Oct 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-647

(૪૧) શાસ્ત્ર તથા આચાર્ય -આદિ ની સાર્થકતા
વસિષ્ઠ કહે છે કે-હે મહાદેવ સદાશિવ,આપ,પરબ્રહ્મ-આત્મા-પરમાત્મા-વગેરે શબ્દોથી કોને કહો છો? જો એમાં કોઈ પણ શબ્દની પ્રવૃત્તિ નથી-તો પછી-તત-સત-કિંચિત-ન કિંચિત-શૂન્ય અને વિજ્ઞાન-વગેરે જુદા જુદા શબ્દોથી શું કહેવાય છે?

સદાશિવ કહે છે કે-આદિ તથા અંતથી રહિત અને દ્વૈત વગરનું જે એક તત્વ છે-
સત-પરબ્રહ્મ-પરમાત્મા-શિવ-વગેરે નામોથી તે તત્વને (કલ્પનાથી) બતાવીએ છીએ.
તે તત્વ ઇન્દ્રિયોથી સમજાય તેવું નથી,એટલે તે  "કંઈ ના હોય" એવી રીતે રહેલ છે-તેથી તે 'ન કિંચિત' કહેવાય છે.

વસિષ્ઠ કહે છે કે-હે મહાદેવ,બુદ્ધિ આદિ સહિત ઇન્દ્રિયોથી જે તત્વ સમજાતું નથી,
તે તત્વ હોવા છતાં પણ તેને જાણવાનો કે જણાવવાનો ઉપાય નહિ હોવાથી,
મોક્ષની ઈચ્છા-વાળો (મુમુક્ષુ) પુરુષ,નિઃશંક રહીને તેને જાણવાનો પ્રયત્ન શી રીતે કરી શકે?
અને ગુરુ તેને જણાવવાનો પ્રયત્ન પણ શી રીતે કરી શકે?

સદાશિવ કહે છે કે-જે પુરુષ મુમુક્ષુ હોય છે-તે અવિદ્યાના સાત્વિક-અંશ-રૂપ પોતાના મનને જ -
સારાં શાસ્ત્ર તથા સદગુરુ-આદિ અવિદ્યાના જ સાત્વિક ભાગોથી સાફ કરે છે.
એટલે પરમ-તત્વ સ્વયં-પ્રકાશ હોવાથી પોતાની મેળે જ પ્રગટ થાય છે.

જેમ,યુક્તિને જાણનારો ધોબી,મેલથી મેલને ધુએ છે,તેમ, સારાં શસ્ત્રોથી તથા સદગુરુ આદિ -
અવિદ્યાના સાત્વિક ભાગોથી,મન-રૂપી અવિદ્યાના સાત્વિક ભાગને ધોયા કરતો જ રહે છે,
અને આમ કરતાં કાક-તાલીય ન્યાયની રીતિ પ્રમાણે,અવિદ્યાનો સંપૂર્ણ નાશ થઇ જાય છે-
એટલે,પછી આવરણથી રહિત થયેલો આત્મા પોતાની મેળે જ પ્રકાશિત થઈને રહે છે.

જેમ,બે અંગારાને,એકબીજાની  સામસામે ધર્યા કરતો બાળક,
એ બંને અંગારાનો તથા તેની કાળાશનો નાશ થતાં,પોતાની મેળે જ નિર્મળ-પણાને પ્રાપ્ત થાય છે,
તેમ,મુમુક્ષુ પુરુષ પણ અવિદ્યાના સાત્વિક ભાગ-રૂપ,સારાં શાસ્ત્ર-આદિ થી,
અવિદ્યાના સાત્વિક ભાગ-રૂપ પોતાના મન ને ધર્યા કરતાં,પોતાની મેળે જ પરમ-તત્વના પ્રકાશને મેળવે છે.

અવિદ્યા ના જ સાત્વિક ભાગ-રૂપ-શાસ્ત્ર-આદિથી, હરકોઈ રીતે,આત્માનો વિચાર કરતાં-
અવિદ્યાના સાત્વિક અને તામસિક -બંને ભાગોનો નાશ થઇ -નિર્મળ આત્માનો ઉદય થાય છે.
એ આત્મા,બુદ્ધિ આદિ-ઉપાયો વડે,પોતાથી જ પોતાને (સ્વ-ને) વિચારીને,પોતે જ પોતાનું અવલોકન કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE