Jul 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-560

(૮) કાર્ય-રૂપ અવિદ્યાનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-આ અવિદ્યા -કે જે -જગતનું કાર્ય છે,તે,સંસાર-રૂપી વનમાં ચૈતન્ય-રૂપ પર્વતની ટોચ પર રહેલી લતા-રૂપે છે. તે કેવી છે? અને ક્યારે ખીલે છે? તે વિષે હું કહું છું તે તમે સાંભળો.

આ અવિદ્યા-રૂપી લતામાં,સુખ-દુઃખ-જન્મ-સ્થિતિ -જ્ઞાન અને અજ્ઞાન-એ ફળો દિવસે દિવસે વધતાં જાય છે.
પોતે જે સંપત્તિ આજે ભોગવે છે,તેથી વધારે ભોગવવા માટે-"રાગ-રૂપી-અવિદ્યા" ઉદય પામે છે,
અને તે અવિદ્યા- યજ્ઞ તથા દાન -વગેરે કરાવીને સુખ આપે છે-
તેજ રીતે-ભોગવવામાં આવતાં દારિદ્ર -આદિ દુઃખમાંથી-ધન ની તૃષ્ણા-આદિ-રૂપી અવિદ્યા ઉદય પામે છે-
અને તે અવિદ્યા-દુષ્ટ વાસનાથી ચોરી-આદિ અધર્મો કરાવીને દુઃખ આપે છે.

જન્મમાંથી પણ અવિદ્યા ઉદય પામે છે,અને પછી તે જ અવિદ્યા (બીજો) જન્મ આપ્યા વિના રહેતી નથી.
સ્થિતિમાંથી પણ અવિદ્યા ઉદય પામે છે અને તે જ અવિદ્યા પાછી સ્થિતિ આપ્યા વગર રહેતી નથી.
અજ્ઞાનથી અવિદ્યા વૃદ્ધિ પામે છે અને તેથી પાછુ અજ્ઞાન-રૂપી ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
તત્વ-વિચારથી જ્ઞાનની વૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને એ વૃદ્ધિ પણ પાછી જ્ઞાનની વૃદ્ધિને જ આપે છે.

અનેક પ્રકારના ઉલ્લાસોવાળું,વાસનાઓ-રૂપી સુગંધથી શોભી રહેલું અને
પ્રાણીઓ-રૂપી પલ્લવો વાળું,આ અવિદ્યા-રૂપી લતાનું શરીર ભારે વધી ગયેલું છે.

દિવસો-રૂપી-પુષ્પો-વાળી,રાત્રિઓ-રૂપી ચપળ ભ્રમરોવાળી,નિરંતર ડોલ્યા કરતી,
અને જેમાંથી કેટલાંએક પ્રાણીઓ-રૂપી-પાંદડાં ઓ નિરંતર ખર્યા કરે છે-
એવી આ અવિદ્યા-રૂપી લતા -કોઈ સમયે -વિવેક-રૂપી હાથીની હડફેટમાં આવીને પડી જાય છે,ને હતાશ પામે છે,પણ જો એ હાથીની હડફેટમાં -પૂરેપૂરી ના આવે (પડી ના જાય) તો-પાછી મજબૂત થઇ જાય છે.

આ અવિદ્યા-રૂપી-લતા, નવા નવા મિત્ર અને પ્રાણીઓ-આદિ-રૂપી કુંપળોથી પોષાય છે,
નવા પ્રગટ થતા પુત્ર-પૌત્રાદિ-રૂપ અંકુરો થી વધે છે,
તે,સઘળી ઋતુઓમાં વાસનાઓ-રૂપી-પુષ્પોથી ભરપૂર રહે છે,સઘળા વિષયો-રૂપી રસોથી શોભ્યા કરે છે,
દુઃખ-રોગ-આદિ-રૂપ સર્પોથી વીંટળાય છે,મરણો-રૂપી છિદ્રોથી વ્યાકુળ રહે છે.

હે રામચંદ્રજી,આકાશ-રૂપી કોશને ભરપૂર કરી દેનારી,તારાની પંક્તિઓ-
આ લતાની ચકચકિત આકારવાળી કળીઓ છે,
ચંદ્ર તથા અગ્નિના પ્રકાશો આ અવિદ્યા-રૂપી-લતાનો પરાગ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE