Sep 6, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-606

જેમ વાયુ વિનાના સ્થળમાં,દીવો,પોતાના સ્વ-રૂપમાં જ રહે છે,
તેમ,જગતના સર્વ પદાથો ની અંદર સાક્ષી (દ્રષ્ટા) ની પેઠે જ રહેવું જોઈએ.
જેમ, સૂર્ય આકાશમાં રહીને જ દિવસનાં કામો કરે છે,
તેમ તમે સાક્ષી-પણામાં રહીને જ-આ રાજ્ય-સંબંધી -વ્યવહારનાં કાર્યો કરો.

પોતાના શરીર-રૂપી-ઘરમાંથી,ચિત્ત (મન)-રૂપી-વેતાલને કાઢી મુકવામાં આવે તો-
આ સંસાર-રૂપી-નગરમાં કદી પણ બીવું પડતું નથી.
ચિત્ત-રૂપી-ભૂતે દુષિત કરેલા નર-શરીર-રૂપી-ઘરમાં -જેઓ આસક્તિ રાખે છે-
તેઓ,અનંત કોટી શરીરો નષ્ટ થવા છતાં પણ દેહના અધ્યાસને કોઈ રીતે છોડી શકતા નથી.
(આ આસક્તિ એ મોટું આશ્ચર્ય છે)
મિથ્યા શરીરમાં રુચિ રાખીને વિહાર કર્યા કરતો પુરુષ -એક જાતનો પિશાચ જ છે,
કેમ કે-આ શરીર કદી પણ સ્થિર રહેવાનું નથી.(તે કોઈ એક દિવસે તો મરવાનું જ છે)

હે રામચંદ્રજી,તમે વિશાળ બુદ્ધિથી અહંકારની (હું દેહ છું -તે અહંકારની) પરાધીનતા ત્યજી દઈને
અહંકારને પણ ભૂલી જાઓ અને પોતાના આત્માનું જ અવલંબન કરો.
નરક ને ઇચ્છનારા જે લોકો અહંકાર-રૂપી-પિશાચને વશ થઈને મોહથી તથા મદથી અંધ થયેલા હોય,
તેઓના પર મિત્રો કે બાંધવો પણ સ્નેહ રાખતા નથી.
અહંકારથી દુષિત થયેલી બુદ્ધિ-વડે,જે ક્રિયા કરવામાં આવે-તે ક્રિયાનું મરણાત્મક જ ફળ થાય છે.
વિવેક તથા ધૈર્યથી રહિત રહેનાર,જે મૂર્ખ પુરુષે જો.અહંકારનું અવલંબન કર્યું હોય તો તેને દુઃખી જ સમજવો.

હે રામચંદ્રજી,આ દેહમાં અહંકાર-રૂપી-પિશાચ રહે તો પણ ભલે અને જાય તો પણ ભલે-
પરંતુ તમે એ પિશાચનો -તો મનથી અત્યંત અનાદર જ કરજો.(મનથી તેને અપમાનિત કરી દૂર કરજો)
અને આમ, ચિત્તથી (મનથી) જ દૂર કરેલો,અપમાનિત અને તિરસ્કૃત થયેલો,
તે અહંકાર-રૂપી-પિશાચ તમને હાનિ કરી શકશે નહિ.
આ દેહ-રૂપી-ઘરમાં અહંકાર-રૂપી-પિશાચ દેખાવ દીધા કરતો હોય-
તો પણ અપાર ચૈતન્ય-રૂપ-આત્મા ને તેથી શું થાય? (આત્માને કશું થતું નથી,તેને કોઈ હાનિ થતી નથી)

"હાય,હાય,હું માર્યો ગયો છું,હું બળી ગયો છું" એવા પ્રકારની જે જે દુઃખની વૃત્તિઓ થાય છે,
તે તે સર્વ અહંકાર-રૂપી-પિશાચની વૃત્તિઓ જ છે-બીજા કોઈની નહિ.
જેમ આકાશ સર્વત્ર વ્યાપક હોવા છતાં-પણ અસંગ છે,
તેમ,આત્મા સર્વત્ર વ્યાપક હોવા છતાં પણ અહંકારથી અસંગ છે.
પ્રાણ-થી સંયુક્ત થયેલું,આ દેહ-રૂપી-ચંચલ-યંત્ર,જે કંઈ કરે છે કે ભોગવે છે -તે અહંકારની જ લીલા છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE