Feb 24, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-430

પ્રહલાદ સ્વગત કહે છે કે-સુખ-દુઃખો નો ક્રમ તને (આત્માને) પ્રાપ્ત થઈને નષ્ટ થઇ જાય છે.
જેમ,અંધકાર નો દીવા સાથે સંબંધ થતાં,અંધકાર જોતજોતામાં નષ્ટ પામે છે,તેમ,તારો સંબંધ થતાં જ,તારી સત્તાથી,જ રહેલા સુખ-દુઃખ-વગેરે જોતજોતામાં જ નષ્ટ થઇ જાય છે.
સુખ-દુઃખો ની ભાવના,ક્ષણભંગુર હોવાને લીધે,જરાવાર પણ તારા સ્વરૂપમાં ટકી શકતી  નથી.જે વસ્તુ,ક્ષણમાત્ર પણ સ્થિર રહે નહિ,તે વસ્તુ કામ કરનારી (સુખ-દુઃખ નું કામ) કેમ થાય?

હે,અનંત પદાર્થોના અધિષ્ઠાન-ભૂત આત્મા,તું વિવેકી પુરુષોના ચિત્તમાં રહીને,આ સુખ-દુખાદિ ગ્રહણ કરે છે ખરો,પરંતુ,ગ્રહણ કરવા છતાં તું સમતા છોડતો નથી-જયારે,
અવિવેકી પુરુષોના ચિત્તમાં તો અનંત અને અનિયત વાસનાઓ હોય છે,તો તેવા ચિત્તમાં તારી કેવા પ્રકાર ની સ્થિતિ થાય છે? તેનું વર્ણન આપવામાં,મારી વાણી સમર્થ નથી.

તું,કે જે,વ્યાપારથી,અંશોથી અને અહંકારથી પણ રહિત છે,
તેણે જાગ્રતમાં અને સ્વપ્નમાં નકામું કર્તા-પણું સ્વીકારી લીધું છે.
અવિવેક ની દૃષ્ટિથી -ઘણા ફેલાયેલા આકારે જણાતા,પણ,
વિવેક ની દૃષ્ટિથી દ્વૈત-વિનાના શાંત જણાતા,હે,આત્મા, તારો જય હો.
અવિવેક-દૃષ્ટિથી જન્મ-વાળા,સંકલ્પો વાળા અને ખંડિત જણાતા,પણ,
વિવેક-દૃષ્ટિથી,જન્મ-રહિત,સંકલ્પ-રહિત અને અખંડિત એવા હે,આત્મા તારો જય હો.

વિવેક-દૃષ્ટિથી મન ના અવિષય-રૂપ જ જણાતા,હે,આત્મા,તારો જય હો.
હું તારા દર્શન થી પ્રફુલ્લિત થાઉં છું,શાંત થાઉં છું,સ્થિર થાઉં છું અને જ્ઞાન-સ્વ-રૂપ થાઉં છું.
જીવન-મુક્તિ-રૂપી જય ને પ્રાપ્ત થયેલો હું,બાકી રહેલા પ્રારબ્ધ ને જીવી લેવા માટે જીવું છું.
હું (મારો આત્મા) કે જે તું-રૂપ છે,અને તું કે જે હું-રૂપ (મારા આત્મારૂપ) છે -તેને હું પ્રણામ કરું છું.

વિષયો-રૂપી રોગથી રહિત થઈને,વિષયોની વાસનાના રંગથી પણ રહિત થઈને,હું તારામાં જ રહ્યો છું,
માટે મારે બંધન ક્યાંથી? વિપત્તિઓ કે સંપત્તિઓ પણ ક્યાંથી? જન્મ-મરણ પણ ક્યાંથી? હવે કશું રહ્યું નથી,
એટલે,હવે હું અવિચળ શાંતિને પ્રાપ્ત થાઉં છું.

(૩૭) પ્રહલાદ ની સમાધિ-દશા અને રાજા વિનાના દેશની થયેલી દુર્દશા

વસિષ્ઠ કહે છે કે-ઉપર પ્રમાણે ચિંતવન કરતાં કરતાં તે પ્રહલાદ,પરમ આનંદ-રૂપ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થયો,અને પોતાના "સ્વ-રૂપ-રૂપી-સામ્રાજ્ય-પદવી" ને પ્રાપ્ત થયેલો,તે,
જાણે,ચિત્રમાં આલેખાયેલો હોય,તેવો સ્તબ્ધ (સ્થિર) જણાવા લાગ્યો.

એ રીતે,પ્રહલાદને પોતાના ઘરમાં (પાતાળ ના રાજ્યમાં) સમાધિમાં રહેતાં,ઘણો લાંબો કાળ પસાર થઇ ગયો.
જેમ,બીજમાં રહેલા,અંકુરને ઘણું પાણી આપવા છતાં પણ,તેના સમય આવ્યા વિના અંકુર ફૂટતો નથી,
તેમ,સમાધિમાં રહેલા પ્રહલાદને મોટા મોટા દૈત્યોએ જગાડ્યો પણ તે જાગ્યો નહિ.
બાહ્ય-દૃષ્ટિ થી રહિત થયેલો,તે પ્રહલાદ,અસુરો ના નગરમાં,એ રીતે હજારો વર્ષ સુધી અવિચલ (નિશ્ચળ) રહ્યો. પરમ આનંદ-રૂપી દશામાં એક-રસ-પણાથી પરિણામ પામેલો હોવાને લીધે,
તે મરી ગયો હોય,એવો દેખાવા લાગ્યો.

એટલા કાળ સુધી,એ પાતાળનું રાજ્ય,રાજા વિનાનું,રહેવાને લીધે અવ્યવસ્થિત થઇ ગયું.
થોડા બળવાન દૈત્યો,દુર્બળ દૈત્યો ને પીડવા લાગ્યા.ઉદ્વેગ થવાથી કેટલાએક દૈત્યો,જે જે દિશામાં જવાનું યોગ્ય જણાયું તે તે દિશાઓમાં જતા રહેતાં,એટલે બળવાન દૈત્યોએ રાજા વિનાના નગરમાં,પોતાની મરજી આવે તેમ,
વ્યવહાર કરવા લાગ્યા,જેથી તે દૈત્યોના દેશ (પાતાળ) ની રાજા વિના અત્યંત દુર્દશા થઇ ગઈ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE