May 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-513

(૮૧) યુક્તિ અને અનુભવથી ચિત્ત નો અભાવ
વસિષ્ઠ કહે છે કે-હે રામ,"આત્માને જાણવો એ જ ઉત્તમ છે" એમ સમજનારા મહાત્માઓ,ઉપર પ્રમાણે વિચાર કરી,સમજીને વળી નીચે પ્રમાણે પણ વિચાર કરે છે.
ચિત્તે જ "આ સઘળું આત્મા જ છે" એમ સમજીને જગતને ભૂસી નાખ્યું છે,એ વાત સાચી છે-પણ,આ ચિત્ત શામાંથી ઉઠયું હશે?

અહો,જગતની અંદર આવી જવાને લીધે ચિત્ત પોતે પણ ખોટું જ જણાય છે.
ચિત્ત જડ છે અને તે આમ જડ હોવાને લીધે,તે ભ્રાંતિ વિના બીજું કશું નથી.
ચિત્ત અજ્ઞાની ની દૃષ્ટિએ સિદ્ધ છે પણ જ્ઞાનીની દૃષ્ટિ એ અસિદ્ધ જ છે.
જેમ ચકડોળ માં બેઠા હોઈએ ત્યારે,પર્વતો ભમતા દેખાય છે પણ,તેમાંથી ઉતર્યા પછી તેમ થતું નથી,
તેમ,અજ્ઞાન-રૂપી ભ્રમણ શાંત થતા,ચિત્તનો પત્તો પણ મળતો નથી.

આ પ્રમાણે,જોતાં,ચિત્ત મુદ્દલે છે જ નહિ,પણ જે કંઈ છે તે બ્રહ્મ જ છે.
સઘળા પદાર્થોની ભાવનાઓ ચિત્ત થી જ થાય છે,માટે ભાવનાઓને મિથ્યા સમજી હું ત્યજી દઉં છું.
હું સઘળા સંદેહો અને સંતાપોથી રહી થયો છું.હું સઘળી તૃષ્ણાઓ ત્યાગ કરીને જેઓ સ્વભાવિક રીતે છું તેવો જ થયો છું.ચિત્તનો ઉપરામ થતાં,ચપળતા અને તૃષ્ણા આદિ સઘળા દોષો દુર થઇ ગયા છે.

ચિત્ત મરી ગયું,તૃષ્ણા જતી રહી,મોહ-રૂપી પાંજરું તૂટી ગયું,અને અહંકાર નષ્ટ થઇ ગયો,
તેથી હું જાગ્રત અવસ્થામાં -પણ-આ નવી જાગ્રત અવસ્થાને પ્રાપ્ત થયો છું.
જગત શાંત થઈને બ્રહ્મ-રૂપ થઇ ગયું,અને જે દ્વૈત દેખાતું હતું તે સાચું તો હતું જ નહિ-
તો હવે હું જગત સંબંધી કોઈ વિચાર પણ શા માટે કરું?
મિથ્યા પદાર્થ ની આ વાત કરવાનું કોઈ પ્રયોજન પણ નથી રહ્યું.

હું, જેનો આદિ કે અંત નથી અને જેમાં જીવ-પણું નથી તેવા પવિત્ર પદને પામ્યો છું.
અત્યંત શાંત,સૂક્ષ્મ,અવિચલ અને સર્વ-વ્યાપક આત્મા થઈને જ રહ્યો છું.
બહારના કે અંદરના વ્યવહારની જે કોઈ વસ્તુઓ છે-તે વિસ્તીર્ણ બ્રહ્મ જ છે.
જો ચિત્ત  હોય તો પણ ભલે અને ના હોય તો પણ ભલે,મરી જાય તો પણ ભલે અને રહે તો પણ ભલે,
હું,કે જે અખંડ પ્રકાશ-સ્વ-રૂપે પ્રકાશું છું-તેને એ ચિત્ત હોવા ના હોવા-આદિ નો વિચાર કરવાનું શું પ્રયોજન છે?

હું મૂર્ખતા ને લીધે વિચાર કરતો નહોતો,તેથી દેહ-રૂપ થઈને રહ્યો હતો,પણ હવે તો હું,વિચાર કરવાને લીધે,
સર્વ-વ્યાપક પરમાત્મા થયો છું.અને "હવે વિચાર કરનાર કોઈ (બાકી રહ્યો) છે કે નહિ?"
એવો વ્યર્થ જે સંકલ્પ ઉઠે છે તેને પણ હું ત્યજી દઉં છું.
"હું સાક્ષી-રૂપ જ છું" એવો નિર્ણય કરીને,હું શાંત-પણાથી મારા સ્વ-રૂપમાં જ રહું છું.અને ચૂપ થઈ જાઉં છું.

હે રામ, વિવેકી  પુરુષે,ખાતાં,જતાં,સૂતાં,બેસતાં-પણ પોતાની બુદ્ધિ વડે નિરંતર આવો વિચાર જ કરવો જોઈએ.
સ્વસ્થ અને સ્વ-રૂપમાં જ રહેલા,પોતાના ચિત્તથી આવો વિચાર કરીને,જીવનમુક્ત પુરુષો,
કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ નહિ રાખતાં,વ્યવહાર સંબંધી સર્વ કાર્યો કર્યા કરે છે.અને સુખથી વિચરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE