું  વચન કહીને વિષ્ણુ ભગવાન અંતર્ધાન થઇ ગયા.
ત્યારે પ્રહલાદે,પૂજામાં મણિઓથી  તથા રત્નો થી શણગારેલી ચિલી પુષ્પાંજલિ આપી,
અને પ્રેમ થી ઉત્તમ પદ્માસન વાળીને,ચિત્ત થી આ પ્રમાણે ચિંતવન કરવા માંડ્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE