Jun 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-527

(૮૭) વીતહવ્ય મુનિ વિદેહમુક્ત થયા
વસિષ્ઠ કહે છે કે-હે રામ,પછી ઊંચા સ્વરથી ॐ કાર નું ઉચ્ચારણ કરતા એ મુનિ -કલ્પનાઓ-રૂપી-તૃષ્ણાઓની શાંતિના ક્રમથી,છઠ્ઠી અને સાતમી ભૂમિકાને પ્રાપ્ત થઈને પોતાના હૃદયમાં જ બ્રહ્મને પ્રાપ્ત થયા.સંન્યાસી થયેલા એ મુનિએ અકાર,ઉકાર,મકાર અને અર્ધમાત્રા એ ભેદોથી ॐ કાર નું સ્મરણ કરવા માંડ્યું.બ્રહ્મમાં જગતના અધ્યારોપની રીતિથી અને અપવાદની રીતિથી-બ્રહ્માંડની -અંદર રહેલા- અને સંકલ્પોના વિસ્તારથી જ કલ્પાયેલા-બહારના તથા અંદરના-સઘળા સ્થુક-સૂક્ષ્મ ભાગોને ત્યજી દઈને અવિનાશી શુદ્ધ બ્રહ્મ-સ્વ-રૂપ-નું અવલોકન કર્યું,અને જેમ,પવન ગંધનો ત્યાગ કરી દે,તેમ ॐ કાર ના લાંબા ઉચ્ચારણ-રૂપી-તંતુની સાથે  સાથે ,ઇન્દ્રિયોનો તથા શબ્દ આદિ-તન્માત્રાઓનો ત્યાગ કરી દીધો.

જેમ મણિ પોતાના સ્વરૂપમાં ક્ષોભ પામ્યા વિનાનો જ રહે છે,
તેમ,પોતાના સ્વરૂપમાં ક્ષોભ પામ્યા વિના રહેલા પૂર્ણિમા ના ચંદ્રની જેમ શાંત,અચળ,વેગથી રહિત,
અને અત્યંત નિર્મળ જેવા-દેખાવા લાગ્યા.
જો શરદ-ઋતુ નું આકાશ,તેજ તથા અંધકારથી પણ રહિત હોય,સૂર્ય,ચંદ્ર અને તારોથી પણ રહિત હોય,
તો તે આકાશની તે મુનિ ને -તે આકાશની ઉપમા આપી શકાય.

પછી જાણે આકાશમાં ઉઠ્યું હોય તેવું અને સાક્ષીથી સ્ફુરવા લાગેલું કેવળ અંધારું જોતાં,
તે મુનિએ,જેમ સમજુ મનુષ્ય ક્રોધના અંશને પણ છોડી દે છે,તેમ તે અંધારાને પણ છોડી દીધું.
પછી તેજ દેખાવા લાગતાં,તે મુનિએ અડધી પળ સુધી વિચાર કરીને તે તેજને પણ છોડી દીધું.
આ સમયે અંધારું કે પ્રકાશ પણ રહ્યો નહિ,એટલે તેવી અવસ્થાને પ્રાપ્ત થઈને,તે મુનિએ જરાક સ્ફુરેલા,
મન-રૂપી-ખડ ને પણ કાપી નાખ્યું (કે જે મન કલ્પના ના કારણ-રૂપ હતું)

હે રામ,પવન વિનાના દીવાની જેમ,સ્પષ્ટ પ્રકાશવા લાગેલા,પોતાના સ્વ-રૂપનું અવલંબન કરીને,
(કલ્પના વાળા) ચિત્તને અને સર્વને ત્યજી દઈને તે મુનિ કેવળ સાક્ષી-રૂપ જ અવશેષ રહ્યા.
પછી સુષુપ્તિ અવસ્થા જેવા,એ નિર્વિકલ્પ સાક્ષી-પણામાં રહેતાં રહેતાં-
તેમાં જરાવાર સ્થિર થઈને તે મુનિ,વિદેહમુક્તિને પ્રાપ્ત થયા.

વિદેહમુક્ત થયેલા એ મુનિ વિષયોના આનંદ થી રહિત હોવા છતાં પણ આનંદ-રૂપ થયા.
પોતાની ન્યારી-સત્તાથી રહિત છતાં પણ સત્તા-રૂપ થયા.કોઈ નામ-રૂપ વાળા નહિ હોવા છતાં પણ -
"કંઇક છે" એમ કહેવાને યોગ્ય થયા.જ્ઞાનીઓને પ્રકાશ-રૂપ થયા,અજ્ઞાનીઓને અંધારા જેવા થયા,
જડ-ચેતન પદાર્થોના અધિષ્ઠાન-રૂપ થયા અને જેને વાણી પહોંચી શકે નહિ તેવા થયા.

સર્વમાં સમ-પણાથી રહેનારા થયા,વ્યાપક થયા,પરમ પવિત્ર-પદ-રૂપ થયા,
અને સઘળા પદાર્થોની અંદર રહ્યા છતાં પણ સર્વથી રહિત થયા.
જેને શૂન્ય-વાદી "શૂન્ય" કહે છે,બ્રહ્મવાદીઓ "બ્રહ્મ" કહે છે,વિજ્ઞાનવાદીઓ "વિજ્ઞાન" કહે છે,
સાંખ્ય-મત-વાળા "પુરુષ" કહે છે,યોગ મતવાળાઓ "ઈશ્વર" કહે છે,શૈવમતવાળાઓ "શિવ" કહે છે,
કાળવાદીઓ "કાળ" કહે છે,ક્ષણિકવાદીઓ "ક્ષણિક" કહે છે,
અને માધ્યમિક લોકો જડ તથા ચૈતન્યના "મધ્ય-રૂપ" કહે છે -તેવા તે મુનિ થયા.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE