Aug 10, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-579

કાગડા થી ગર્ભિણી બનેલી તે સાત હંસીઓએ બ્રાહ્મી નામના દેવી પાસે જઈ તેમને પોતાનો વૃતાંત કહ્યો.ત્યારે બ્રાહ્મીએ હંસીઓને કહ્યું-હે પુત્રીઓ તમે હમણાં ગર્ભિણી હોવાને લીધે,મારા વાહન-પણાનું કામ કરી શકશો નહિ,એટલા માટે પ્રસવ થતાં સુધી મારી સેવાની કાળજી નહિ રાખતાં તમે ઈચ્છા પ્રમાણે ફરો.

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,હંસીઓને દયાથી એ પ્રમાણે બ્રાહ્મી દેવીએ છૂટી આપ્યા પછી,પોતે તેટલા દિવસ  સુધી,હરવું ફરવું બંધ કરીને નિર્વિકલ્પ સમાધિમાં જ રહ્યા.હંસીઓ પણ વિષ્ણુના નાભિ-કમળના મૂળમાં-બ્રહ્માના તળાવમાં વિચરવા લાગી,અને પ્રસવ નો સમય પ્રાપ્ત થતાં,એ સાતે રાજ-હંસીઓએ નાભિ-કમળના પલ્લવમાં,ત્રણ-ત્રણ કોમળ ઇંડાઓનો જન્મ આપ્યો.

હે વસિષ્ઠ મુનિ,એ રીતે-એ ઈંડામાંથી,ચંડના પુત્રો અને પરસ્પરના ભાઈઓ-
એવા અમે એકવીસ કાગડાઓ ઉત્પન્ન થયા.અને મોટા થતાં અમે આકાશમાં ઉડવાને સમર્થ થયા.
પછી,સમાધિમાંથી વિરામ પામેલા,બ્રાહ્મી-દેવીની,
અમે તથા અમારી જનનીઓએ -લાંબા કાળ સુધી,સારી રીતે આરાધના કરી.
સમય જતાં,બ્રાહ્મી-દેવીએ અમને એવો આત્મ-બોધ આપ્યો કે-અમે સઘળા જીવન મુક્ત થઈને રહ્યા.

"આપણે,શાંત મનવાળા છીએ -તો હવે આપણે એકાંતમાં ધ્યાન-નિષ્ઠાથી શાંતિ માં જ રહેવું જોઈએ"
એવો નિશ્ચય કરીને અમે અમારા પિતા (ચંડ) પાસે ગયા,ત્યાં તેમણે અમારું આલિંગન કર્યું.
અમે અલંબુષાની પૂજા કરી,અને તેમને પણ અમારી પર કૃપા-દૃષ્ટિ કરી.
તેથી અમે સાવધાન-પણે ત્યાં જ રહ્યા.એક દિવસ અમારા પિતા ચંડે અમને નીચે પ્રમાણે કહ્યું.

ચંડ કહે છે કે-એ પુત્રો,અપાર વાસનાઓ-રૂપી તંતુઓથી,ગૂંથાયેલી,
આ સંસાર-રૂપી જાળમાંથી તમે નીકળ્યા છો કે નહિ? જો ના નીકળ્યા હો તો,
આ ભક્ત-વત્સલ ભગવતી અલંબુષાની પ્રાર્થના કરો.એથી તમે જ્ઞાનને પ્રાપ્ત થશો.
અમે કહ્યું કે-હે પિતાજી,બ્રાહ્મી-દેવીની કૃપાથી,અમે પરમ-તત્વને સારી રીતે જાણ્યું છે,
પણ એકાંત સ્થિતિમાં રહેવાને માટે કોઈ ઉત્તમ સ્થળની અમે ઈચ્છા કરીએ છીએ.

ચંડ કહે છે કે-મેરુ પર્વતના ઇશાન ખૂણા તરફના ભાગમાં માણિકમય મોટું શિખર છે,
એ શિખર પર મોટું કલ્પ-વૃક્ષ છે,તેની એક મોટી ફળોથી ભરપૂર શાખા છે,
અને તે શાખામાં મેં પૂર્વે ચકચકિત મણિઓ વાળો માળો કર્યો છે,એ માળામાં તમે જઈને રહો,
ત્યાં રહેવાથી તમને કોઈ પ્રકારની અડચણ વિના જ -ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થશે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE