Nov 21, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-668

એ આત્મ-પદ માયાથી સબલ નથી,પ્રલય-રૂપ પણ નથી,વસ્તુ આદિ-રૂપ પણ નથી,અને આ લોક કે પરલોકમાં,વાયુ વગેરેથી થતા શોષણ-વગેરે વિકારોથી કદી પણ પોતાના સ્વ-રૂપમાંથી ભ્રષ્ટ થતું નથી.
જેમ હજારો ઘડાઓ ફૂટી જતાં પણ,(તે ઘડાની અંદરનું કે બહારનું)આકાશ ખંડિત થતું નથી (ઘડાકાશ (ઘડાની અંદર રહેલું આકાશ) મહાકાશ (બહારના આકાશમાં) માં મળી જાય છે) તેમ, હજારો દેહ જન્મતા-મરતાં,પણ સર્વના અધિષ્ઠાન-રૂપ એ આત્મ-તત્વ ખંડિત થતું નથી.

હે રામચંદ્રજી,જો કે સઘળું દેહાદિક દૃશ્ય પણ આત્મા જ છે,તો પણ કેવળ સમજણના ફેરફારને લીધે,
જરા જુદું હોય તેમ પ્રતીત થાય છે.જો શ્રવણાદિથી વિકાસ પામેલી બુદ્ધિથી,વિચાર કરવામાં આવે-અને-
જાણવામાં આવે તો સઘળું જગત આત્મ-મય જ છે.
તમે રાજાને યોગ્ય વ્યવહાર કરતાં-અને છતાં પણ શાંત અને મમતા (આસક્તિ) થી રહિત રહો.
અને "સઘળું બ્રહ્મ જ છે" એમ આત્મ-દૃષ્ટિથી જોયા કરશો-તો-
તમને ફરીવાર સંસાર-ભ્રમણ પ્રાપ્ત નહિ થાય,તમે સાક્ષાત બ્રહ્મ-રૂપ જ છો.

(૪૯) સંસાર-વિચાર

રામ કહે છે કે-હે મહારાજ,વિશાળ બ્રહ્મમાં જો વિકાર-આદિ ન હોય ,
તો આ જન્મ-આદિ વિકારો વાળું જગત કેમ પ્રતીત થાય છે?

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,જે થયા પછી પ્રથમની સ્થિતિ પ્રાપ્ત થાય નહિ,એવા સ્વરૂપનો જે ફેરફાર-
તે વિકારાદિક કહેવાય છે.કે જે દૂધ વગેરે પદાર્થોમાં જોવામાં આવે છે.
દૂધ,દહીં થયા પછી પાછું,દૂધપણાને પ્રાપ્ત થતું નથી,માટે (દહીં) વિકાર-વાળું કહેવાય છે.

બોધ-સ્વ-રૂપ-બ્રહ્મ,તો આદિમાં,અંતમાં અને મધ્યમાં-નિર્મળ બ્રહ્મ-રૂપ જ રહે છે.માટે તેમાં વિકાર-પણું નથી.
આદિમાં તથા અંતમાં,સમતાથી જ રહેનારા બ્રહ્મની,ક્ષણમાત્રમાં,જે આ જગત-રૂપ વિકૃતિ જોવામાં આવે છે-તે- વિકૃતિ નથી -પણ વિવર્ત (પ્રતિભાસ-એટલે કે દોરડામાં સર્પ દેખાવો) જ છે.
કેમ કે નિર્વિકારમાં વિકૃતિ સંભવે જ નહિ.બ્રહ્મમાં દૃશ્ય નથી અને દર્શન પણ નથી.(તે માટે દ્રષ્ટા જ છે)
માટે તે બ્રહ્મને જગત સ્પર્શ કરતુ જ નથી.તે બ્રહ્મ- તત્વ, સંબંધથી રહિત અને કેવળ ચૈતન્ય-રૂપ  જ છે.

જે વસ્તુ આદિ-અંતમાં મૂળ સ્થિતિથી જ રહેતી હોય-તે વસ્તુ નિર્વિકાર જ કહેવાય છે.
એવી વસ્તુની અંદર મધ્યમાં જે -અન્ય-પણું દેખાય છે-તે કેવળ અજ્ઞાનથી જ દેખાય છે.
આત્મા તો સર્વ-દેશમાં,સર્વ કાળમાં અને આદિ-મધ્ય-અંતમાં સમાન જ છે.
એ આત્મ-તત્વ કદી પણ અન્ય-પણાને પ્રાપ્ત થતું નથી.
આ આત્મા,રૂપથી રહિતપણાને લીધે,એક-પણાને લીધે,અને નિત્યપણાને લીધે,
જન્મ-વૃદ્ધિ તથા ક્ષય-આદિ ભાવ-વિકારોને કદી પણ વશ થતો નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE