Dec 15, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-692

જે આસક્તિ છે તે જ કર્તા-પણું કહેવાય છે.જો મનમાં મૂર્ખતા હોય તો અકર્તાને પણ કર્તાપણું પ્રાપ્ત થાય છે,માટે મૂર્ખતાને જ છોડી દેવી.તત્વને જાણનારા ઉત્તમ ગુરુના આશ્રય ને લીધે,આસક્તિથી રહિત થયેલો
મહાત્મા પુરુષ સઘળાં કામો કાર્ય (કર્મો) કરતો હોય,તો પણ તેને,કર્તાપણું કદી પ્રાપ્ત થતું નથી.
આત્મા નાશવંત નથી,આદિ-અંતથી રહિત છે,અને કદી પણ જીર્ણ થતો નથી,એવો વિદ્વાનોનો નિશ્ચય છે.
આત્માને જાણનાર ઉત્તમ પુરુષો "આત્મા નષ્ટ થાય છે" એમ કદી ધારતા નથી
અને આત્માને જ આત્મા માનવાને લીધે,કદીપણ પોતાના આત્માને દેહાદિ-રૂપ ગણતા નથી.

અર્જુન કહે છે કે-હે શ્રીકૃષ્ણ,જો એમ જ હોય તો,દેહાદિને આત્મા માનનારા મૂઢ લોકોના દેહાદિનો પણ
નાશ થતાં તેમના આત્માનો નાશ થતો નથી-ને તેથી તો તેને (તે આત્માને) કશી હાનિ થતી નથી!!

શ્રીકૃષ્ણ કહે છે કે-હે અર્જુન,તમે ધારો છો તેમ જ છે.ક્યાંય કંઈ નાશ પામતું નથી,
જે કંઈ છે તે અવિનાશી આત્મા જ છે.માટે તેનું શું હોય? અને ક્યાં નષ્ટ થાય?
"આ નષ્ટ થયું અને આ મળ્યું" એવી રીતની ભ્રાંતિ વિના,બીજું કંઈ નષ્ટ થતું કે મળતું મારા જોવામાં આવતું નથી.

જેમ,વાંઝણી નો પુત્ર નષ્ટ પણ થતો નથી અને મળતો પણ નથી,
તેમ દેહાદિમાં કંઈ પણ નાશ પામતું નથી અને કંઈ મળતું પણ નથી.
જે પદાર્થ અસત છે,તેનું હોવું સંભવતું નથી અને જે પદાર્થ સત છે તેનું ન હોવું સંભવતું નથી.
એવો તત્વવેત્તાઓએ સત અને અસત ના સ્વભાવનો નિર્ણય કરેલો છે.

આત્મતત્વ કે જેથી આ સઘળું વ્યાપ્ત છે,તે અવિનાશી છે એમ સમજો.અને આ અવિનાશી આત્મતત્વનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી.આત્મા ,કે જે નિત્ય,અવિનાશી અને અપ્રમેય છે,તેના દેહો અંતવાળા જ કહેવાય છે,
માટે બંધુઓનો કે પોતાના દેહનો નાશ થતા કશો અનર્થ થાય તેમ નથી,તેથી યુદ્ધ કરો.

આત્મા એક જ છે અને દ્વિત્વ,મુદ્દલે છે જ નહિ,તો જે નથી તેનો સમભાવ ક્યાંથી હોય?
દ્વિત્વનો અને એકત્વનો પણ ત્યાગ કરતાં,
જે શાંત અને કાયો તથા કારણોના અધિષ્ઠાન-રૂપી પદ,અવશેષ રહે છે-તે જ પરમ-પદ છે.

અર્જુન પૂછે છે કે-હે મહારાજ,ત્યારે માણસોને "હું મરી જાઉં છું"એવી પ્રતીતિ શાથી થાય છે?
અને સ્વર્ગ-નરક પણ શાથી પ્રતીત થાય છે?

શ્રીકૃષ્ણ કહે છે કે-આ દેહ,પૃથ્વી,જળ,તેજ,વાયુ અને આકાશ -તથા-તેઓની તન્માત્રાઓથી રચાયેલો છે.
તેમાં મન,બુદ્ધિ વગેરે ગોઠવાયેલાં છે.તેવા સ્થૂળ દેહને લીધે પરમાત્મા ને જીવ-પણું છે
અને તે જીવપણું જ જન્મ-મરણ,સુખ-દુઃખ વગેરે ભ્રાન્તિઓનું નિમિત્ત છે.
જેમ દોરીથી વાછરડું ખેંચાય છે,તેમ તે જીવ વાસનાથી ખેંચાય છે,અને,
જેમ,પાંજરાની અંદર પક્ષી રહે છે,તેમ,જીવ શરીરની અંદર રહે છે.

તે જીવ (આત્મા) કાળ (સમય) ને લીધે,જર્જરિત થયેલા દેહમાંથી વાસનાને લીધે જતો રહે છે.
જેમ,વાયુ,પુષ્પોમાંથી સુગંધને સાથે લઈને જાય છે,
તેમ, જીવ,શરીરમાંથી શ્રોત્ર.ચક્ષુ,ઘ્રાણ,રસના અને ત્વચાને (જ્ઞાનેન્દ્રિયોની શક્તિઓને) સાથે લઈને જાય છે.
"જીવ ને વાસના થવી" (જીવને કાલ્પનિક વાસના થવી) તે જ દેહ છે-બીજી કોઈ ગોઠવણથી દેહ થયો નથી.
વાસનાઓ ટળી જાય છે-ત્યારે "સુક્ષ્મ-દેહ" ક્ષીણ થાય છે,અને પોતે જ પરમ-પદ-રૂપ થાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE