Nov 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-662

હે રામચંદ્રજી,આ વિષયમાં વિસ્મય આપનારી,બીજી એક રમણીય કથા હું કહું છું તે તમે સાંભળો.કોઈ સ્થળમાં સ્નિગ્ધ,સ્પષ્ટ,કોમળ સ્પર્શ-વાળી,ઘાટી અને કદી ક્ષોભ નહિ પામેલી એક મોટી શિલા છે.તે શિલાનીઅંદર રમણીય તથા ખીલેલાં ઘણાં કમળો છે-કે જેની સંખ્યા ગણી શકાતી નથી ! એ સઘળાં કમળો એકબીજામાં પરોવાયેલાં પાંદડાં-વાળાં છે,કે જે પરસ્પરથી લાગેલાં પણ છે ને જુદાં પણ છે,છાનાં પણ છે ને પ્રગટ પણ છે!

એ કમળોમાં- કેટલાંક ઊંચા,કેટલાંક નીચા તો કેટલાંક આડાં મુખો-વાળાં છે.
એ કમળોમાં -કેટલાંક પરપરને મળેલાં મૂળ-વાળાં છે તો કેટલાંક મૂળ વગરનાં પણ છે.
એ કમળોની નજીકમાં કમળોની કળી જેવી રચના-વાળા સેંકડો તથા હજારો શંખો છે,
અને કમળ જેવી રચના-વાળા તથા મોટા આકાર-વાળા ચક્રોના સમૂહ છે.

રામ કહે છે કે-સાચી વાત છે,એવી શિલા થાય છે ખરી.
વિષ્ણુના ધામ-રૂપ શાલિગ્રામ ક્ષેત્રમાં કમળ-વનના લક્ષણ-વાળી એવી મોટી શિલા મેં જોઈ છે.
વસિષ્ઠ કહે છે કે-તમે જે શિલા જોયેલી હતી-તેનું તમને બરાબર સ્મરણ છે-
અને મેં જે મોટી શિલા ની અહી વાત કહી-તે -તે જ શિલા હશે તેમ વિચારો (જાણો) છો,
પરંતુ,(અહી-અત્યારે) મેં તો તે અપૂર્વ શિલાની વાત કહી છે કે-જે શિલા તમારી પાસે જ છે,
કે જે શિલાના મોટા ગર્ભ ની અંદર આખું જગત છે પણ ખરું અને નથી પણ ખરું !

અખંડ,પ્રાણના પણ પ્રાણ-રૂપ,સર્વ સ્થળમાં સમાન અને
અંતરાય-રહિત-જે ચૈતન્ય-શિલા મેં તમને કહી છે-તે-શિલાની અંદર સઘળાં બ્રહ્માંડો રહ્યા છે.
ઘાટા પણું,એકાત્મ-પણું,કુટ્સ્થ-પણું,તથા અભેદ-પણું-વગેરે ગુણોને લીધે,એ "ચૈતન્ય" શિલા-સમાન જ છે.
જોકે તે શિલા અત્યંત ઘાટા અંગો-વાળી છે-ને છિદ્રોથી રહિત છે,આકૃતિવાળી છે,તો પણ
જેમ આકાશની અંદર પવન (વાયુ) રહેલો છે-તેમ,તે શિલાની અંદર જગતનો સમૂહ રહેલો છે.
સ્વર્ગ,પૃથ્વી,વાયુ,આકાશ,પર્વતો,નદીઓ અને દિશાઓ તે શિલાની અંદર છે-
તે છતાં તેમાં છિદ્ર જરા પણ નથી.

એ શિલામાં ઘાટાં અંગો-વાળું આ જગત-રૂપી કમળ પ્રકાશે છે.
એ જગત અન્ય (જુદા) જેવું જણાતાં છતાં,પણ વાસ્તવિક રીતે અન્ય નથી અને
શુદ્ધ ચિદાત્મક પણ નથી-પરંતુ માયા (રૂપી) જ છે.
જેમ,શિલામાં કારીગરના મનની કલ્પનાથી શંખ-કમળ-વગેરે ચિત્ર આલેખાય છે-
તેમ,જીવના મનની કલ્પનાથી,એ શિલામાં ભૂત,ભવિષ્ય તથા વર્તમાન જગત આલેખાયેલું છે,ખડું થયું છે,
કે જે સાચા જેવું દેખાય છે.પણ આ જગત ચૈતન્ય સાથે એક-રૂપ જ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE