Dec 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-694

અર્જુન કહે છે કે-લિંગ-શરીર વાસનામય જ છે અને તે શરીરમાં ચૈતન્યનું જે પ્રતિબિંબ છે -તે જ જીવ છે,(એમ આપે કહ્યું) તો પછી - જો વાસનાનો ક્ષય થાય,તો જીવનો પણ ક્ષય થાય,કેમ કે -
જે પદાર્થ જેની સત્તાથી થયો હોય તેનો નાશ થવાથી-તે પદાર્થ પણ નષ્ટ થઇ જાય એ સ્વાભાવિક છે.(અને જો) આ પ્રમાણે વાસનાનો ક્ષય થતા,જીવનો ક્ષય થઇ જાય તો પછી,
આનંદ ક્યાં પ્રગટ થાય? અને મિથ્યા ભ્રમ ટળી  જઈ  મોક્ષ પણ કોને થાય?

શ્રીકૃષ્ણ કહે છે કે-જે આત્મ-સ્વરૂપ છે,તે પોતે જ સંકલ્પોની કલ્પના કરવાથી મલિન થાય છે,
અને પછી,વાસનામય લિંગ-શરીરનો આકાર લઈને તે આત્મા જીવ થાય છે-તેમ સમજો.
જીવ જો કેવળ પ્રતિબિંબ માત્ર જ હોય અને જો તે બિંબથી અન્ય (જુદો) હોય (એટલે કે દ્વૈત થતું હોય)
તો તમારો કહેલો દોષ આવે,પણ, વાસ્તવિક રીતે,બીજા કશાને ય આધીન નહિ રહેનારું,
સંકલ્પોથી રહિત અને અવિનાશી જે આત્મ તત્વ છે-તે જ-
પોતાની અવિદ્યા (માયા) થી ઢંકાઈ ને જીવ-પણાને પામેલા જેવું  હોય-એમ જણાય છે.

એ આત્મ-તત્વ પોતાના વાસ્તવિક સ્વ-રૂપના બોધના પ્રભાવને લીધે -
વાસનાઓથી મુક્ત થાય -એ જ મોક્ષ છે -એમ સમજો.
વાસનાઓનો જે સમૂળ ક્ષય થાય છે-તે જ આ શરીર રહેતાં સુધી જીવનમુક્તિ કહેવાય છે.
અને તે જીવનમુક્તિ તમારાથી  (પોતાથી) "અનુભવી"  શકાય એમ છે.
માટે "કોને જીવનમુક્તિ થાય છે?" એવો તમારે સંશય કરવો ઘટતો નથી.

હે અર્જુન,તમે જીવતાં જ સ્વ-રૂપમાં રહેલા આત્મતત્વનું અવલોકન કરો.
જે પુરુષ વાસના-રૂપી જાળમાંથી છૂટેલો હોય-તે મુક્ત કહેવાય છે અને જે વાસનાથી રહિત થયો હોય નહિ,
તે પુરુષ સઘળા ધર્મો પાળતો હોય અને સર્વજ્ઞ હોય તો પણ,ચારે બાજુથી બંધાયેલો જ છે.

અવિદ્યાથી ઢંકાયેલા અને જેણે વેદાંત નો પરિચય નથી થયો,
એવા જે પુરુષને,અનેક ભ્રમ દેનારી સુક્ષ્મ વાસના અંદર સ્ફુરે છે,
તે જ પુરુષ,આ શરીરમાં જ વેદાંત (અદ્વૈતનો) નો અભ્યાસ કરી-તત્વ-જ્ઞાન મેળવે,
એટલે તે સમૂળ-વાસના-રૂપ બંધનથી મુક્ત થાય છે,
એટલા માટે વાસના જ બંધન છે,અને વાસનાનો જે ક્ષય થાય -તે જ મોક્ષ છે.

(૫૬) જીવનમુક્તિ અને જગત-રૂપ ચિત્ર

શ્રીકૃષ્ણ કહે છે કે-હે અર્જુન,એ પ્રમાણે જો તમે વાસનાનો ત્યાગ કરશો તો તમે જીવનમુક્ત બનશો,અને
તમારું અંતઃકરણ શાંત થશે.અને જેથી બંધુઓના વધ-સંબંધી દુઃખ દૂર થશે.
જરા (વૃદ્ધાવસ્થા) તથા મરણથી રહિત -અને-આકાશ જેવા સ્વચ્છ અંતઃકરણવાળા રહીને,
"જે પોતાને ગમતા હોય અને જે પોતાને ના ગમતા હોય તેવા સર્વ સંકલ્પો"ને
દૂર કરી રાગ(આસક્તિ) નો ત્યાગ કરો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE