Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-589

હે મહામુનિ,જે આત્મ-લાભ,પરિણામમાં હિતકારી છે,સત્ય છે,અવિચલ છે,ભ્રાંતિથી રહિત છે,અને
ભોગોની તૃષ્ણા ને ઉત્પન્ન  થવા દેતો જ નથી,તે આત્મ-લાભમાં જ મનને તત્પર રાખવું જોઈએ.ચિત્તને વિહવળ કરી દેનારા દ્વૈત-રૂપી-પિશાચની દૃષ્ટિ જેના પર પડતી નથી,તે સુખમાં મન ને તત્પર કરવું જોઈએ.જે વસ્તુ,આદિ-મધ્ય અને અંતમાં,સુખકારી,મધુર અને દુઃખોનું નિવારણ કરનાર છે-અને- લાંબા કાળ સુધી અતિ-શાંતિ આપનાર છે-તે વસ્તુ (પરમ-તત્વ) માં જ મન ને તત્પર કરવું જોઈએ.

જે સુખ અંત વિનાનું છે-મનને હિતકર છે-સત્ય છે-તે આત્મ-સુખમાં જ મન ને તત્પર કરવું જોઈએ.
જે આનંદ,બુદ્ધિને અજવાળું આપનાર છે,પરમ અમૃત-રૂપ છે,અને સર્વોત્તમ છે-
તે નિરતિશય-આનંદમાં જ મનને તત્પર કરવું જોઈએ.
બાકી,સ્વર્ગ કે જેમાં દેવતાઓ (ઇન્દ્ર-વગેરે) વસે છે-તેમાં પણ કોઈ સુખ અતિ-સ્થિર રહેનારું કે સારું નથી,
પૃથ્વી પરના રાજાઓ-વગેરે કે પાતાળમાં પણ કોઈ સુખ અતિ સ્થિર રહેનારું કે સારું નથી.

ચિંતાઓથી તથા રોગોથી ચપળતા ધરાવનારી,અને દુઃખોના સમૂહોથી જ ઘેરાયેલી,
તુચ્છ ક્રિયાઓ (યજ્ઞ વગેરે કર્મો) થી પણ,કંઈ સ્થિર કે સારું સુખ મળે તેમ નથી.
પોતાના સંકલ્પ-વિકલ્પો-કે જેઓ ચંચળ છે-અને મનને ક્ષોભ આપનારા છે-
તેઓથી પણ કંઈ સારું કે સ્થિર સુખ મળી શકે તેમ નથી.

ઇન્દ્રિયો વગેરેની વિચિત્ર ચેષ્ટાઓ,કે જેઓ નિરંતર જવા-આવવાના સ્વભાવ-વાળી છે-
તેઓ પણ કંઈ સ્થિર કે સારું સુખ આપનાર નથી.
પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય પણ સારું નથી,સ્વર્ગનું ઇન્દ્ર-પણું પણ સારું નથી,કે પાતાળનું મોટું રાજ્ય પણ સારું નથી,કેમકે વિવેકી પુરુષનું મન એમાં ક્યાંય પણ વિશ્રાંતિ (શાંતિ) પામતું નથી.

મોટા મોટા શાસ્ત્રોનો વિચાર કરવાનું કુશળ પાંડિત્ય પણ સારું નથી,
પરાયાં કાર્યોનું વિવેચન કરવાનું સામર્થ્ય પણ સારું નથી,અને
ઉત્તમ કથાઓનું વર્ણન કરવાનું સામર્થ્ય પણ સારું નથી-
કેમ કે વિવેકી પુરુષોનું મન એમાં ક્યાંય વિશ્રાંતિ પામતું નથી.
લાંબા કાળ સુધીનું જીવન (કે જે ઘણી ચિંતાઓથી ભરપૂર હોય છે) તે પણ સારું નથી,
મરણ કે જે એક જાતનું મૂઢ-પણું છે,તે પણ સારું નથી,નરક-વાસ કે સ્વર્ગ-વાસ પણ સારાં નથી-
કેમ કે વિવેકી પુરુષોનું મન -એમાં ક્યાંય વિશ્રાંતિ પામતું નથી.

આ પ્રમાણે- વિચાર કરતાં વિવેકી પુરુષને જગતનાં વિવિધ-પ્રકારના ક્રમોમાંથી-
કોઈ પણ ક્રમ રમણીય લાગતો નથી,કેમ કે સઘળા ક્રમો મતિને મૂઢ કરનારા છે.
મૂઢ મતિ-વાળા માણસને જ જગતના ક્રમો રમણીય લાગે છે.
જે પદાર્થ -જેને-અત્યંત અનિત્ય સમજાયો હોય,
તેમાં મહાત્મા પુરુષોને સદાની તે વિશ્રાંતિ કેમ જ પ્રાપ્ત થાય?

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE