Jan 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-718

ચૈતન્યની સત્તાથી સત્તા પામેલા જીવો,સ્વ-રૂપને ભૂલી જવાથી,જરા,મરણ,દુઃખો વગેરેને પ્રાપ્ત થાય છે.
જો કોઈ જીવ પુણ્યવાન હોય,તો ચિત્ત-રૂપી અંશના ચલન-માત્રથી,પાતાળ કે બ્રહ્મલોકને બનાવીને તેમાં ભોગ ભોગવ્યા કરે છે.જે પરમાત્મા ચૈતન્ય છે-તે જ પ્રાણની કલ્પનાથી ચલન-રૂપ થઈને તે દ્વારા "જીવ" એ નામને ધારણ કરીને, પોતામાં-દેહાકાર ભ્રમ-વાળું અને બહાર-જઈ-વિષયાકાર ભ્રમ-વાળું થઈને ભમ્યા કરે છે.

જે જીવ છે-તે કેવળ ભ્રાંતિ-રૂપ-અપરાધને લીધે હોય,તે જીવ શું પરમાત્મા નથી?
જો ભ્રાંતિ ટળી જાય -તો તે જીવ જ શું પરમાત્મા નથી?
જેમ,મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડવાથી અન્ય નામને યોગ્ય થાય છે,તેમ,પરમાત્માનું માયાની ઉપાધિમાં પ્રતિબિંબ પડવાથી-તેમનું શું જીવ-તથા દેહ-એવું શું અન્ય નામ ના હોઈ શકે?
આ રીતે,ઐક્યનું દર્શન થાય-તો-વ્યવહારની દૃષ્ટિથી પણ જગત બ્રહ્મ-રૂપ થઇ જાય છે.

જેમ આકાશ,આકાશમાં અને જળ,જળમાં રહેલું છે,તેમ પરબ્રહ્મ (જગત) એ પરબ્રહ્મમાં જ રહેલું છે.
દર્પણ-કે જે મુખથી અત્યંત જુદું છે-તેમાં પ્રતિબિંબ-રૂપે-મુખ પડતાં,દર્પણને બદલે મુખ જ દેખાવાનો સંભવ છે,
પરંતુ બ્રહ્મ તો પોતાથી અભિન્ન ઉપાધિઓમાં જ જીવ-રૂપે સ્થિતિ પામેલ છે,તેથી ભ્રાંતિ થવાનો સંભવ નથી.
તો પણ જેમ,બાળક પ્રતિબિંબથી બીએ છે,
તેમ જીવ-રૂપ-બ્રહ્મ,પોતામાં કંઇક બીજું થઇ ગયેલું સમજીને બીએ છે,એ મોટું આશ્ચર્ય છે.

સમાધિના અભ્યાસથી બુદ્ધિના ચલન ને રોકવામાં આવે તો,ભેદ-રૂપી-સ્થિતિ,પોતાની મેળે જ બુદ્ધિમાં લય
પામે છે.અને બુદ્ધિ પણ બ્ર્હ્માકાર પરિણામ પામીને ભેદ-રૂપી-સ્થિતિ (કે જે બ્રહ્મ જ છે)માં લય પામે છે.
સર્વાત્મક-ચૈતન્ય-રૂપ-પરમાત્મામાં જેને ચલન માનવામાં આવે છે-તે પણ ચૈતન્ય જ છે.
હકીકતમાં,તો બ્રહ્મમાં,ચલન,અચલન તથા ઉદય-અસત-આદિ સર્વ કલ્પિત જ છે,વાસ્તવિક નથી.

વાસ્તવિક વિચારથી-"સર્વ" એ શબ્દનો તથા તેના અર્થનો એકરસ સ્વભાવ જાણવામાં આવે તો-
કેવળ ચૈતન્ય જ રહે છે.પ્રપંચ તો અભાવ-રૂપે પણ નથી રહેતો-તો ભાવ-રૂપે તો ક્યાંથી રહે?
ભેદની કલ્પનાથી જ સ્વ-રૂપના લાંછન-રૂપ-ભેદ ઉદય પામે છે,
અભેદના બોધથી સઘળો ભેદ ગળી જાય ત્યારે પરમ-પદ-રૂપ બ્રહ્મ જ બાકી રહે છે.

હે રામચંદ્રજી,તમે અજ્ઞાનથી જ દ્વૈત-રૂપ છો,પણ જો તે દ્વૈત પર દ્રષ્ટિ કરો જ નહિ,તો પૂર્ણ ચૈતન્ય-રૂપ છો.
હવે તમારી બધી શંકાઓ દુર થઇ હશે.નિઃશંકપણું પ્રાપ્ત થયું,એટલે હવે સ્વપ્ન,જાગ્રત,સુષુપ્તિ,બંધન,મોક્ષ કે-તુર્યપણું-આદિ કંઈ પણ નથી.જ્યાં સુધી અજ્ઞાન છે-ત્યાં સુધી જ જગત છે.
અજ્ઞાન (અબોધ) પણ મિથ્યા જ છે,માટે હવે દ્રષ્ટા,દર્શન કે દ્રશ્ય ક્યાં રહ્યાં?
જો તમારા સંકલ્પો નો નાશ થયો-તો ચિત્તનું તથા પ્રાણ-આદિનું ચલન પણ બંધ થાય.
તે ચૈતન્ય,સંકલ્પોથી રહિત છે,ને ચલન-અચલનમાં જુદું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE