Nov 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-675

(૫૧) અબોધથી જીવ-આદિની ભ્રાંતિ અને બોધથી બ્રહ્મરૂપતા

વસિષ્ઠ કહે છે કે-જેમ બ્રહ્માને ચક્ષુ,મન કે દેહ-આદિ કંઈ થયું જ નથી-
તેમ તમને પણ ચક્ષુ,મન કે દેહ આદિ કંઈ થયું જ નથી.
એવી રીતનું મારા વચનનું તાત્પર્ય તમારા જાણવામાં આવ્યું હશે.
જેમ,બ્રહ્માના લિંગ-શરીરને સૃષ્ટિના આરંભમાં વ્યવહાર કરવાના પદાર્થોનું જ્ઞાન ઉદય પામ્યું  છે,તેમ-જ-બીજાં ના લિંગ શરીરોને પણ તે જ્ઞાન ઉદય પામ્યું છે.

ગર્ભમાં રહેતાં જ જેને ચક્ષુ-આદિ ઇન્દ્રિયોનો ઉદય પ્રાપ્ત થાય છે-
એવો લિંગ-સ્વ-રૂપ જીવ જે જે વસ્તુની જે રીતે ભાવના કરે છે,
તે તે વસ્તુને પોતાની વાસનાને લીધે જ તે રીતના દેખે છે.
જેમ,બ્રહ્માના મનના વ્યાપારમાં પોતાનો અનુભવ જ ઇન્દ્રિયો-રૂપે તથા ઇન્દ્રિયોના અનુભવ-રૂપે થયેલ છે,
તેમ,તમારા મનના વ્યાપારમાં પણ તમારો અનુભવ જ ઇન્દ્રિયો-રૂપે  અને ઇન્દ્રિયોના અનુભવ-રૂપે થયેલ છે,
એમ મારું કહેવું છે.

અનિંદિત શુદ્ધ ચૈતાન્યાત્મક અનુભવ -કે જે એક જ છે,
તે પાછળથી જો કે અનુભવ-રૂપ જીવપણાથી તથા લિંગશરીરપણાથી જોડાય છે-
તો પણ તેનું શુદ્ધ-પણું નાશ પામતું નથી.કેમ કે -
નિર્દોષ ચૈતન્ય એક છે,અંતથી રહિત છે,અને ઇન્દ્રિયાદિ થી અગમ્ય છે,
માટે તેમાં દેશ-કાળ-આદિ-પરિણામવાળા તથા સ્થૂળપણાવાળા દ્વૈત પદાર્થનું હોવું ઘટતું જ નથી.

ચૈતન્યને દ્રશ્યોના અધ્યારોપ માત્રથી-મનપણું,જીવપણું તથા લિંગશરીરપણું પ્રાપ્ત થાય છે,
માટે વાસ્તવિક રીતે તે કંઈ પણ પ્રાપ્ત થયું ન કહેવાય.
અવિદ્યાનો વિલાસ કે જે મનપણા વગેરેની પ્રાપ્તિનું  મૂળ છે -તે મુદ્દલે છે જ નહિ,
એટલે મનપણા વગેરેની વાસ્તવિક પ્રાપ્તિ ક્યાંથી હોય?
જે કંઈ છે તે સર્વદા પરમાત્મા જ છે -
જે પરમાત્મા મૂઢ લોકોને શૂન્ય સમાન લાગે છે-કેમકે-તે પરમાત્મા મન-આદિ છ ઇન્દ્રિયોથી અગમ્ય છે.

"સંક્લ્પાત્મક-ચૈતન્ય-રૂપ-જીવ, પરમાત્મામાંથી ઉત્પન્ન થાય છે" વગેરે જે કહેવામાં આવે છે-
તે તો ઉપદેશને માટે કલ્પનાથી જ કહેવામાં આવે છે
કેમ કે-પરમાત્મામાં જીવ-પણું વગેરે કેવળ ભ્રમ જ છે.
જેનું "કારણ" શોધવા યોગ્ય નથી પણ ચિકિત્સા જ શોધવા યોગ્ય છે.
"મૂળની કલ્પના" વગેરે વિષેનો વિચાર અને શાસ્ત્રાદિક ઉપદેશ-એ-  ચિકિત્સા-રૂપ ઉપાય છે.
ત્યાર પછી,નિરાકાર-સ્વ-રૂપ-જ્ઞાન જ બાકી રહે છે-જેની પાસે આકાશ પણ પરમાણુ જેવું અને સ્થૂળ છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE