Oct 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-642

આત્મા કે જે અપવાદની દ્રષ્ટિથી જોતાં ભેદોથી રહિત છે,અને અધ્યારોપની દૃષ્ટિથી જોતાં ભેદ-વાળો છે,તે દેહમાં રહેલ છે અને હ્રદયાકાશમાં ફર્યા કરે છે,અપવાદની દ્રષ્ટિથી જોતા -તે વિષયોથી રંગાયેલ નથી-પણ અધ્યારોપની દૃષ્ટિથી જોતાં વિષયોથી રંગાયેલ છે.તે (આત્મા) સર્વદા દરેક અંગમાં વ્યાપેલા બોધ (જ્ઞાન) રૂપ છે,મન ની મનન-શક્તિમાં રહેલ છે.


તે (આત્મા) પ્રાણ તથા અપાનના મધ્યમાં ઉદય પામે છે.હૃદયમાં,કંઠમાં,તથા તાળવાના મધ્યમાં રહેલ છે.
ભ્રકૃટીના તથા નાસિકા ના પીઠમાં રહેલ છે.શૈવ-શાસ્ત્રમાં કહેલા છત્રીસ તત્વોના છેલ્લા સ્થાનમાં રહેલ છે,
કાલી,રૌદ્રી-વગેરે શક્તિઓના વિભાગમાં અને મનોન્મનીના અંતની દશાનો પણ અતિક્રમ કરીને રહેલ છે.
તે અંદર શબ્દ (નાદ)-વગેરેને કર્યા કરે છે અને મન-રૂપી પક્ષીને પ્રેરે છે.

તે આત્મા,વ્યવહારમાં વિકલ્પો-વાળા શબ્દો નો વિષય છે,
તો- બીજ (વાસના) વિનાની સમાધિમાં તથા મોક્ષમાં -વિકલ્પો વગરના (નિર્વિકલ્પ) શબ્દ નો વિષય છે.
તે,આત્મા તલમાં રહેલા તેલની જેમ તે સઘળા અંગોમાં રહેલ છે,
તે આત્મા શબ્દ આદિ-તન્માત્રાઓ-રૂપ કલંકથી રહિત છે,
તો-સ્થૂળ-દેહ-રૂપે પરિણામ પામેલી,તે તન્માત્રાઓથી સાકાર (કલંકિત) પણ છે.

હૃદય-રૂપ-કમળ-રૂપ એક પ્રદેશમાં તથા સઘળા દેહમાં પણ તે રહેલ છે,ચૈતન્ય-માત્ર છે,નિર્મળ પ્રકાશ-વાળો છે,સઘળા અધ્યસ્ત પદાર્થોના અધિષ્ઠાન-રૂપ છે,સર્વત્ર પ્રત્યક્ષ જોવામાં આવે છે,પોતાના અનુભવ-રૂપ જ છે,
સ્વ-રૂપે તે આત્મા  પ્રત્યક્ષ ,પણ તે સ્વ-રૂપ નું ભાન ભૂલી જવાથી,જાણે ભોગોની લાલચ રાખે છે.
પોતાનાથી (સ્વ થી) જુદા જેવા જણાતા,પદાર્થોના વેશને જાણે,પોતે જ પામીને -
તરત જાણે પોતના સંકેતથી જ દ્વૈતને પામેલો હોય એવો-તે (આત્મા) છે.તે આત્મા નું જ ચિંતન કરવું.

હાથ-પગ-આદિ અવયવો સહિત,આ દેહ,અનુભવથી જુદો નહિ પડવાને લીધે,દેવ-રૂપ છે-એમ ચિંતન કરવું.
વળી ચિંતન કરવું -કે-મન-ઇન્દ્રિયોની અનેક પ્રકારની ચેષ્ટાઓ-વાળી -ઘણીઘણી વૃત્તિઓ મારું સેવન કરે છે.
જે મન છે તે મારો દ્વાર-પાળ છે,કેમ કે -તે મારી પાસે ત્રણે લોકની હકીકત રજુ કરે છે.
કેવળ સત્ય વસ્તુમાં જ લાગેલી હોવાથી-શુદ્ધ-રૂપ-વાળી આ "ચિંતા" દ્વારમાં રહેનારી મારી દાસી છે.

જ્ઞાન-શક્તિ અને ક્રિયા-શક્તિ મારી ઉત્તમ રાણીઓ છે,
જે જે વિચિત્ર પ્રકારનાં જ્ઞાનો છે-તેઓ મારાં અંગો પર પહેરેલાં આભૂષણો છે.
જ્ઞાનેન્દ્રિયો તથા કર્મેન્દ્રિયો મારાં દ્વારો છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE