Dec 11, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-688


અહંતા-વૃત્તિ-વાળા ચિત્તમાં રહેનારી આ સઘળી સૃષ્ટિ -તથા-પ્રલય-રૂપી-વિકારો,એ આત્મામાં જ પ્રવર્તે છે.જેમ,પર્વતમાં પથરા-પણું,વૃક્ષમાં લાકડાપણું,અને તરંગોમાં જળપણું છે-તેમ તે પદાર્થોમાં આત્માપણું છે.
જે પુરુષ આત્માને સર્વ પદાર્થમાં અનુસ્યુત (વ્યાપી રહેલો) જુએ,સર્વ પદાર્થોને આત્મામાં અધ્યસ્ત (સ્થપાયેલા) જુએ,અને આત્માને અકર્તા જુએ,તે પુરુષને જ દેખતો સમજવો.

હે અર્જુન,જેમ અનેક આકારો-વાળા તથા અનેક વિકારો-વાળા તરંગોમાં જળ રહ્યું છે,
તેમ સર્વ ભૂતોમાં આત્મા (પરમાત્મા-કે બ્રહ્મ) રહ્યો છે.
સઘળા પદાર્થો,પ્રાણીઓ અને પરબ્રહ્મ -એ સઘળું એક જ છે-એમ સમજો,જુદાપણું જરા પણ નથી.
જે કંઈ છે -તે બ્રહ્મ જ છે,માટે જન્મ-મરણ-આદિ ભાવ-વિકારો કોને થાય? ક્યાં થાય?
અને જગત પણ ક્યાંથી રહે? માટે તમે વૃથા મોહ કેમ ધરો છો?

આ પ્રમાણે નિર્ભય બ્રહ્મ-સ્વ-રૂપનું શ્રવણ કરી અને પૂરા નિશ્ચયથી તેનો અનુભવ કરી,
સંતુષ્ટ ચિત્ત-વાળા સમદર્શી-જીવનમુક્ત- મહાત્માઓ આ જગતમાં વિચરે છે.
માનથી તથા મોહથી રહિત ને સંગના દોષોને જીતી લેનારા,વેદાંતમાં જ નિષ્ઠા રાખનારા,કામનાઓથી રહિત,
અને સુખ-દુઃખ-આદિ નામનાં દ્વંદ્વોથી મુક્ત થયેલા વિદ્વાન લોકો -
અંતે વિદેહ,કૈવલ્ય-રૂપ અવિનાશી-પદને પ્રાપ્ત થાય છે.

(૫૪) સુખ-દુઃખાદિનું કારણ અને આત્મોપદેશ

શ્રીકૃષ્ણ કહે છે કે-જે અર્જુન,ફરીવાર પણ આ ઉત્તમ વચન કહું છું,તે તમે સાંભળો.
"વિષયો જ સુખ-દુઃખ-રૂપ છે" એવી ભ્રાંતિને છોડી દો,કેમ કે-
જેમ,ઉનાળામાં ઠંડો પદાર્થ સુખદાયી અને ગરમ પદાર્થ દુઃખદાયી થાય છે,તથા,
શિયાળામાં ગરમ પદાર્થ સુખદાયી અને ઠંડો પદાર્થ દુઃખદાયી થાય છે,
તેમ,વિષયો અનિત્ય છે અને સુખ-દુઃખ-રૂપ નથી-તેમ સિદ્ધ થાય છે.

માટે પ્રિય વિષયો પ્રાપ્ત થતાં વૈરાગ્ય રાખો અને અપ્રિય વિષયો પ્રાપ્ત થતાં સહનશીલ થાઓ.
સુખ-દુઃખ,એ અદ્વૈત પૂર્ણાનંદ સ્વભાવ-વાળા આત્માથી ભિન્ન નથી,
માટે સુખ પણ ક્યાં રહ્યું? અને દુઃખ પણ ક્યાં રહ્યું?
વાસ્તવિક રીતે વિચારી જુઓ તો,આત્મા કે જે આદિ-અંત થી રહિત છે
અને અવયવોથી પણ રહિત છેતેને પૂર્ણ થવું કે અધૂરું થવું,સંભવે જ કેમ?

જેને,વિષયોના તથા ઇન્દ્રિયોના સાચા-પણાની ભ્રાંતિ ટળી જાય,
તે જીવ ધીર,તત્વદર્શી અને સુખ-દુઃખોમાં સમાન-દ્રષ્ટિ-વાળો થઈને જીવનમુક્ત થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE