Oct 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-646

આમ,તત્વ-દૃષ્ટિથી આત્માનું અવલોકન કરતાં-
પૂજ્ય-પૂજક તથા પૂજા-એ સઘળી ત્રિપુટી જ બાધિત થઇ જાય છે.
આત્મા કે જે સર્વાત્મક છે-અંતથી રહિત છે-અને પરમ-શિવ છે-
તેની અંદર આ ત્રિપુટીનો વ્યવહાર કેમ સંભવે?
જે નામ-રૂપની મર્યાદા-વાળી મૂર્તિ હોવાથી -પૂજ્ય તથા પૂજા નો ક્રમ કલ્પવામાં આવે છે-તે મૂર્તિ જ -પરમ શાંત આત્મા માં સંભવતી નથી !!

ઈશ્વર-પણું કે જે નિત્ય છે-નિર્મળ છે-સઘળી શક્તિઓ-વાળું છે-અને માપ-તોલથી રહિત છે-
તે-પૂજ્ય-પૂજા-આદિના મર્યાદા-વાળા દેવમાં હોવું જોઈએ જ નહિ.
જેનું અત્યંત સ્વચ્છ -અનુભવ-સ્વ-રૂપ જ ત્રૈલોક્ય-રૂપે પ્રતીત થાય છે-
તે શુદ્ધ -આત્મા-રૂપ-પરમેશ્વર (પરમાત્મા) એ "સાકાર છે" એમ વચનથી પણ બોલવું -ઘટતું નથી.

સદાશિવ કહે છે કે-
હે વિદ્વાન વસિષ્ઠ મુનિ,જેઓ પરમેશ્વરને,દેશ-કાળ વગેરેના માપ-વાળો (મૂર્તિ-વાળો) માનીને બેઠા છે-
તેમને આપણા જેવા સમજુઓએ,ઉપદેશથી ખરે રસ્તે ચડાવવા જોઈએ.

કલંકોથી રહિત,અને નિર્માન-પણા-વગેરે સદગુણો વાળા -
તમે શોધન દ્વારા જીવને, દેહથી જુદો પાડીને,
પૂજ્ય-પૂજક-આદિ વ્યવહારોથી રહિત મુખ્ય આત્મ-તત્વને જાણશો-એટલે -
જેમ, ચારે બાજુ સ્ફટિક-મણિઓથી બનાવેલા
અને જેની સમીપમાં બીજી કોઈ પણ વસ્તુ હોય નહિ-
એવા નવા ઘરમાં,લેપ-રંગ વગેરેનું કલંક ના લાગે-
તેમ,તમારામાં પણ જન્મ તથા દુઃખ-આદિ કોઈ જાતનું-કંઈ પણ કલંક લાગશે નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE