Nov 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-669

રામ કહે છે કે-અત્યંત નિર્મળ,બ્રહ્મ-સદા એક-રૂપે જ રહેલું હોય,તો તેમાં તેથી વિરુદ્ધ સ્વભાવવાળી અવિદ્યાની પ્રાપ્તિ કેમ સંભવે? અને જગત-રૂપ-વિવર્ત પણ કેમ થાય?

વસિષ્ઠ કહે છે કે-સિદ્ધાંત એવો છે કે-"સર્વ જગત બ્રહ્મ જ હતું,બ્રહ્મ જ છે અને બ્રહ્મ જ રહેશે,વળી,તે બ્રહ્મ નિરાકાર છે અને આદિ-અંતથી રહિત છે,અને અવિદ્યા (માયા-અજ્ઞાન) પણ મુદ્દલે છે જ નહિ" બ્રહ્મ-ઇત્યાદિ નામો આપીને "વાચ્ય-વાચક"નો જે ક્રમ બનાવવામાં આવ્યો છે-તે-ઉપદેશને માટે "કલ્પિત" જ છે.માટે તેમાં (તે બ્રહ્મમાં) કોઈ જાતનું દ્વૈત થાય છે-એવું  સમજવું નહિ.

"તમે,હું,જગત,દિશાઓ,સ્વર્ગ,પૃથ્વી,અગ્નિ-વગેરે જે કંઈ છે તે "બ્રહ્મ" છે-અને અવિદ્યા જરા પણ નથી.
અવિદ્યા એ કેવળ નામ-માત્ર,ભ્રમ-માત્ર જ છે અને મુદ્દલે છે જ નહિ." એવો સિદ્ધાંત છે.
માટે જે અવિદ્યા મુદ્દલે હોય જ નહિ-તો તે સાચી કેવી રીતે થાય?

રામ કહે છે કે-આપે આગળ ઉપશમ પ્રકરણમાં તો,"અવિદ્યા છે" એમ વિચાર કરીને તેનો વિચાર ચલાવ્યો છે-
અને આજ "અવિદ્યા છે જ નહિ" એમ કેમ કહો છો?

વસિષ્ઠ કહે છે કે-તેમે આટલા કાળ સુધી અજ્ઞાની હતા,તેથી આ અર્થ વિનાની યુક્તિઓથી તમને સમજાવ્યા છે.
"આ અવિદ્યા છે અને આ જીવ છે" ઇત્યાદિ "કલ્પનાઓનો ક્રમ"
બ્રહ્મવેત્તાઓએ અજ્ઞાની લોકોને સમજાવવા માટે જ કલ્પેલો છે.જ્યાં સુધી મન પ્રબોધ પામ્યું ના હોય,
ત્યાં સુધી,અવિદ્યા વગેરે "શાસ્ત્રીય વ્યવહારની કલ્પના" વિના,
(સઘળું બ્રહ્મ છે એવા) સેંકડો બરાડા પડવાથી પણ મનુષ્ય પ્રબોધ (જ્ઞાન) ને પામે નહિ.

જીવને યુક્તિથી જ સમજાવીને આત્મામાં જોડવામાં આવે છે.
ધારેલું કાર્ય,જેવી રીતે યુક્તિથી સિદ્ધ કરી શકાય છે-તેવું સેંકડો યત્નોથી પણ સિદ્ધ કરી શકાતું નથી.
જે પુરુષ બોધ વિના દુર્મતિ પુરુષની પાસે "સઘળું બ્રહ્મ છે"એમ બોલે-તો-
તે પુરુષ,ઠૂંઠાને મિત્ર સમજીને તેની પાસે પોતાના દુઃખનું નિવેદન કરે છે -તેમ સમજવું.

મૂઢને યુક્તિથી સમજાવાય છે,અને સમજુને તત્વથી સમજાવાય છે.
યુક્તિથી સમજાવ્યા વિના મૂઢને સમજણ આવે નહિ.
આટલા કાળ સુધી તમે અબુધ હતા,તેથી તમને યુક્તિઓથી સમજાવ્યા છે,
પણ હવે તમે પ્રબુદ્ધ થયા છો,માટે તત્વથી હું તમને હવે સમજાવું છું.

"હું બ્રહ્મ છું,ત્રૈલોક્ય બ્રહ્મ છે,તમે બ્રહ્મ છો,અને દૃશ્યો પણ બ્રહ્મ છે-બીજી કોઈ કલ્પના જ નથી"
માટે તમે જેમ ઈચ્છા હોય તેમ વ્યવહાર કરો
વ્યવહારથી વાસ્તવિક બ્રહ્મ-પણાને હાનિ થતી નથી,માત્ર "સઘળું બ્રહ્મ છે" તેની હૃદયમાં દૃઢ ભાવના રાખી,
અનાસક્તિ થી વ્યવહાર કરવામાં આવે તો-વ્યવહાર કરવા છતાં-પણ તમે તેમાં લેપાશો નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE