Oct 20, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-641

(૩૯) અંતઃપૂજનવિધિ તથા ચિદાત્મ-સ્વ-રૂપ
સદાશિવ કહે છે કે-હવે તે આત્માનું અંતઃપૂજન-કે જે-સઘળા પવિત્ર પદાર્થોને અતિ-પવિત્ર અને સઘળાં અજ્ઞાનનો નાશ કરનાર છે-તે હું કહું છું તે તમે સાંભળો.આત્માનું સર્વદા અનુસંધાન કરવા રૂપ-આ અંતઃપૂજન-ચાલતાં,જાગતાં,સૂતાં-અને સર્વ પ્રકારના વ્યવહારો
કરતાં કરતાં પણ કરી શકાય છે.


શરીરમાં રહેલા મહા-મંગલ-રૂપ આત્મા-કે જે-સમીપ રહેવાથી સઘળા દેખાવોને ઉત્પન્ન કરનાર છે,
તેનું પોતાનાથી જ ચિંતન કરવું.જે આત્મા-સૂતો,ઉઠતો,બેસતો,ચાલતો,સઘળા વિષયોને ભોગવતો અને
કોઈ સમયે મોટા વિષયોને ત્યજી દેતો પણ જણાય છે-
તેમ છતાં સઘળા જાગ્રત-આદિના વિષયોને પોતામાં અધ્યારોપથી બનાવનાર છે-
સઘળાં કાર્યોને સત્તા આપનાર છે-દેહ-રૂપી મૂર્તિઓમાં શાંત-રૂપે જ રહેનાર છે-
તે-(આત્મા) વાસ્તવિક રીતે આકારથી રહિત છે-અને કેવળ બોધમય સ્વરૂપ વાળો છે.

તેનું (તે આત્માનું) પ્રારબ્ધ-ગતિથી,જે જે પદાર્થ-પણું પ્રાપ્ત થાય,
તે તે પદાર્થોનું આત્માથી અભેદ-પણાનું ચિંતન કરીને તેનું જ ચિંતન કરવું-ને પૂજન કરવું.
પ્રારબ્ધના પ્રવાહથી આવી પડેલા ભોગોને ભોગવતા અને સ્વ-રૂપના બોધ-રૂપ-સ્થાનથી જ શુદ્ધ રહેતાં,
એ બોધ-સ્વ-રૂપ આત્માનું અખંડ બોધ-રૂપ ઉપહારથી જ પૂજન કરવું.

આત્મા કે જે-સૂર્યની ભાવનાનો વિસ્તાર કરવાથી,આકાશનો પ્રકાશ કરનાર સૂર્ય-રૂપે ઉદય પામે છે,
ચંદ્રની ભાવનાનો વિસ્તાર  કરવાથી આકાશનો પ્રકાશ કરનાર ચંદ્ર-રૂપે ઉદય પામે છે.
બહારના તથા અંદરના-બુદ્ધિની વૃત્તિઓ-રૂપી-આભાસો-માં તથા વૃત્તિઓથી જણાતા પદાર્થોમાં-
તે-સર્વદા અનુભવ-રૂપે રહેલ છે.

તે (આત્મા) શરીરના દ્વારોથી પોતાના આભાસોને- વિષયના પ્રદેશમાં પ્રાપ્ત કરે છે,
મોઢામાં પ્રાણ-રૂપે રહેલ છે,શબ્દાદિક વિષયોને-પોતાના આનંદથી જ મધુર કરીને જાણે તેઓનો સ્વાદ લેતો હોય એવો છે,મન તથા પ્રાણ-રૂપી બે ઉત્તમ ઘોડા-વાળો છે,પ્રાણ-અપાન-રૂપી રથમાં બેઠેલો છે,
ગુઢ-રીતે અંદરની ગૂફામાં (બુદ્ધિમાં) રહેલ છે,જ્ઞેય પદાર્થોને જાણનાર છે,સઘળાં કર્મોનો કરનાર છે,
સઘળા વિષયોને ભોગવનાર છે,સઘળા અનુભવોનું સ્મરણ કરનાર છે,સઘળા અંગોના સમુહને સારી રીતે જાણનાર છે,વિષયોની ભાવનાઓ અને અભાવનાઓ-ઉપરથી જણાય છે,સઘળા પ્રકાશોથી પણ અત્યંત પ્રકાશ-રૂપ છે,અને સર્વમાં વ્યાપક છે-તેવા તે (આત્મા) નું ચિંતન કરવું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE