Aug 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-577

(૧૭) ભુશુંડ ના સ્વરૂપ નું વર્ણન
હે રામચંદ્રજી,પછી, એ ભુશુંડ -કે જે-હર્ષ-શોકથી રહિત હતો,મેઘના જેવો શ્યામ અને સુંદર હતો,પ્રેમાળ અને ગંભીર વચનોવાળો હતો,પ્રથમ હાસ્ય અને પછી બોલવાની ટેવ-વાળો હતો,ત્રણે લોકની સ્થિતિ જાણી ચૂક્યો હતો,સઘળા ભોગોને તરણા સમાન લેખતો હતો,અને-વિષયો ઉપરની દોડાદોડ-એ તો કેવળ જન્મ-મરણનાં ખરાબ ફળ આપનાર જ છે-એમ સમજતો હતો.

બ્રહ્મ-વિદ્યાના સઘળા વિષયોને જાણનાર હતો,શુદ્ધ-શાંત હતો,
ઠરેલી બુદ્ધિવાળો હતો,પરમાનંદ માં મસ્ત હતો,માયા અને આત્મ-તત્વ ને જાણનાર હતો-અને
મારા પ્રશ્નોના ઉત્તરો આપવામાં ઉદ્યોગી થયેલા મુખથી બહુ જ પ્યારો લાગતો હતો-
તેણે,વિનયથી ક્રમ-પૂર્વક પોતાના અજરામર અને શુદ્ધ સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરતાં કહ્યું કે-

(૧૮) માતૃકાઓના ઉન્માદ નું વર્ણન

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,આ જગતની અંદર,સઘળા દેવતાઓમાં શ્રેષ્ઠ
અને જેને બ્રહ્માદિક પણ પ્રણામ કરે છે-એવા સદાશિવ નામના મોટા દેવ છે.
તે સદાશિવના અર્ધા-શરીરમાં -ભ્રમરોની પંક્તિ જેવા નેત્રો વાળાં,પાર્વતી નામનાં પત્ની રહેલાં છે.

ઉડતી ભસ્મો ને લીધે,હિમ જેવું ધોળું લાગતું,નગરો થી દૂર,
ભાત-માંસ-વગેરે બલિદાનોથી ભરપૂર રહેનારું -સ્મશાન એ જ સદાશિવનું પ્યારું ઘર છે.
ખોપરીઓના માળાઓ-રૂપી આભરણો વાળી,લોહી-ચરબી અને મદ્યનું પાન કરનારી,
અને આંતરડાં-રૂપી માળાઓથી અંગ ને શોભાવનારી "માતૃકાઓ" એ સદાશિવને ક્રીડામાં સહાય કરે છે.

સર્પો જેમના કંકણો છે,અને જેમનું ચરિત્ર રમતમાત્રમાં દૈત્યોને વ્યાકુળ કરી નાખે છે,
જેમની દૃષ્ટિ માત્રથી,મોટામોટા પર્વતો બળી જાય છે,
પણ જગતના કલ્યાણ નો જ વિચાર કરવાથી અને જગતને શાંત કરનારા-
એવા સદાશિવ નું ચિત્ત સમાધિમાં જ લાગ્યું રહે છે.
વિચિત્ર "શક્તિ શાળી"  અને વિચિત્ર પ્રાણીઓના મોઢા-વાળા પ્રમથ "ગણો" તેમના સેવકો છે.

આ પ્રમથ ગણો જેવી જ વિચિત્ર પ્રાણીઓ ના જેવા મુખ-વાળી,અને તેમના જેવી જ શક્તિ-વાળી-
માતૃકાઓ (જોગણીઓ) સદાશિવની પાસે નાચ્યા કરે છે.
સઘળી માતૃકાઓમાં જય,વિજયા,જયંતી,અપરાજિતા,સિદ્ધા,રક્તા,અલમ્બુષા અને ઉત્પલા-
એ આઠ માતૃકાઓ મુખ્ય છે.બીજી માતૃકાઓ તેમની દાસીઓ છે અને
બીજી કેટલીક દાસીઓની પણ દાસીઓ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE