Feb 23, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-429

પ્રહલાદ સ્વગત કહે છે કે-
હે,આત્મા, જેમ વડ, એ બીજમાં જ હતો,બીજમાં જ છે અને બીજમાં જ રહેશે,તેમ,તું કે જે -પરમાણુ કરતાં પણ સૂક્ષ્મ છે,તેમાં જ આ સઘળો બ્રહ્માંડ નો ગોળો હતો,છે અને રહેશે.
જેમ આકાશ,એ વાદળો ને લીધે જુદા જુદા આકારો વાળું દેખાય છે,
તેમ,તું જ આ જગતમાં અસંખ્ય આકારો-રૂપે દેખાય છે.
તું,કે જે,આ દેહ-રૂપી નગરમાં ઘણાઘણા સંકલ્પોથી વિષયોની રચના કરીને,રાજ્ય કરે છે,તેને,જેમ મુઠ્ઠીઓ,આકાશને પકડી શકતી નથી,તેમ (તને) સુખો કે દુઃખો પકડી શકતાં નથી.

હવે તો તું,ઇન્દ્રિયો-રૂપી દુષ્ટ ઘોડાઓને અને  મન-રૂપી મદોન્મત હાથીને-જીતીને તથા ભોગ-રૂપી શત્રુને ચારે બાજુથી ભાંગીને ચક્રવર્તી-પણું (રાજ) કરે છે.
જેમ,સૂર્ય અપાર આકાશમાં માર્ગ કર્યા કરે છે,તેમ,હવે,તું,પોતાના અપાર-સ્વ-રૂપ માં જ ગતિ કર્યા કરે છે.અને,જેમ,સૂર્ય નિત્ય અસ્ત અને ઉદય પામે છે -તેમ,તું જગત-રૂપે નિત્ય અસ્ત અને ઉદય પામે છે.
(જો કે) તે સૂર્ય તો માત્ર બહાર જ પ્રકાશ કરે છે,પણ તું તો બહાર અને અંદર -બધે ય પ્રકાશ કરે છે.

જેમ,સૂતેલા પતિને,કામનાવાળી સ્ત્રી,ભોગની લીલાઓ કરવા જગાડે છે,
તેમ,તું કે જે સર્વદા સૂતેલો જ છે (સંકલ્પો થી રહિત જ છે)
તેને,કામના-વાળી "શક્તિ" ભોગની લીલાઓ કરવા જ જગાડે છે.(સંકલ્પો કરાવે છે)
"ઇન્દ્રિયો ની વૃત્તિઓ-રૂપી-મધમાખીઓ"એ આણેલા,"વિષયો-રૂપી-મધ"ને,
તું "ઇન્દ્રિયોનાં ગોલકો-રૂપી ગોખો"માં રહેલી "ચૈતન્ય-શક્તિ" થી સ્વીકારીને દૂરથી જ પીએ છે.

પ્રાણ-અપાન-વાયુઓને રોકવાના અભ્યાસમાં તત્પર રહેનારા યોગીઓ,દેહમાં ક્ષણે-ક્ષણે અનેક પ્રકારની નાડીઓમાં -જવા-આવવાના અભ્યાસો કરીને,તે અભ્યાસો ને લીધે,બીજાં "બ્રહ્માંડો-રૂપી-કોતરો" માં જાય છે,
તે સમયમાં ત્યાં જવાના સુષુમણા આદિ-માર્ગો તેઓના જોવામાં આવે છે,તે તારા પ્રકાશ થી જ જોવામાં આવે છે.

સર્વ પ્રાણીઓના શરીરમાં ગર્વ (અભિમાન) ના નિમિત્ત-રૂપી જે રસ છે,તે રસમાં- તું,
"શરીર-રૂપી દુધમાં ઘી-રૂપે"રહેલો છે,એટલે, તું જો અભિમાનનો ત્યાગ કરે,તો એ રસમાં કસ રહેતો જ નથી.
તું જ સઘળા વાયુઓની ગતિ-રૂપે છે,તું જ 'મન-રૂપી હાથી'ને મદની પેઠે ભ્રાંતિનું 'નિમિત્ત' છે,
અને તું જ 'બુદ્ધિ-રૂપી-અગ્નિની જવાળા'ની તીક્ષ્ણતાનું તથા પ્રકાશનું 'નિમિત્ત' છે.

મરણમાં,મૂર્છામાં,તથા સ્વપ્નમાં વાણી બંધ પડી જાય છે,તે પણ તું બંધ પાડે -તેથી જ બંધ પડે છે,
જયારે બીજી અવસ્થામાં (જાગ્રત માં) વાણી,ક્યાંયથી ય (તારાથી જ) દીવાની પેઠે ઉદય પામે છે.
જેમ,સોનામાં, હાર-વગેરે ઘરેણાં ની રચનાઓ ઉદય પામે છે,
તેમ તારામાં સંસાર સંબંધી સઘળા પદાર્થો ની પંક્તિઓ ઉદય પામે છે.

"આ તું અને આ હું"વગેરે શબ્દોથી,તું જ લીલા કરવા,પોતે,પોતાથી,પોતાને જ (આ વાક્ય) કહે છે.
અને તું જે કોઈનાં વખાણ કરે છે,તે પણ લીલા કરવા -પોતાનાં જ વખાણ કરવા માટે જ કરે છે.
જેમ,આકાશમાં મંદ પવનથી ચલાયમાન થયેલો મેઘ (વાદળો) જુદા જુદા આકારોથી દેખાય છે,
તેમ તું જ પોતાથી અભિન્ન એવા સૃષ્ટિ-સબંધી પદાર્થોના આકારોથી દેખાય છે.

તે પદાર્થો માં તું ના હોય તો-તે પદાર્થો ની શોભા કદાચ હોય -તો પણ ના હોવા જેવી જ છે.
તે પદાર્થો ભલે દેખાતા હોય,પણ જ્યાં સુધી તેં તેઓને ક્રિયા-શક્તિ આપી ના હોય ત્યાં સુધી,તેઓ કશું કરવામાં સમર્થ થતા નથી.એટલે -આ દેહ વિદ્યમાન હોવા છતાં,તારા વિના તે પૃથ્વીમાં ઢેફાંની જેમ અથડાયા કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE