Jan 9, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-717

અહો,આ મનની ગતિ મહાભયંકર છે.
જેમ,અગ્નિના અંગારાથી જ્વાળાઓવાળો મોટો અગ્નિ થાય છે,
તેમ શુદ્ધ જ્ઞાન-રૂપ પરમાત્મામાંથી,અશુદ્ધિ-વાળી આ સઘળી સંસાર-રૂપી જાળ થયેલી છે.
સન્યાસીના મનની જેમ,પ્રત્યેક જીવના મનમાં પણ આવી જ રીતનો પ્રત્યેક જગત-રૂપ દેખાવ ઉદય પામ્યો છે.
અને તે તે દેખાવો સંબંધી બીજા જીવોના મનમાં પણ આવી જ રીતના વિચિત્ર દેખાવો ઉદય પામ્યા છે.
કારણોના પણ કારણ-રૂપ અને સર્વના અધિષ્ઠાન-રૂપ પરમાત્મા સ્ફૂર્યા કરે છે.
તેમાં એ સઘળા દેખાવો પરસ્પરની દ્રષ્ટિથી સાચા  છે,
પણ પરમાત્માનું રૂપ જાણવામાં આવે ત્યારે તે મિથ્યા થઇ જાય છે.

(૬૭) બ્રહ્મની એકતાનું પ્રતિપાદન

દશરથ કહે છે કે-હે મહામુનિ વસિષ્ઠ,હું અહીંથી હમણાં જ કેટલાએક માણસોને મોકલું છું.
તેઓ ત્યાં જઈને,તે સન્યાસીને સમાધિમાંથી જાગ્રત કરે અને તેણે તરત અહી લઇ આવે.

વસિષ્ઠ કહે છે કે-હે રાજા,એ સન્યાસીનો દેહ હમણાં જીવતો નથી,પણ પ્રાણ વગરનો રહી ગયો છે,અને બગડીને છિન્નભિન્ન થઇ ગયો છે.એ સન્યાસીનો જીવ (આત્મા) તો બ્રહ્મનો હંસ થઈને  જીવનમુક્ત થઈને રહ્યો છે-
એટલે ફરીવાર આ સંસારમાં આવે તેમ નથી."એક મહિના સુધી ઘર ખોલવું નહિ"
એવી એ સન્યાસીની આજ્ઞાને લીધે સેવકો,ઘરના બારણાની પાસે જ ચોકી કરવા માટે ઉભા છે.
મહિનો પૂરો થશે -એટલે સેવકો બારણું ઉઘાડશે,અને સન્યાસીના શરીરને મરણ પામેલું જોઇને જળમાં  ડુબાડી દેશે,અને તેની જગ્યાએ એક પાષાણની મૂર્તિ બેસાડશે-કે જે મૂર્તિને ભક્ત-લોકો દેવ-રૂપ માનશે.

હે રામચંદ્રજી,આ ઘણી જ ફેલાયેલી માયા કે જે વિક્ષેપ-શક્તિને લીધે કોઈ રીતે ટાળી શકાય નહિ એવી લાગે છે,
પણ,તે સર્વદા "સર્વમાં આત્મ-સ્વ-રૂપના અનુસંધાન"થી સહજ ટાળી શકાય છે.
માયા કે જે પોતે નહિ હોવા છતાં જગતનો આરંભ કરી બેઠી છે,પણ પરમાત્મામાં તે કથન-માત્ર જ છે,
એમ વિદ્વાનોએ તેને  "ધારેલી" જ છે-અને પરમાત્માનું અવલોકન કરવા માત્રથી તે નાશ પામે છે.

પરમાત્મા જ,અવિવેકને લીધે,દ્રશ્ય-મય-લાંબા સ્વપ્નમાંથી-તેવા જ બીજા સ્વપ્નમાં જાય છે,અને જીવ-પણાને પામેલા છે, માટે જ તે પરમાત્મામાં જો વિવેકથી સર્વને પોતાનું જ સ્વ-રૂપ દેખે તો-ચૈતન્ય-માત્ર-રૂપે અવશેષ રહે છે.જેને  જે પ્રતિભાસ થાય છે,તે ખરી રીતે જોવામાં આવે તો,તે પ્રતિભાસ જ સંસાર-રૂપે  ઉદય પામે છે.
પ્રત્યેક પ્રાણીનું આ સંસારનું મંડળ જુદુંજુદું ઉદય પામેલું છે કે જે સન્યાસીના સ્વપ્ન જેવું છે.એમ સમજો.

જેમ,આ જોવામાં આવતો સંસાર,બ્રહ્માના સ્વપ્ન-રૂપ છે,તેમ વ્યષ્ટિ જીવના પણ સ્વપ્ન-રૂપ જ છે,અને,
ચિત્તની ભ્રાંતિ-રૂપ છે,તો પણ એમાં એટલો ભેદ છે કે-બ્રહ્માને તે મિથ્યા જણાય છે અને વ્યષ્ટિ જીવોને તે સત્ય જણાય છે.જો ચિત્તની શુદ્ધિ થાય તો જ -વ્યષ્ટિ-જીવને પણ તે (સંસાર) બ્રહ્માની જેમ-મિથ્યા લાગે.
આ બ્રહ્માંડો,પ્રત્યેક જીવનાં જુદાંજુદાં હોઈ પ્રગટ થયાં છે,માટે કરોડો બ્રહ્માંડો છે-એમ કહી શકાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE