Sep 5, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-605

હે રામચંદ્રજી,બ્રહ્માથી માંડીને પ્રવર્તેલા,અજ્ઞાન-રૂપી ભ્રમથી આ જગત મિથ્યા છતાં સાચું જણાય છે.સંકલ્પથી ઉઠેલા અને અજ્ઞાન-રૂપી ભ્રમના-વિસ્તારમય આકૃતિઓ-વાળા,આ સઘળા દેહો ભમ્યા કરે છે.કોઈ સમયે દેહને માટે સંકલ્પ થાય તો ભલે થાય,પરંતુ બુદ્ધિમાન પુરુષે,સુખ-દુઃખના વિચારમાં પડવું જ નહિ -કારણકે-દુઃખથી કરમાયેલા મુખ-વાળા,આધિ-વ્યાધિઓથી કરમાઈ ગયેલા જેવા,પુરુષનો "દેહ" પોતાની મેળે જ (છેવટે તો) નષ્ટ થઇ જનારો છે અને અસ્થિર છે.

હે રામચંદ્રજી,આ માંસ-મય દેહ અત્યંત તુચ્છ છે,તેમાં આસ્થા રાખવી યોગ્ય નથી.
આ દેહ "લાંબા સમયના સંકલ્પ"થી જ થયેલો છે,માટે તેમાં આસ્થા રાખો નહિ.
સ્વપ્નમાં (અલ્પ સમયમાં ) થયેલા સંકલ્પથી થયેલા એ સ્વપ્ન-દેહ કરતાં પણ-આ "દેહ" અત્યંત તુચ્છ છે.
કેમ કે "અલ્પ સમયના સ્વપ્નમાં  થયેલા સંકલ્પ"થી થયેલા એ સ્વપ્ન-દેહને લાંબી વાર દુઃખ રહેતાં  નથી,
પણ "લાંબા સંકલ્પ"થી થયેલો આ "દેહ" તો લાંબા દુઃખોથી (લાંબા સમય સુધી) દુઃખી થાય છે.

વાસ્તવિક રીતે જોતાં,આ સંકલ્પ-વાળો દેહ આપણને પણ નથી કે કોઈને પણ નથી,
તેમ છતાં,મૂઢ માણસ,આ દેહને માટે શા માટે વિના કારણ કલેશો ભોગવે છે?
જેમ ચિત્રનો દેહ (ચિત્રમાં ચિતરાયેલ દેહ) ધોવાઈ જતા કે નષ્ટ થઇ જતાં,આત્માને હાનિ થતી નથી,
કે જેમ,મનો-રાજ્ય નો (સ્વપ્ન નો) દેહ ઘવાઈ જતાં કે નષ્ટ થઇ જતાં આત્માને કશી હાનિ થતી નથી.
તેમ,આ "સંકલ્પ-જન્ય દેહ" ઘવાઈ જતાં કે નષ્ટ થઇ જતાં,આત્માને કશી હાનિ થતી નથી.

(આમ) લાંબા સ્વપ્ન જેવો અને ચિત્તના સંકલ્પથી કલ્પાયેલો આ દેહ દોષ-વાળો થાય કે શોભા-વાળાઓ થાય,
તો પણ તેમાં ચૈતન્યને (આત્માને) કોઈ હાનિ-કે લાભ થતાં નથી.
હે રામચંદ્રજી,ચૈતન્યનો અંત થતો નથી,આત્મા ચલિત થતો નથી કે બ્રહ્મ વિકૃત થતું નથી.
માટે દેહનો નાશ થતા તેને(ચૈતન્યને) શું હાનિ થાય?

સંકલ્પે (અજ્ઞાને) કરેલો આ દેહ કેવળ દેખાય છે,પણ વાસ્તવિક રીતે તે છે જ નહિ.
જેમ રજ્જુમાં સર્પ મિથ્યા જ ઉત્પન્ન થયો છે,તેમ આ દેહ મિથ્યા જ ઉત્પન્ન થયો છે,
અને તે દેહ ખોટી જ જગતની ક્રિયાઓ કરે છે,કે જે ક્રિયાઓ ભ્રમને લીધે સાચી લાગે છે.

હે રામચંદ્રજી,જે કામ જડ પદાર્થે કર્યું હોય તે કરેલું કહેવાતું જ નથી,
કેમ કે ચેતનની પેઠે જડમાં "અપરાધનો આરોપ" થતો નથી.
આ પ્રમાણે (આ રીતે) દેહ પણ-કે જે (અજ્ઞાન કે સંકલ્પથી બનેલો હોવાથી) જડ મનાય છે-
તે દેહ જગત સંબંધી ક્રિયાઓ કરતો હોય, તો પણ તે કશું કરતો નથી.એમ સમજવું.

દેહ જડ હોવાથી ક્રિયાઓથી (કર્મો થી) રહિત છે,
અને આત્મા ઈચ્છા વગરનો છે-તેથી તેને પણ ક્રિયાઓ કરવી સંભવતી નથી,
માટે ક્રિયાઓનો કર્તા કોઈ પણ નથી,આત્મા તો કેવળ ક્રિયાઓનો "દ્રષ્ટા" છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE